Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નંદા હોલ પાસે રામેશ્વર સોસાયટીમાં રિનોવેશન વખતે મકાન ધસી પડ્યું: પરિવારજનોનો બચાવ

હરેશભાઇ પરમાર અને તેના ઘરના સભ્યો ફટાફટ બહાર નીકળી જતાં ચમત્કારીક બચાવઃ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

રાજકોટ : શહેરનાં કોઠારીયા રોડ વિસ્તારમાં નંદા હોલ પાસેની સુચિત રામેશ્વર સોસાયટી શેરી નં. ૩/૪ નાં ખૂણા પર આવેલુ બે માળનું મકાન આજે ૧૧ વાગ્યા આસપાસ એકાએક ઘસી પડતાં શેરીમાં હોહા દેકારો મચી ગયો હતો. જો કે સદ્ભાગ્યે કોઇને ઇજા - જાનહાની થઇ ન હતી. આ અંગે આ વિસ્તારનાં વોર્ડ ઇજનેરશ્રીનાં જણાવ્યા મુજબ રામેશ્વર સોસાયટી કે જે સૂચિત વિસ્તાર છે ત્યાં શેરી નં. ૩/૪ નાં ખૂણા પર ગ્રાઉન્ડ-૧ એમ બે માળનાં લોડબેરીંગ બાંધકામ વાળુ હરેશભાઇ પરમારના મકાનનું રિનોવેશન થઇ રહ્યુ હતું. સવારે કડીયાઓ દ્વારા મકાનની દિવાલોનું પ્લાસ્ટર ખોલી નાંખ્યું હતું. અને કડીયા - મજૂર વગેરે મકાનની બહાર હતો. તે દરમિયાન એકાએક મકાનની નબળી પડેલી દિવાલ તુટી પડતાં આખુ મકાન ધરાશાયી થઇ ગયેલ.  અને સ્લેબ સહિતનો કાટમાળ શેરીમાં ઢગલો થઇ ગયો હતો. જો કે સદ્નસીબે આ કમનશીબ ઘટનામાં કોઇને ઇજા-જાનહાની થઇ ન હતી કે આસપાસનાં મકાનોમાં પણ કોઇ મોટુ નુકશાન થયુ ન હતું. માત્ર ૧ એકટીવા કાટમાળમાં દબાઇ ગયું. મ.ન.પા.નાં ઇજનેરશ્રીનાં જણાવ્યા મુજબ લોડ બેરીંગ વાળા આ મકાનનાં બાંધકામમાં ઘણી ટેકનીકલ ક્ષતીઓ જણાવી હતી. રવેશ બહાર કાઢવામાં આવેલ અને તેની ઉપર બે બાથ રૂમનું બાંધકામ થયેલ જેના કારણે લોડ બેરીંગવાળા આ મકાનનાં સ્લેબ અને દિવાલ ઉપર તેની ક્ષમતાથી વધુ પડતો લોડ આવી ગયો હોય. દિવાલોનું પ્લાસ્ટર ખોલતાની સાથે જ નબળી દિવાલ ઘસી પડતા મકાન તુટી પડયુ હોવાનું જણાય છે. તસ્વીરમાં શેરીમાં તુટેલા મકાનનો કાટમાળ તેમજ કાટમાળમાં દબાયેલુ એકટીવા નજરે પડે છે. બપોર સુધીમાં મ.ન.પા.નાં ઇજનેરી સ્ટાફે કાટમાળ ઉપડાવી. રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. (તસ્વીર - સંદીપ બગથરીયા)

(3:40 pm IST)