Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પૂરવઠા તંત્ર સસ્તા અનાજના દુકાનદારોને સમયસર જથ્થો આપતુ નથી... ઉપરથી ખોટુ દબાણ કરાય છે

૯૫ ટકા જથ્થાનું વિતરણ કેમ કરવું ?: ડીએસઓને રાજકોટ ફેર પ્રાઈઝ એસો.નું આવેદન

રાજકોટના સસ્તા અનાજના દુકાનદારોએ ડીએસઓને આવેદન પાઠવી વિસ્તૃત રજૂઆતો કરી હતી

રાજકોટ, તા. ૩ :. રાજકોટ શહેર ફેર પ્રાઈઝ એસો.એ ડીએસઓને આવેદન પાઠવી ઓકટોબર માસમાં ગોડાઉનથી જથ્થો મોડો આવતા વિતરણ થઈ શકેલ નથી તે અંગે રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતુ કે, છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર તથા જીલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગયેલ છે. ગોડાઉનેથી દુકાનદારોને માલ સમયસર મોકલવામાં આવતો નથી, પરિણામ સ્વરૂપે દુકાનદારો તથા કાર્ડધારકો વચ્ચે ઘર્ષણ રહ્યા કરે છે જે દુકાનમાં માલ સમયસર ન મળતા કાર્ડધારકો માનસિક ત્રાસ આપી રહ્યા છે. માલ સમયસર ન મળવાના કારણે કાર્ડધારકો માલથી વંચીત રહી જાય તેની સંપૂર્ણ જવાબદારી સરકારની છે દુકાનદારો આ બાબતે જવાબદાર નથી.

આ બાબત ધ્યાનમાં લઈ લોકોની ફરીયાદ સાંભળી ખોટી તપાસના નામે અમારા કોઈપણ દુકાનદારને હેરાન કરવામાં ન આવે એ અમારી રજૂઆત છે.

વધુમાં ઉમેર્યુ હતુ કે, ચાલુ માસ ઓકટોબરમાં તારીખ ૩૧ સુધી છેલ્લા દિવસે બપોર પછી અમુક દુકાનમાં માલ પહોંચાડવામાં આવ્યો હતો. આવા સંજોગોમાં ૧૦૦ ટકા માલ વિતરણ શકય નથી. ઘણી દુકાનોમાં ૧૦૦ ટકા માલ વિતરણ રહી ગયેલ છે. ઉપરાંત તંત્ર દ્વારા ૯૫ ટકા માલ વિતરણનું દબાણ કરાય છે જે માલ મોડાના સંજોગોમાં કોઈ પ્રકારે શકય નથી. ઉપરાંત નવેમ્બર માસનું ચલણ જનરેટ કરી પૈસા ભરાવી માલ લઈ લેવાનું દબાણ કરવામાં આવે છે જે ગેરવ્યાજબી છે.

ડોર સ્ટેપ ડીલીવરી ફ્રી હોવા છતા દુકાનદારોને માલ પહોંચાડવાની મજુરી લેવામાં આવે છે. ન આપવાના સંજોગોમાં ખોટી રીતે કનડગત કરવામાં આવે છે જે યોગ્ય નથી. રજૂઆતો કરવામાં પ્રમુખ માવજીભાઈ રાખશીયા, સતુભા ઝાલા, અશોક જોઈતારામ, જી.બી. મકવાણા વિગેરે જોડાયા હતા.

(3:10 pm IST)