Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

જામનગરના ધ્રોલમાં ફાયરીંગ કરી હત્યા કરવાના ગુનામાં આરોપીના જામીન મંજૂર

રાજકોટ તા. ૩ :.. જામનગરના ધ્રોલમાં અંધાધૂંધ ફાયરીંગ કરી ખૂન કરવાના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છૂટકારો હાઇકોર્ટે ફરમાવેલ છે.

ધ્રોલ મુકામે રહેતા જયદીપસિંહ રાજેન્દ્રસિંહએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે તા. ૬-૩-ર૦ર૦ના રોજ દિવ્યરાજસિંહ ઉપર ત્રિકોણબાગ પાસે એકાદ વાગ્યાના સુમારે મુસ્તાક પઠાણ તથા એક અજાણ્યા ઇસમોએ અલગ અલગ હથીયારથી ફાયરીંગ કરેલ અને જેમાં ઇજા થતા તેઓ ઢળી પડેલ હતાં. અને ગાડીમાં આવેલા અનિરૂધ્ધસિંહ સોઢા તથા અન્ય લોકો જામનગર તરફ નાસી ગયેલ હતાં. જેમાં સારવાર દરમ્યાન જામનગરની જી. જી. હોસ્પીટલમાં દિવ્યરાજસિંહએ મરણ ગયેલાનું જાહેર થયેલ હતું.

બનાવ સમયે દિવ્યરાજસિંહ જાડેજા જામનગર રોડ ઉપર આવેલ સોયલ ટોલનાકાનું કામકાજ કરતા હતા અને તેને અનિરૂધ્ધસિંહ સોઢા તથા તેના મીત્ર મુસ્તાક પઠાણ સાથે માથાકુટ થયેલ જેનો ખાર રાખી તેઓએ ફાયરીંગ કરેલાનું જણાવેલ હતું. અને જેમાં તપાસ દરમ્યાન ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ કાળુભા જાડેજા તથા ફાયરીંગ કરનાર શાર્પશૂટર સોનુ તથા બબલુ તથા હથીયાર સપ્લાય કરનાર અજીત ઠાકુરનું નામ ખુલેલ હતું. આ ઓમદેવસિંહને મરણજનાર દિવ્યરાજસિંહ સાથે પૈસાની લેતી દેવી અંગે વિવાદ ચાલતો હતો જેથી ઓમદેવસિંહ જાડેજા તથા અનિરૂધ્ધસિંહ સોઢાએ બહારથી શાર્પશૂટરો તથા હથીયારો મંગાવેલ હતા જે કામમાં અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ, અજીત વિરપાલસિંહ ઠાકુર, અખીલેશ ઉર્ફે બબલુની પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી.

ઉપરોકત ગુન્હામાં ચાર્જશીટ થતા આરોપી અજીત વિરપાલસિંહ ઠાકુર (ભાટી) ઠે. પલવલ, (હરીયાણા) એ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજી અદાલત દ્વારા રદ કરવામાં આવતા જેનાથી નારાજ થઇને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ.

ઉપરોકત સંજોગોમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા બચાવ પક્ષની રજૂઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને લઇ અરજદાર આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આશીષભાઇ ડગલી તથા રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી. નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા, કુલદીપસિંહ ચૌહાણ, જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલ હતાં.

(2:56 pm IST)