Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ભીમનગર સોસાયટી વિસ્તારમાં હાઇલેવલ બ્રિજ તથા પુનીતનગર રોડના કામો ઝડપથી પૂર્ણ કરવા અમિત અરોરાની તાકિદ

વોર્ડ નં. ૧૨માં મવડીમાં નવું ઇન્ડોર સ્ટેડિયમ, મોટા મવા બ્રિજ વાઇડનિંગ સહિતના સ્થળોની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર

રાજકોટઃ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં.૧૨ માં મવડીમાં નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવા, મોટા મવામાં કાલાવડ રોડ પરનાં બ્રિજનું વાઈડનિંગ વગેરે કામો સબબ સ્થળ મુલાકાત લીધી હતી.આ વિશે વધુ વાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૨માં મવડીમાં રામ ધણ પાસે નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવા માટેનો ડીપીઆર તૈયાર થઇ ગયો છે. આ ઇન્ડોર સ્ટેડિયમમાં સ્પોર્ટસ પર્સન્સને વિવિધ ફેસિલિટીઝ પ્રાપ્ત થાય તે બાબત પર ધ્યાન આપવામાં આવશે. જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, વોલીબોલ, બાસ્કેટ બોલ, શૂટિંગ રેન્જ, તીરંદાજી, કબડ્ડી, તેમજ કેરમ, ચેસ, સહિતની રમતો માટે સુવિધા ઉભી કરવાનું આયોજન વિચારવામાં આવી રહયું છે. કાલાવડ રોડ પર મોટા મવામાં સ્મશાન પાસેનાં બ્રિજનું વાઈડનિંગ કરવા માટેના કામ અનુસંધાને કમિશનર અને સંબંધિત અધિકારીશ્રીઓએ આ સ્થળની પણ મુલાકાત લીધી હતી. આ પ્રોજેકટનો ડીપીઆર પણ તૈયાર છે. મ્યુનિ. કમિશનરશ્રીએ ભીમનગર સોસાયટી પાસેના નાળા ખાતે હાઈલેવલ બ્રિજ બનાવવાના કામનાં તૈયાર કરાવેલા ડીપીઆર અનુસંધાને તેમજ પુનીતનગર રોડના રિડેવલપમેન્ટ માટેના કામ અનુસંધાને આ બંને સ્થળોની પણ મુલાકાત કરી હતી. કમિશનરશ્રીએ કહ્યું હતું કે, જે કામના ડીપીઆર તૈયાર છે તેની પ્રક્રિયા આગળ ધપાવવા અને અન્ય કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપેલ છે.

(3:12 pm IST)