Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જીવદયા અને સેવા કાર્યોના ઉદ્ેશ્ય સાથે સંવેદના ચેરી.ટ્રસ્ટનો પ્રારંભ

રાજય વ્યાપી કાર્યક્ષેત્રઃ સહયોગીઓને જોડાવા આહવાન

રાજકોટ,તા.૩: સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. સંસ્થાના લોકાર્પણ પૂર્વે સંસ્થાના પ્રમુખ સેન્જલભાઈ મહેતા તેમજ ઉપપ્રમુખ કાર્તિકભાઈ બાવિશીએ સંસ્થાના વિવિધ ઉદ્દેશો અને હેતુઓ વર્ણવતા જણાવેલ કે આપણા ગુજરાતને સંતોની જન્મભૂમિ તેમજ તપોભૂમિ કહેવામાં આવે છે. જયાં જીવદયાનું કાર્ય અવિરત થઈ રહ્યા છે. ત્યારે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવનાર સમયમાં જીવદયાના આ કાર્યમાં એક નવા અધ્યાયનો ઉમેરો થવા જઈ રહ્યો છે.

રાજકોટમાં શરૂ કરાયેલ આ સંસ્થાના માધ્યમથી પશુ-પક્ષી પ્રાણી અન્ય જીવજંતુઓ માટે રક્ષા, બચાવ અને માવજત પૂર્વક ઉછેર કરાશે.  જીવદયાને લગતા તમામ કાર્ય કરશે. અબોલ જીવો પશુ-પક્ષી અને બીમાર પશુ-પક્ષી તથા રઝળતા બિનવારસી અબોલ જીવોની સેવાચાકરી સારવાર તથા તેમની માંદગીમાં તેની દવા અને સારસંભાળ કરશે તેમજ તેમને આશ્રય આપવા તેને અનુરૂપ તથા અનૂસાંગિક પ્રવૃત્તિઓ હાથ ધરશે. ગૌશાળા તેમજ પાંજરાપોળમાં લુલા લંગડા તેમજ બીમારીથી પીડાતા ગૌવંશ  તેમજ અન્ય પ્રાણીઓની સારવાર તેમજ સેવા કરશે.

ગુજરાતના તમામ શહેરો તેમજ તાલુકાઓમાં રહેતા બિનવારસી અબોલ જીવોને ભોજન વ્યવસ્થા પૂરી પાડવા માટે આ સંસ્થા સતત પ્રયત્ન કરશે. શરૂઆતી ધોરણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં આ સંસ્થા કાર્ય શરૂ કરશે. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં કાર્ય કરશે. સંસ્થા વિવિધ જિલ્લાઓમાંથી અબોલ જીવોના આરોગ્યને લગતી માહિતી એકત્રિત કરી લોકોને માહિતગાર કરવાનો પ્રયત્ન કરશે. સરકાર શ્રી દ્વારા અબોલ જીવો માટે મળતી સહાય અને યોજનાઓ વિશે માહિતી આ સંસ્થા સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. લોકોને અબોલ જીવો પ્રત્યે અનુકંપા જાગે અને વધુ ને વધુ લોકો જીવ દયા ના કાર્યમાં જોડાય આ માટે સંસ્થા બધા પ્રયત્નો કરશે ગાય તેમજ પશુ આધારિત સજીવ ખેતી વિશે આ સંસ્થા સમાજમાં જાગૃતિ ફેલાવશે. જીવદયા ક્ષેત્રે કાર્ય કરતા લોકો તેમજ સંસ્થાઓની મુલાકાત લઈ તેઓને મદદરૂપ થવાની સંપૂર્ણ કોશિશ આ સંસ્થા ના કાર્યકરો કરશે.

સંસ્થામાં જોડાવવા માટે મો.૮૦૦૦૦ ૩૦૦૮૦ તેમજ મો.૯૯૭૯૯ ૦૯૭૭૭ પર સંપર્ક કરવા જણાવાયું છે.

આ સંસ્થાના પ્રમુખ સેન્જલભાઈ મહેતા કે જેઓ અબોલ જીવોની વેદનાઓને વાચા આપતું તેમજ માહિતગાર કરતું માસિક અખબાર ''સંવેદના અબોલ જીવોની''ના તંત્રી છે તેમજ વલસાડ જિલ્લાના યુવા પત્રકાર કાર્તિકભાઈ બાવીસી ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવશે. અલગ-અલગ જિલ્લાઓના જીવદયા પ્રેમીઓની આગેવાનીમાં આ ટીમ વિવિધ જિલ્લાઓમાં જીવદયા ના કોઈ પણ કાર્યમાં મદદ માટે હંમેશા તૈયાર રહેશે.

(2:44 pm IST)