Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

તસ્કરોની ઉજવણીઃ મોબાઇલના શો રૂમમાંથી લાખોની ચોરી

ગોંડલ રોડ પર ફોનવાલે નામના શો રૂમની પાછળના ભાગે પતરૂ ઉચકાવી પીઓપીની છત તોડી ચોર અંદર ઘુસ્યાઃ સીસીટીવીનું ડીવીઆર પણ લેતાં ગયા : અમદાવાદના મનિષભાઇ પટેલની માલિકીઃ શો રૂમની દેખરેખ મેનેજર યશ થડેશ્વર રાખે છેઃ તસ્કરો પાંચ લાખની રોકડ અને ૬૦થી વધુ કિંમતી મોબાઇલ ફોન ચોરી ગયાઃ માલવીયાનગર પોલીસ-ડીસીબીની ટીમોએ તપાસ આદરી : તિજોરીની ચાવી કાઉન્ટરના ખાનામાં જ હતીઃ તાળુ ખોલી રોકડ સરળતાથી ચોરી લીધી

છપ્પર ફાડ કેઃ જ્યાં તસ્કરોએ હાથફેરો કર્યો તે ફોનવાલે નામનો મોબાઇલ ફોનનો શો રૂમ, અંદર ખાલી થઇ ગયેલા ડિસ્પ્લે શોકેશ તથા મોબાઇલ કાઢી ખાલી બોકસ સંડાસમાં મુકી દેતાં તે દ્રશ્ય, વિગતો મેળવી રહેલા એસીપી ગેડમ તથા પીઆઇ ભુકણ, જેમાંથી રોકડ ગઇ તે તિજોરી તથા જ્યાં બાકોરૂ પાડી અંદર ઘુસ્યા તે પીઓપીની તૂટેલી છત અને શો રૂમના કર્મચારીઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩: દિવાળી તહેવારની ઉજવણી શરૂ થઇ ચુકી છે. શહેરીજનો શાંતિ સલામતિથી આ તહેવારો ઉજવી શકે તે માટે પોલીસ સતત સતર્ક બની કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અનેક પગલા લઇ રહી છે. જો કે આ વચ્ચે તસ્કરોએ પણ તહેવારની ઉજવણી પોતાની સ્ટાઇલથી શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે ગોંડલ રોડ પર એસટી વર્કશોપ નજીક આવેલા મોબાઇલ ફોનના શો રૂમમાં ત્રાટકી રૂ. પાંચ લાખ રોકડા તથા લાખોની કિંમતના સાંઇઠથી વધુ મોબાઇલ ફોન ચોરી જવાયા છે. ચાલાક ચોરટાઓ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ભેગું લેતાં ગયા છે.

જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પર એસટી વર્કશોપ નજીક આવેલા 'ફોન વાલે' નામના મોબાઇલ ફોનના શો રૂમમાં સવારે નિત્ય ક્રમ મુજબ મેનેજર યશ થડેશ્વર તથા બીજા પાંચ કર્મચારીઓ શો રૂમ ખોલવા આવ્યા હતાં. આગળના લોક અકબંધ હતાં. જે ખોલીને કર્મચારીઓ તથા મેનેજર અંદર પ્રવેશ્યા ત્યાં જ ચોંકી ગયા હતાં. કેમ કે અંદર બધુ વેરવિખેર પડ્યું હતું અને જે હાલત હતી એ જોતાં ચોરી થયાનો અંદાજ આવી ગયો હતો.

તાળા અકબંધ હતાં છતાં ચોર અંદર કયાંથી આવ્યા? તેની તપાસ કરતાં શો રૂમના પાછળના ભાગે આવેલા શેડના પતરામાંથી શો રૂમની પીઓપીની છત તોડી અંદર ઘુસી હાથફેરો કરી ગયાનું જણાતાં મેનેજરએ અમદાવાદ રહેતાં શો રૂમના માલિક મનિષભાઇ પટેલને જાણ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. ચોરીના બનાવની જાણ થતાં જ માલવીયાનગરના પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, અરૂણભાઇ બાંભણીયા, મયુરભાઇ મિયાત્રા, મશરીભાઇ ભેટારીયા, દિગપાલસિંહ સહિતની ટીમ પહોંચી હતી.

તેમજ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ તથા ડીસીબીના  એસીપી ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, યુ. બી. જોગરાણા, એમ. વી. રબારી, નગીનભાઇ ડાંગર સહિતનો કાફલો પણ પહોંચ્યો હતો અને ડોગ સ્કવોડ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. તસ્કરો શો રૂમમાંથી છેલ્લા કેટલાક દિવસનો વકરો રૂ. પાંચ લાખ રોકડા તથા અલગ અલગ શોકેસમાંથી ૬૦ જેટલા કિંમતી મોબાઇલ ફોન ચોરી ગયાનું જણાતાં માલવીયાનગર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા છે. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ અલગ અલગ ટીમોને એસટી બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન આસપાસ સહિતના સ્થળોએ શંકાસ્પદ લોકોની તપાસ કરવા સુચના આપી હતી. તસ્કરોએ રોકડ શો રૂમની અંદરની તિજોરીનું તાળુ ખોલીને ચોરી લીધી હતી. તિજોરીની ચાવી ટેબલના ખાનામાં જ રાખી હોઇ તસ્કરોને આ રકમ ચોરવામાં બહુ વધુ મહેનત કરવી પડી નહોતી. આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા ટીમો કામે લાગી છે.

રાતે દોઢ પછી ચોરી થઇ

. શો રૂમના કર્મચારીઓએ કહ્યું હતું કે દિવાળીના તહેવારને કારણે ઘરાકી હોઇ રાતે મોડે સુધી શો રૂમ ખુલ્લો હતો. એ પછી દોઢેક વાગ્યે બધા શો રૂમ બંધ કરીને ઘરે ગયા હતાં. સવારે ફરી શો રૂમ ખાતે આવ્યા ત્યારે ચોરીની ખબર પડી હતી.

(2:49 pm IST)