Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

રૈયાધારથી ત્રણ યુવાનનું અપહરણ કરી મનહરપુરની ખાણમાં લઇ જઇ બેફામ ધોકાવી ખંડણી માંગીઃ પોલીસે મુક્‍ત કરાવ્‍યા!

ગાંધીગ્રામના ચંદ્રેશ બાવાજીની રિક્ષામાં રાતે ઘંટેશ્વરના બકુલ અને રાહુલ દેવીપૂજક માધાપર ચોકડીથી બેસી રૈયાધાર આવ્‍યા ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ તમે ચોરી કરી છે કહી ઝઘડો કર્યો અને પોતાની રિક્ષામાં નાંખી ઉઠાવી જઇ આખી રાત ફટકાર્યા : અજાણ્‍યા ચાર જણાએ બકુલ, રાહુલ અને ચંદ્રેશને પોતપોતાની ઘરે ફોન કરી ૨૦-૨૦ હજાર મંગાવવા કહેતાં બકુલની પત્‍નિએ અડોશી પડોશી પાસેથી પૈસા માંગવાનું શરૂ કરતાં પડોશીએ આખી વાત જાણી પોલીસને ફોન કર્યોઃ પોલીસે ૨૦ હજાર દીધા અને છટકુ ગોઠવી ચાર શખ્‍સને દબોચી લીધાઃ મુક્‍ત થયેલા ત્રણેય સારવાર માટે દાખલ : રાત્રે સાડાબાર વાગ્‍યે બકુલ અને રાહુલ ચંદ્રેશની રિક્ષા બાંધી રૈયાધારે કયુ કામ શોધવા આવ્‍યા? એ પણ તપાસનો મુદ્દો : અપહરણકારો દર કલાકે ખંડણીની રકમ વધારતા હતાં: ૨૦ હજારથી શરૂ કરી છેલ્લે ૧ લાખ સુધી રકમ પહોંચાડી દીધી'તી! : બકુલ તક જોઇ ભાગી નીકળ્‍યો અને ચંદ્રેશની પત્‍નિ પાસે જઇ વાત કરીઃ ચંદ્રેશની પત્‍નિ સરોજ જગ્‍યા જોવા સાથે આવી ત્‍યાં અપહરણકારો સામે આવ્‍યા અને ફરીથી બકુલને દબોચી ધોકાવ્‍યો : વિગતો જણાવતાં ચંદ્રેશના પત્‍નિ સરોજબેન અને બકુલના પત્‍નિ મનિષાબેન

જેને ઉઠાવી જઇ બેફામ ધોકાવાળી કરી રૂપિયા માંગવામાં આવ્‍યા હતાં તે ચંદ્રેશ, બકુલ અને રાહુલ સારવાર હેઠળ છે

રાજકોટ તા. ૨: શહેરના રૈયાધાર પાણીના ટાંકા પાસેથી રાત્રીના ઘંટેશ્વર ૨૫ વારીયાના બે દેવીપૂજક યુવાન અને તે જેની રિક્ષામાં આવ્‍યા હતાં તે રામાપીર ચોકડી શાષાીનગરના બાવાજી યુવાનને ચાર અજાણ્‍યા શખ્‍સોએ ‘તમે અમારી રિક્ષામાંથી ચોરી કરી ગયા છો' તેવો આરોપ મુકી ત્રણેયનું પોતાની રિક્ષામાં અપહરણ કરી માધાપરથી આગળ મનહરપુરની ખાણમાં લઇ જઇ ત્રણેયને ધોકાવાળી કરી હતી અને હવે છુટવુ હોય તો પોતપોતાના ઘરે ફોન કરી ૨૦-૨૦ હજાર રૂપિયા મંગાવો તેમ કહેતાં ત્રણેયએ પોતાના ઘરે ફોન કર્યા હતાં. દરમિયાન પોલીસને જાણ થતાં છટકુ ગોઠવી અપહરણકારોને દબોચી લીધા હતાં અને ત્રણેય અપહૃતને મુક્‍ત કરાવ્‍યા હતાં. આ ત્રણેયને બેફામ માર મારવામાં આવ્‍યો હોઇ સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતાં.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાષાીનગરમાં રહેતો રિક્ષાચાલક ચંદ્રેશ નારણગીરી ગોસ્‍વામી (ઉ.વ.૪૦) નામનો રિક્ષાચાલક તથા ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં અને કડીયા કામની તથા છુટક મજૂરી કરતાં બકુલ કેશાભાઇ સોલંકી (ઉ.વ.૧૯) અને રાહુલ તુલસીભાઇ દેતાણી (ઉ.વ.૧૮) નામના બે દેવીપૂજક યુવાન બપોરે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં અને પોતાને રાતે સાડા બારેક વાગ્‍યે રૈયાધાર પાણીના ટાંકા પાસેથી ચાર શખ્‍સોએ ઉઠાવી જઇ મનહરપુરની ખાણમાં લઇ જઇ બેફામ મારકુટ કર્યાનો અને પૈસા માંગ્‍યાનો આરોપ મુકતાં બાદમાં પોલીસે છટકુ ગોઠવી પોતાને છોડાવ્‍યા હોવાનું કહેતાં તબિબે પોલીસ ચોકીમાં જાણ કરતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

