Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દીદીનું ધ્યાન રાખજે એવો ફોન પુત્રને કરી રંજનબેને ફાંસો ખાવા પ્રયાસ કર્યો

સોમનાથ સોસાયટીના મહિલા કેટલાક દિવસથી ગમતું નથી એવું રટણ કરતા'તા : દોરડુ ગાળામાં નાંખ્યું ત્યાં જ પુત્ર પહોંચી ગયો ને બચી ગયાઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૩: કોઠારીયા રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટી-૧માં રહેતાં રંજનબેન વલ્લભભાઇ ચાવડા (કડીયા) (ઉ.વ.૪૦)એ સવારે ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતાં એ વખતે જ પુત્ર અર્પિતભાઇ પહોંચી જતાં તાકીદે નીચે ઉતારી લઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રંજનબેનના પતિ હયાત નથી. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રંજનબેન બે-ત્રણ દિવસથી પોતાને કયાંય ગમતું નહિ હોવાનું રટણ કરતાં હતાં. બે દિવસથી પુત્રી ભાવનગર મામાના ઘરે આટો દેવા ગઇ હોઇ આજે સવારે પુત્ર કારખાને કામે ગયો એ પછી રંજનબેને તેને ફોન કરી 'દીદીનું ધ્યાન રાખજે' તેવી વાત કરતાં જ પુત્રને ફાળ પડી ગઇ હતી અને તુરતજ કારખાનેથી ઘરે આવ્યો હતો. એ વખતે માતાને લટકવાનો પ્રયાસ કરતાં નિહાળી તુરત જ નીચે ઉતારી લીધા હતાં. ગળામાં થોડુ ખેંચાણ આવી ગયું હોઇ સારવાર માટે ખસેડ્યા હતાં.

જંગલેશ્વરનો અક્રમ ભુલથી બીજી દવા પી ગયો

જંગલેશ્વર-૧૩ વેલનાથ ચોકમાં રહેતો અક્રમ સલિમભાઇ અજમેરી (ઉ.૧૯) શરદીની દવાને બદલે ભુલથી બીજી દવા પી જતાં તબીયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. તે મીલમાં નોકરી કરે છે.

(3:02 pm IST)