Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પરીણિતાને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં પતિ-સાસુ-સસરાનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા. ૩ :. રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં ચંદુભાઈ ગોરધનભાઈ ચાવડા રહે. ગાંધીગ્રામ રાજકોટવાળાએ પોતાની પુત્રી બિનાબેનએ પતિ કૌશીક દેવેન્દ્રભાઈ ચૌહાણ, સસરા દેવેન્દ્ર છગનભાઈ ચૌહાણ અને સાસુ મધુબેન દેવેન્દ્રભાઈ ચૌહાણે ચારીત્ર્ય બાબતે શંકાઓ કરતા તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપી મેણાટોણા મારતા હોય આપઘાત કરી લીધેલ હોવા અંગેની ફરીયાદ રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસ અમલદારોએ આઈ.પી.સી. કલમ ૩૦૬, ૪૯૮(એ), ૧૧૪ મુજબની ફરીયાદ રજીસ્ટરે લીધેલ અને ત્રણેય આરોપીઓની અટક કરેલ ત્યાર બાદ ત્રણેય આરોપીઓ જામીન ઉપર છુટેલ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ મુકાઈ ગયા બાદ રાજકોટના એડી. સેસન્સ કોર્ટમાં સેસન્સ કેસથી પુરાવો લેવામાં આવેલ. જે અંગેનો કેસ રાજકોટના એડી. સેસન્સ કોર્ટમાં ચાલી જતા ત્રણેય આરોપીઓને સેસન્સ કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

બચાવ પક્ષ દ્વારા તેમના એડવોકેટ અમિત એસ. ભગત દ્વારા ઈલેકટ્રોનિક એવીડન્સ તેમજ ફરીયાદીની ઉલટ તપાસને ધ્યાને લઈ અને આરોપી કૌશીકભાઈની સોગંદ ઉપરની જુબાની તેમજ સગીર પુત્ર ધૈર્યની સોગંદ ઉપરની જુબાની અને મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં બીનાબેન વિરૂદ્ધ આપેલ અરજી ધ્યાને લેવા અને નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ જુદી જુદી વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલ અને સદરહુ કેસ તમામ રેકર્ડ અને પુરાવાઓ ધ્યાને લઈ ગુજ. બીનાબેનને આપઘાત કરવો પડે તેવા કોઈ સંજોગો આરોપીઓએ ઉત્પન્ન કરેલ ન હોય અને આરોપીઓ દ્વારા ગુજ. બીનાબેનને કોઈ શારીરીક-માનસિક ત્રાસ આપવામાં આવેલ ન હોય તે હકીકતો ધ્યાને લઈ ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા લંબાણપૂર્વક રજુઆત કરવામાં આવેલ અને લેખીત દલીલ રજુ કરવામાં આવેલ.

બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ લેખીત દલીલ અને વડી અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ ત્રણેય આરોપીઓને એડી. સેસન્સ કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે. બચાવ પક્ષ દ્વારા આ કામમાં રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અમિત એસ. ભગત, એન.ડી. જેઠવા, આનંદ સદાવ્રતિ, ધર્મેન્દ્ર બરવાડીયા, હિરેન્દ્રસિંહ આર. ચૌહાણ રોકાયેલા હતા.

(3:14 pm IST)