Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રાજકોટના ત્રણ મિત્રોએ ચેલેન્જ સ્વીકારી અલ્ટ્રા મેરેથોન દોડ પૂર્ણ કરી

મેહુલભાઈ વાયા ૭૭ કિ.મી., એમ.કે. જાડેજા ૭૧ કિ.મી. અને રવિ જાદવે ૫૫ કિ.મી.નું અંતર રેસકોર્ષ રીંગ રોડ પર દોડીને પૂર્ણ કરી : રાજકોટ રનર્સ માટે ગૌરવવંતી ક્ષણો

રાજકોટ : સરદાર પટેલ જયંતિ નિમિતે અમદાવાદની સ્પોર્ટ્સ કંપનીએ યુનિટી રન ઈવેન્ટ યોજી હતી. તેમાં ૧૫ દિવસમાં રનીંગ કે સાયકલીંગ કરીને કુલ ૨૨૧ કિ.મી. અંતર પૂરૂ કરવાનું હતું.

રાજકોટ રનર્સ ગ્રુપના ૩ સભ્યોએ આ ઈવેન્ટની ચેલેન્જ સ્વીકારી હતી અને તેના ભાગરૂપે તા.૧ નવેમ્બરના રોજ તેઓએ અલ્ટ્રા મેરેથોન દોડવાનું નક્કી કર્યુ હતું. અલ્ટ્રા મેરેથોનમાં સામાન્ય રીતે ૫૦ કિ.મી. અથવા તેનાથી વધારે દોડવાનું હોય છે.ત્રણ મિત્રો મેહુલભાઈ વાયા, એમ.કે. જાડેજા અને રવિ જાદવએ તા.૩૧ ઓકટોબરના રાત્રે ૯ વાગ્યાથી દોડવાનું શરૂ કરીને બીજા દિવસે રવિવારે સવારે તેમની અલ્ટ્રા મેરેથોન પૂરી કરી હતી. મેહુલભાઈ વાયા ૭૭ કિ.મી., એમ.કે. જાડેજાએ ૭૧ કિ.મી. અને રવિ જાદવએ ૫૫ કિ.મી.નું અંતર રેસકોર્ષ રીંગ રોડ પર દોડીને પૂર્ણ કર્યુ હતું. જે એક મોટી સિદ્ધિ ગણાય અને રાજકોટ માટે ખૂબ જ ગૌરવનો વિષય ગણાય.

રાજકોટ રનર્સ ગ્રુપના અન્ય સભ્યોએ ફુલ નહિં તો ફુલની પાંખડી તેમ ૧૫ કિ.મી.થી ૩૬ કિ.મી. સુધીનું જુદુ જુદુ અંતર આ ત્રણેય રનર્સની સાથે દોડીને આ અલ્ટ્રા મેરેથોનમાં સાથ આપેલ. રાજકોટ રનર્સ ગ્રુપના લગભગ ૩૦ જેટલા સભ્યોએ આ ઈવેન્ટને યાદગાર બનાવવામાં તેમનો સહયોગ આપેલ. આ રાજકોટ માટે અને રાજકોટની રનર્સ કોમ્યુનિટી માટે ગૌરવની વાત છે.

રાજકોટના આ ત્રણેય મિત્રો ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:01 pm IST)