Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

૧૪-૧૫-૧૬ જોધપુરમાં યોજાશે જાજરમાન લગ્નોત્સવ

સૌરાષ્ટ્રરત્ન મૌલેશભાઈ ઉકાણી તથા મોરબીના અરવિંદભાઈ પટેલને આંગણે લગ્નના ઢોલ ઢબુકયાઃ શરણાઈઓ વાગીઃ ત્રણ દિવસનો લગ્નનો જલ્શો : ''સેસા'' ઓઈલના સર્વેસવા મૌલેશભાઈ ઉકાણીના સુપુત્ર ચિ.જય તથા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલની સુપુત્રી ચિ.હિમાંશી પ્રભુતામાં પગલા માંડશે : ઉમેદ ભવન પેલેસ હોટલ અને અજીત ભવન પેલેસ હોટલ આખે આખી બુક કરી લીધી : ૩ ચાર્ટર વિમાનો દ્વારા જાન જોધપુર પહોંચશેઃ ઐશ્વર્યા મજમુદાર અને સચિન - જીગર સહિતના કલાકારો પર્ફોર્મન્સ રજૂ કરી સમારોહને ચાર ચાંદ લગાડશે : એક થાળીની કિંમત અધધધ ૧૮ હજાર રૂપિયા

રાજકોટ,તા.૨: રાજકોટ સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ શ્રી મૌલેશભાઈ પટેલ અને શ્રીમતી સોનલબેન પટેલના સુપુત્ર ચિ.જયના જાજરમાન શુભલગ્ન મોરબીની વિખ્યાત એવી આજવીટો ટાઈલ્સવાળા શ્રી અરવિંદભાઈ પટેલ અને શ્રીમતી શીતલબેન પટેલની પુત્રી ચિ.હેમાંશી સાથે આગામી તા.૧૪-૧૫-૧૬ નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હોટલ ઉમેદ ભવન પેલેસ હાલ તાજ હોટેલ દ્વારા સંચાલિત છે અને તેની નામના દેશની સૌથી મોંઘામાં મોંઘી હોટલોમાં થાય છે. મૌલેશભાઈ પટેલના સુપુત્રના શુભલગ્નના ત્રણ દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમ કે, ૧૪મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે. તેમજ રાત્રીના સમયે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપનાર છે. જયારે ૧૫મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રીના બોલીવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યુ છે.  જેમાં સચિન જીગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. જયારે ૧૬મીએ જાજરમાન લગ્ન યોજાશે.

જોધપુર ખાતે યોજાનાર આ મહાલગ્ન સમારોહ પ્રસંગે ઉમેદ ભવન ખાતેના તમામ ૭૦ જેટલા રૂમ બુક કરી દેવાયા છે. તેમજ અહિંની એક રજવાડી ગણાતી અજીત ભવન પેલેસ ખાતેના પણ તમામ ૬૭ જેટલા રૂમ બુક કરી દેવામાં આવ્યા છે.

આ રજવાડી જેવા લગ્ન સમારંભ માટે રાજકોટથી ૩ ચાર્ટર ફલાઈટ ડાયરેકટ જોધપુર જશે. આ લગ્નમાં વર પક્ષ અને કન્યા પક્ષ સહિત કુલ ૩૦૦ જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે.

ઉમેદ ભવન પેલેસ ખાતે મહેમાનો માટે ખાસ પ્રકારના ભોજનીયા પીરસવામાં આવશે. તેની એક થાળીની કિંમત અધધ.... ૧૮ હજાર રૂ. જેટલી થાય છે.

જોધપુર ખાતે યોજાનાર આ લગ્ન માટે તારીખ ૧૩ નવેમ્બરથી જ આખી હોટલનાં તમામ ૭૦ રૂમ બૂક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંની એવી જ રજવાડી ગણાતી અજીતભવન પેલેસનાં તમામ ૬૭ રૂમ પણ ચાર દિવસ માટે બૂક કરી દેવામાં આવ્યા છે.