હોસ્‍પિટલના બિછાનેથી ચંદ્રેશ ગોસ્‍વામીએ જણાવ્‍યું હતું કે હું માધાપર ચોકડીએ રિક્ષા રાખી ફેરા કરી ગુજરાન ચલાવુ છું અને બકુલ તથા રાહુલ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં હોઇ અને અવાર-નવાર મારી રિક્ષામાં આવતાં હોઇ જેથી હું ઓળખુ છું. રાતે સાડા બારેક વાગ્‍યે આ બંને માધાપર ચોકડીએ મળ્‍યા હતાં અને રૈયાધારે કામ જોવા જવુ છે તેમ કહેતાં બંનેને રિક્ષામાં બેસાડી રૈયાધાર પાણીના ટાંકા પાસે હું તેને લઇને આવ્‍યો હતો.

અહિ પહોંચતા જ ચારેક અજાણ્‍યા શખ્‍સો આવ્‍યા હતાં અને ‘તમે અમારી રિક્ષામાંથી ચોરી કરી ગયા છો' તેમ કહી ગાળો દેતાં અમે કોઇ ચોરી નથી કરી તેવું અમે ત્રણેયએ જણાવતાં એ શખ્‍સો ઉશ્‍કેરાઇ ગયા હતાં અને અમને અમારી રિક્ષામાંથી કાઢી તેની રિક્ષામાં નાંખી મનહરપુરની ખાણમાં લઇ ગયા હતાં. ત્‍યાં લઇ ગયા બાદ ધોકાથી મારકુટ કરી હતી અને તમે ચોરી કરી જ છે હવે છુટવું હોય તો પૈસા દેવા પડશે તેમ કહેતાં અમે તેને અમારી પાસે કોઇ પૈસા નથી તેમ કહી આજીજી કરી હતી. પણ તેણે અમને અમારા ઘરના લોકોને ફોન કરી ૨૦-૨૦ હજાર આપી જવા અને પોતાને છોડાવી જવાનો ફોન કરાવતાં મેં મારી પત્‍નિ સરોજને ફોન કરી વાત કરી હતી અને બકુલે તેની પત્‍નિ મનિષાને ફોન કરી ૨૦ હજાર લઇને મનહરપુર આવી પોતાને છોડાવી જવાનો ફોન કર્યો હતો.

ચંદ્રેશે વધુમાં જણાવ્‍યું હતું કે અજાણ્‍યા શખ્‍સોએ અમને ધોકાવાળી કરવાનું ચાલુ રાખ્‍યું હતું અને જેટલુ મોડુ પૈસા આપવામાં થશે એમ દર કલાકે દસ-દસ હજાર વધતા જશે તેવું કહી મારકુટ ચાલુ રાખી હતી. એ દરમિયાન સવાર પડી ગઇ હતી અને તક જોઇ બકુલ દેવીપૂજક ભાગી છુટયો હતો. તેણે મારું ઘર જોયું હોઇ ત્‍યાં ગયો હતો અને મારા પત્‍નિ સરોજને મળી બધી વાત કરી હતી. આથી મારી પત્‍નિ તેને સાથે લઇ મનહરપુર ખાણ તરફ આવી રહી હતી ત્‍યારે ફરીથી અજાણ્‍યા શખ્‍સોએ ખાણ નજીકથી બકુલને પકડી લીધો હતો અને મારી પત્‍નિ ત્‍યાંથી નીકળી ગઇ હતી. એ પછી બકુલની પત્‍નિને પણ ફોન ગયો હોઇ તેણીએ અડોશી પડોશી પાસેથી પૈસા ઉછીના માંગવાનું ચાલુ કરી પતિને ગોંધી રખાયો હોવાની વાત કરતાં કોઇ પડોશીએ આખી વાત જાણી હતી અને યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

પોલીસે મનિષા અને ચંદ્રેશની પત્‍નિ સરોજબેનને વીસ હજાર આપી છટકુ ગોઠવી મનહરપુર જ્‍યાં બધાને ગોંધી રખાયા હતાં ત્‍યાં મોકલી હતી અને પાછળ પાછળ પોલીસ પણ ગઇ હતી. રૂપિયા લેવા શખ્‍સો આવતાં જ તેને દબોચી લીધા હતાં અને અમને છોડાવીને હોસ્‍પિટલે ખસેડયા હતાં. તેમ વધુમાં ચંદ્રેશે જણાવ્‍યું હતું. બકુલ અને રાહુલે પણ આ વિગતો જ જણાવી હતી. જો કે રાતે સાડા બારે આ બંને ચંદ્રેશની રિક્ષા બાંધી રૈયાધાર કયુ કામ શોધવા ગયા હતાં? એ સવાલ પણ તપાસ માંગી લે તેવો છે. બનાવ અંગે પોલીસે તપાસ આદરી ચાર શકમંદને સકંજામાં લઇ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં તપાસ આદરી છે.

(4:39 pm IST)