Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

એડવોકેટ-નોટરી જે.બી. ઠુંમર પાસેથી સવા બે કરોડ લઈને પરત નહિ આપી ધમકી આપનાર આરોપીઓની જામીન અરજી રદ્

પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે જામીન રદ્દ કરી જેલ હવાલે કર્યા

રાજકોટ, તા. ૩ :. એડવોકેટ નોટરી જે.બી. ઠુમ્મરને સવા બે કરોડનો ધુંબો મારવા અંગે પૂર્વ ડે. મેયર સહિતના સામે ફરીયાદ થતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા આરોપીની જમીન અરજી નામંજુર કરી જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના પૂર્વ ડે. મેયર અશ્વિન મોલીયા સહિતના અગીયાર આરોપી સામે રાજકોટના એડવોકેટ નોટરી જે.બી. ઠુમ્મરે ઉછીના આપેલ સવા બે કરોડ રૂપિયા પરત નહી આપતા ઉપરથી ધાક-ધમકી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને ઝઘડો અને ઝપાઝપી કરતા હતાશ બનેલા એડવોકેટ ઠુમ્મરે ફીનાઈલ દવા પી આત્મહત્યાની કોશિષ કરતા પોલીસે ડે. મેયર સહિતના સામે બી. ડિવી.માં ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કરતા આરોપી ફરાર થઈ ગયેલ હતા.

આ આરોપી પૈકીના ચીરાગ બાબુભાઈ પરસાણા, જગદીશભાઈ લીંબાસીયા, ભરત માધાભાઈ રાદડીયાને પોલીસે ધરપકડ કરી લીધેલ હતી અને રાજકોટના અધિક ચીફ જ્યુડી. મેજી. જજ પી.કે. રાયની કોર્ટમાં રજુ કરતા આરોપી સામે કોઈ વકીલોએ રોકાવું નહી તેવો ઠરાવ હોય, આરોપીઓ બહારગામથી વકીલ લાવી જામીન અરજી કરેલ હતી.

આ કામમાં રાજકોટના એડવોકેટ જે.બી. ઠુમ્મર વતી રાજકોટના અભય ભારદ્વાજ ઓફિસના અંશ ભારદ્વાજ તથા એડવોકેટો રોકાયેલ હતા અને આરોપીનો ગુનો જોતા અને આરોપી અને ફરીયાદી વચ્ચે કાયદેસરના વ્યવહારો હોય, પૈસા બેન્ક એકાઉન્ટમાં જમા થયા હોય, અગાઉ પોલીસમાં આ આરોપીએ પૈસા આપી દેવાની બાહેંધરી આપેલ તેનો ભંગ કરેલો હતો અને આ કૃત્યથી ફરીયાદીને આત્મહત્યા કરી અને દેવાથી મરી જવા માટે મજબૂર કર્યા પહેલા ગાળો અને ધાક-ધમકી મારી નાખવાની ધમકી ઝપાઝપી જેવા ગંભીર ગુનો કરેલ હોય, તમામ આરોપીની જામીન અરજીના મંજુર કરી જેલ હવાલે કરેલ હતા.

આ કામમાં ફરીયાદી તરફે એડવોકેટ તરીકે શ્રી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી, નીલ શુકલ, જીજ્ઞેશ લાખાણી રોકાયા હતા.

(2:52 pm IST)