લકઝરીથી લથબથ એવાં આ લગ્ન ઠેઠ રાજસ્થાનનાં જોધપુર ખાતે થઈ રહ્યું છે. તેથી આ લગ્ન માટે રાજકોટથી સીધી જોધપુર માટે ત્રણ ચાર્ટર ફ્લાઈટ જશે- લગ્નમાં કધયા-વર પક્ષનાં ૧૫૦-૧૫૦ લોકો મળીને કુલ ૩૦૦ લોકોને આમંત્રણ અપાયું છે. કારણ કે, રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે.

શાહી લગ્ન જે ઉદ્યોગપતિનાં પુત્રનાં થવાનાં છે- તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં નામના ધરાવે છે અને તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પોઝિટિવ ઊર્જાથી ભરપૂર અને સદા સ્મીત વેરતા આ ઉદ્યોગપતિ ભામાશા તરીકે પણ મશહૂર છે.

ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એ સ્વયં એક અનુભવ છે અને ત્યાંનું ફૂડ મોંઘુદાટ છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે તેનો ચાર્જ ૧૮ હજાર રૂપિયા છે. એમાં થાળી-વાટકા-ચમચીનો સમાવેશ થતો નથી- એ બધું ત્યાં જ પાછું આપી દેવાનું છે!        

જોધપુરની ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી માંહેની એક હોટેલ ગણવામાં આવે છે. અહીં ૫૦ હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીનાં રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંનાં હનીમૂન સ્યૂટનું ભાડું સાડા સાત લાખ પ્રતિ નાઈટ છે! ઉમેદભવન પેલેસ રાજસ્થાનનાં જોધપુર શહેરમાં આવેલ વિશ્વનું એક સૌથી મોટા નીજી નિવાસોમાંનું એક છે. આ મહેલનો અમુક ભાગ તાજ હોટેલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદસિંહ પરથી રખાયું છે. આ પેલેસમાં ૩૪૭ ઓરડાં છે અને તે જોધપુરના રાજ પરિવારનું શાહી નિવાસ છે. ઉમેદભવન પેલેસનું વૈભવી સંકુલ ૨૬ એકરની જમીનમાં પથરાયેલું છે જેમાં ૩.૫ એકર પર મહેલ બંધાયેલો છે અને ૧૫ એકર પર બગીચા છે. આ પેલેસ પૂર્વી અને પશ્ચિમી સંસ્કૃતિનું સંગમ છે. ઉમેદભવન પેલેસને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો કેમકે ચિત્તર નામની ટેકરી પર આવેલો હતો, જે જોધપુરનું સૌથી ઊંચું સ્થળ છે. આ પેલેસ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે – આરામદાયક વૈભવી હોટેલ (૧૯૭૨થી) – તાજ, રાજ પરિવારનું નિવાસસ્થાન અને પ્રજા માટે ખુલ્લું એક નાનું સંગ્રહાલય જેમાં ચિત્રો, હથિયારો, તલવારો, અને જોધપુરની ધરોહર સમાન અન્ય વસ્તુઓ પ્રદર્શિત છે.

વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી મૌલેશભાઈ પટેલના સુપુત્ર ચિ.જયના શુભલગ્ન પ્રસંગે ત્રણ દિવસીય વિવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં ઐશ્વર્યા મજમુદાર તેમજ સચિન- જીગર જમાવટ કરશે. લગ્ન પ્રસંગ રાજસ્થાનના વિખ્યાત કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાનાર છે.

જોધપુર ખાતે યોજાએલ રજવાડી લગ્ન સમારોહ માટે આખેઆખી હોટલ બૂક કરી દેવામાં આવી છે. ઉપરાંત રજવાડી ગણાતી અજીત ભવન પેલેસના પણ તમામ રૂમો બૂક કરવામાં આવ્યા છે.

શ્રી મૌલેશભાઈ પટેલ પરિવાર અને શ્રી અરવિંદભાઈ પટેલ પરિવાર ઉપર અભિનંદનવર્ષાનો ધોધ વહી રહ્યો છે.

(11:39 am IST)