Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

શાપર-મેટોડા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસ સાયકલીંગ પેટ્રોલીંગ કરશેઃ એસપી બલરામ મીણાનો નવતર પ્રયોગ

સાયકલીંગ પેટ્રોલીંગથી દારૂ-જુગાર તથા ચોરીના બનાવો અટકશેઃ પોલીસ સ્ટાફનું હેલ્થ પણ સારૂ રહેશેઃ એસપી મીણા : શાપર અને મેટોડામાં ૧૫ - ૧૫ સાયકલ દ્વારા પેટ્રોલીંગઃ પેટ્રોલીંગ રૂટનું મોનીટરિંગ જીપીએસસી મેપ દ્વારા કરવામાં આવશેઃ બપોર બાદ મેટોડા જીઆઈડીસીમાં સાયકલ પ્રહરીના અનાવરણનો કાર્યક્રમ

રાજકોટ, તા. ૩ :. દારૂ-જુગાર તથા ચોરીના બનાવો અટકાવવા માટે રૂરલ એસપી બલરામ મીણાએ નવતર પ્રયોગ હાથ ધરી મેટોડા અને શાપર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસ સાયકલ પેટ્રોલીંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આજે બપોર બાદ મેટોડા જીઆઈડીસી ગેઈટ નં. ૩ ખાતે આ નવતર પ્રયોગ 'સાયકલ પ્રહરી' અનાવરણ કાર્યક્રમ યોજાનાર છે.

રૂરલ એસપી બલરામ મીણાએ જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લા પોલીસ મથકના શાપર-વેરાવળ અને મેટોડા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દારૂ, જુગાર અને ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ સાયકલીંગ પેટ્રોલીંગ શરૂ કરવામાં આવશે. પોલીસ સાયકલીંગ પેટ્રોલીંગથી પોલીસની હેલ્થ પણ સારી રહેશે અને ગુન્હાખોરી પણ કાબુમાં આવશે. કારમાં પેટ્રોલીંગ કરવાથી ઘણીવાર રોડની બન્ને સાઈડનું વિઝન સ્પષ્ટ દેખાતુ નથી, પરંતુ સાયકલીંગ પેટ્રોલીંગમાં આ વિઝન સ્પષ્ટ જોઈ શકાય છે.

મેટોડા અને શાપર પોલીસ મથક વિસ્તારમાં ૧૫ - ૧૫ સાયકલ દ્વારા પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવશે તેમજ આ પેટ્રોલીંગ સ્તર્વ મોબાઈલ એપની મદદથી સાયકલ પ્રહરી ગ્રુપના રૂટનું પેટ્રોલીંગનું મોનીટરીંગ જીપીએસ મેપ દ્વારા કરવામાં આવશે.

આજે બપોર બાદ મેટોડા જીઆઈડીસી ગેઈટ નં. ૩ ખાતે આ નવતર પ્રયોગ સાયકલ પ્રહરીના અનાવરણનો કાર્યક્રમ યોજાનાર છે.

(3:30 pm IST)