Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નેક કમીટી સમક્ષ ભવ્ય શૈક્ષણિક સિદ્ધિના પ્રદર્શનને બદલે રંગરોગાન અને દેખાડો કરવા ૧ કરોડનું આંધણ

આઈકયુએસીનું કામ હવે સીન્ડીકેટ સભ્યોની કોર કમીટીને સોંપાયુ : નેકમાં ગ્રેડ લેવા તડામાર તૈયારીઓ શરૂ

રાજકોટ : કર્મઠ કુલપતિ કનુભાઈ માવાણીની દીર્ઘદૃષ્ટિ અને નિષ્ઠાને કારણે એ ગ્રેડથી પ્રકાશિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ એક પણ ગ્રેડ વગરની બની છે. સ્ટાર પણ ચાલ્યા ગયા છે ત્યારે વર્તમાન સત્તાધીશો હવે નેક એક્રડીટીએશનમાં ઉચ્ચ ગુણ મેળવવા એકમાત્ર ધ્યેય સાથે તડામાર તૈયારીઓ આરંભી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના વિશાળ ઈન્ફાસ્ટ્રકચર, સંશોધન, પેટેન્ટ, પબ્લીકેશન દ્વારા દેશભરમાં નામના ધરાવે છે ત્યારે હાલ યુનિવર્સિટીની હાલત થોડી કફોડી બની છે. નેક કમીટી સબબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભવ્ય - ઐતિહાસિક સિદ્ધિરૂપ વારસો દર્શાવવાને બદલે ભાતિક સુવિધાથી આંજી દેવાની નીતિ અપનાવી હોવાનું બહાર આવ્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નાણા સમિતિની બેઠક મળી હતી. જેમાં નેક પ્રદર્શનમાં કોઈ કચાસ ન રહે તે માટે નાણાની રેલમછેલ થાય તે રીતે દરેક ભવનમાં રૂ.૯૦ હજારની ફાળવણી કરવામાં આવી છે. જયારે કેમ્પ ઉપર બ્યુટીફીકેશનના નામે ૫૦ લાખ ૧૦ લાખ રૂપિયા ભવનોમાં એક સરખી વસ્તુ લેવા તેમજ વહીવટી વિભાગમાં ૫ લાખ રૂપિયા ફાળવ્યા છે. એક વાર નહિં બે વાર નેક સમલ મૂલ્યાંકન કરવા માટેની પ્રાથમિકતા ગુમાવનાર આઈકયુએસી હવે તેની કામગીરી અન્યને સોંપવા વિચારી રહી છે. આઈકયુએસસીનું હાલ પુરતુ કામ સીન્ડીકેટ સભ્યોને સોંપવામાં આવ્યુ છે. સીન્ડીકેટ સભ્યોની એક કોર કમીટી બનાવવામાં આવી છે. જેમાં એક સીન્ડીકેટ સભ્યને ૩ થી ૫ ભવનોમાં ફાઈલીંગ, પ્રદર્શન, બ્યુટીફીકેશનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

નેકના એક્રેડીટેશન માટે યુનિવર્સિટીમાં  હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બેઠકોનો દોર શરૂ થયો છે. તેમાં ફટાફટ નિર્ણય લઈ અને તેના અમલ માટે કડકાઈ રાખવામાં આવી રહી છે.

(3:42 pm IST)