Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

રાજકોટમાં બે મિત્રો સાથે રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી વડોદરાના શખ્સની ૯ લાખની ઠગાઇ

લીમડા ચોકના કોમ્પલેક્ષમાં મેસર્સ ન્યારા કન્સ્લટન્સી સર્વિસિઝના નામે ઓફિસ ખોલી હતી રોકાણ પર બાર મહિના બાદ ખુબ સારુ વળતર મળશે તેવુ કહી સંદિપ ઘુંચલાએ અમિત ગાંધી અને પ્રશાંત ચાંપાનેરીયા પાસેથી નાણા મેળવ્યાઃ પાકતી મુદ્દતે ઓફિસને તાળા મારી ભાગી ગયો

રાજકોટ તા. ૩: રોકાણ સામે મોટા વળતરની લાલચ આપી વધુ એક ભેજાબાજે રાજકોટના બે યુવાન સાથે ૯.૫૦ લાખની ઠગાઇ કરી લીમડા ચોકમાં આવેલી પોતાની ઓફિસને તાળા મારી દીધા છે. વડોદરાના શખ્સે આ ઓફિસ ખોલી હતી. જે પાકતી મુદ્દતે રોકાણકાર બે મિત્રોને નાણા ચુકવવાને બદલે ઓફિસ બંધ કરી છનનન થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે સોની બજાર દરબારગઢ કરસનજી મુળચંદની શેરીમાં રહેતાં અમિતભાઇ વિનોદરાય ગાંધી (જૈન) (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી વડોદરા વાસણા જકાતનાકા સાકાર ઓરમ સી-૧૦૩, એચએલ પાર્ટી પ્લોટની સામે રહેતાં તેમજ વડોદરામાં વડોદરા ગોત્રી રોડ બંસલ મોલ પાસે શિવમ્ ટેનામેન્ટ્સનું પણ એડ્રેસ ધરાવતાં સંદિપ જવાહરલાલ ઘુંચલા વિરૃધ્ધ  આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ રૃા. ૯,૫૦,૦૦૦ની ઠગાઇનો ગુનો નોંધ્યો છે.

અમિતભાઇએ જણાવ્યું હતું કે હું ચાંદીનું જોબવર્ક કરુ છું અને એકાદ વર્ષ પહેલા મારે રૃપિયા ઇન્વેસ્ટ કરવા હોઇ જેથી મારા મિત્ર પ્રશાંત બી. ચાંપાનેરીયાને વાત કરતાં તેણે મને વડોદરાના મેસર્સ ન્યારા કન્સલ્ટનસી સર્વિસીઝના પ્રોપાઇટર  સંદિપ ઘુંચલાનો સંપર્ક કરાવ્યો હતો. તેની ઓફિસ રાજકોટ લીમડા ચોક પાસે ઇમ્પિીરીયા હાઇટ્સમાં ૧૧મા માળે હતી. અમે તેની ઓફિસે ગયા ત્યારે જે તે વખતે અમને તેણે (સંદિપે) જણાવેલ કે તમે અમારી મેસર્સ ન્યારા કંપનીમાં રોકાણ કરશો તો ૧૨ મહિના બાદ સારુ વળતર મળશે. આથી મેં ૧ાા લાખનું રોકાણ કરવાનું નક્કી કરતાં સંદિપે કહેલું કે ૧ાા લાખના બાર મહિના બાદ ૨.૪૦ લાખ મળશે. આ પછી અમે જરૃરી સ્ટેમ્પ પેર પર લખાણ કરી ચેકથી રકમ આપી હતી. ત્યારબાદ સંદિપે મને પાકતી મુદ્દતની તારીખ તા. ૨૪/૨/૨૨ જણાવી હતી. તેમજ આ તારીખે મને નફો અને મુળ રકમ મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો.

બાદમાં મારા મિત્ર પ્રશાંતે પણ રોકાણ માટે સંદિપને રૃા. ૭ લાખ ઓનલાઇન ટ્રાન્જેકશનથી આપ્યા હતાં. તેને પણ બાર મહિના બાદ ૧૧,૨૦,૦૦૦ થઇ જશે તેવું લખાણ સંદિપે કરી આપ્યુ હતું અને વિશ્વાસ આપ્યો હતો. મેં પણ તા. ૮/૭/૨૧ના રોજ વધુ ૧ લાખનું રોકાણ કર્યુ હતું. જેના પાકતી મુદ્દતે મને ૧,૬૦,૦૦૦ મળશે તેવું કહેવાયું હતું અને સ્ટેમ્પ પેપરમાં લખાણ કરી અપાયું હતું. પરંતુ પાકતી મુદ્દતની તારીખ-દિવસ પસાર થઇ ગયા પછી પણ અમને ન્યારા મેસર્સ તરફથી કોઇ વળતર મળ્યું નથી. તેની ઓફિસે જતાં ઓફિસ બંધ થઇ ગયાની ખબર પડી હતી. સંદિપનો ફોન પર પણ કોન્ટેકટ થતો ન હોઇ તે કંપની બંધ કરી અમારી સાથે ઠગાઇ કરી ભાગી ગયાનું જણાતાં પોલીસને જાણ કરી હતી.  તેમ વધુમાં અમિત ગાંધીએ જણાવતાં એ-ડિવીઝન પીએસઆઇ કે. કે. પરમારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (

(1:22 pm IST)