Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા પધાર્યાનો આનંદ ઉત્સવ એટલે દિવાળી

દિવાળીના આરંભ અંગે આપણે સૌ જાણીએ છીએ. દિવાળીના દિવસે રામચંદ્રજી રાવણને હરાવીને લંકાથી અયોધ્યા આવ્યા હતા. તેના આનંદમાં અયોધ્યાના નગરવાસીઓએ આખા નગરમાં દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી દિવાળી ઉજવવામાં આવે છે. વળી દિવાળીના દિવસે જ પાંડવો પણ વનમાંથી પાછા ફર્યા હતા અને આજ દિવસે લક્ષ્મીજી સમુદ્રમાંથી બહાર નિકળ્યા હતા.

આ ઉત્સવને બીજી રીતે મૂલવીએ તો દિવાળી એ એક દિવસનો જ ઉત્સવ નથી, પણ ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજ એમ સામુહિક પાંચ દિવસનો ઉત્સવ છે. દિવાળી રંગ અને પ્રકાશનો ઉત્સવ છે. દુનિયાના દરેક દશે અને દરેક જાતિના લોકો પાસે પોતાના તહેવારો  છે. હિંદુઓ માટે દિવાળી છે. મુસ્લિમો માટે ઇદ છે. ક્રિશ્નો માટે ક્રિસમસ છે. પારસીઓ માટે પતેતી છે.

તહેવારોની એક પોતાની સાયકોલોજી છે. દિવાળીના દિવસે પણ સુરજ તો રોજની જેમ જ ઉગે છે. ઘડિયાળના કાંટા પણ એ જ ગતિએ દોડે છે. પરંતુ માણસની માનસિકતા જરા જુદી હોય છે. દિવાળીનો દિવસ કેંક વિશેષ હોય છે. વાતાવરણ તહેવારોમાં રંગ પૂરે છે. ફટાકડા સંગીત પુરે છે. અને શ્રધ્ધા માણસને પુલકિત કરી  દે છે.

દિવાળી આવે તે પહેલા કેટલાય દિવસ અગાઉ એક માહોલ તૈયાર થાય છે. તેમાં સૌથી મહત્વની વાત હોય તો તે છે, સફાઇની દિવાળી સમયે લોકો ધૂળ-ઝાળા સાફ કરે છે. ઘરોમાં રંગ રોગાન કરે છે. નવા કપડા પહેરેલ છે. તેમાં કૈંક નવું ઉમરે છે. લોકો ઘર સાફ કરે છે, પણ પોતાના મનને કેટલા લોકો સાફ કરે છે ? આપણી અંદર પણ કેટલા ઝાળા બાઝી ગયા છે. અસ્તિત્વના ચારેખુણામાં પૂર્વગ્રહોના ઝાળા લાગી ગયા છે. જીવનની દિવાલો જર્જરીત થઇ ગઇ છે. તેને આપણે કેટલી સાફ કરીએ છીએ ? તહેવારોની મઝા ત્યારે જ છે જયારે અંદરથી કૈંક સાફ થાય. આપણી અંદર એટલું બધું ભરાયેલું છે કે આપણે સતત ભાર અનુભવીએ છીએ. આ ભાર દૂર થાય તો હળવાશ લાગે. પછી આ હળવાશ પણ તહેવારો જેવી જ લાગશે.

-હિંમતભાઇ લાબડીયા,

એડવોકેટ 

(3:36 pm IST)