Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

નળમાં ભૂગર્ભ ગટરના પાણી ભળી જવા અંગે તંત્રની બેદરકારી સામે મેયર લાલઘુમઃ તમામ વોર્ડમાં ચેકીંગ કરવા સૂચના

દરેક વોર્ડમાં વાલ્વ ચેમ્બરો, ડ્રેનેજ કુંડીઓ, નળ કનેકશનો ચેક કરી અને મ.ન.પા. દ્વારા વિતરણ થતા પાણીના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં તપાસ કરાવોઃ અમિત અરોરાને પત્ર પાઠવતા પ્રદિપ ડવ

રાજકોટ, તા. ૩ :. વોર્ડ નં. ૧૨માં મ.ન.પા.ના નળ કનેકશન તેમજ બોરમાં ભૂગર્ભ ગટરનું દુષીત પાણી ભળી જતા ૪૦થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ મળ્યા બાદ શહેરના અન્ય વોર્ડમાં આવી ફરીયાદો ઉઠતા તંત્રની આ બેદરકારીની મેયર પ્રદિપ ડવે ગંભીર નોંધ લઈ અને દુષિત પાણીની ફરીયાદો નિવારવા દરેક વોર્ડમાં ચેકીંગ કરાવવા અંગે મ્યુ. કમિશ્નરશ્રીને પત્ર પાઠવ્યો છે.

આ પત્રમાં મેયરશ્રીએ સ્પષ્ટ જણાવ્યુ છે કે તેઓના વોર્ડ નં. ૧૨ ઉપરાંત અન્ય વોર્ડમાં પાણીમાં ડ્રેનેજ, કેમિકલ કે પોતાના મકાનના બોરમાં ભળવાના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના બનાવો આવી રહ્યા છે. આવા બનાવોના કારણે રાજકોટ મહાનગરપાલિકાને લોકોને રોષનું ભોગ બનવું પડે છે ત્યારે શહેરના નગરજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વોેટર વર્કસ વિભાગ હેઠળની તમામ વાલ્વ ચેમ્બરોની સફાઈ કરાવવા ઉપરાંત ડ્રેનેજ કે કેમિકલનું પાણી ભળતુ હોય તેની ઝુંબેશના સ્વરૂપમાં તપાસ કરવા અને તમામ વોર્ડમાંથી પીવાના પાણીના નમૂના મેળવી તેની ચકાસણી કરવા સંબંધક અધિકારીને સૂચના આપી ઘટતુ કરાવવા સૂચન છે.(૨-૨૯)

મવડી ચોકડીએ મ.ન.પા.ની બેદરકારીને કારણે નવી નકકોર કાર પાણીની કુંડીમાં ખાબકી

રાજકોટ તા. ૩ : મવડી ચોકડીએ ૧પ૦ રીંગ રોડ પર મ.ન.પા.ના વોટર વર્કસ વિભાગની કુંડીનું ઢાંકણું ખુલ્લુ હોઇ અહીથી પસાર થયેલ નવી નકકોર કાર કુંડીમાં ખાબકીને ફંગોળાઇ હતી જોકે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી જેમાં મ.ન.પા. તંત્રની બેદરકારી સ્પષ્ટ પણે દેખાઇ રહી હતી.

(4:28 pm IST)