Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જમુનાબેને પતિ અને-સાસુના ત્રાસથી જીવ દીધો'તોઃ અગાઉ પિતાને કહેલું કે આ લોકો મને મારી નાંખશે કાં હું મરી જઇશ

આજીડેમ ચોકડી નજીક શ્યામકિરણ સોસાયટીમાં ત્રણ દિવસ પહેલા બનાવ બન્યો હતો : પતિ પરાણે ભઠ્ઠી ખાતામાં કામે મોકલતો હતોઃ આપઘાતના દિવસે સવારે અને આગલી રાતે પણ બેફામ મારકુટ થઇ હતીઃ માલિયાસણ રહેતાં પિતાની ફરિયાદ

રાજકોટ તા. ૩: આજીડેમ ચોકડીથી આગળ લક્કીરાજ ફાર્મ પાછળ આવેલી શ્યામકિરણ સોસાયટીમાં રહેતાં જમુનાબેન વાઘેલા નામના મહિલાએ ત્રણ દિવસ પહેલા આપઘાત કરી લીધાના બનાવમાં પતિ-સાસુનો ત્રાસ કારણભુત હોવાનું સામે આવતાં પોલીસે ગુનો નોંધ્યો છે. લગ્ન થયા ત્યારથી જ પતિ પરાણે કારખાનામાં કામે મોકલતો હતો અને સાસુની ચઢામણીને કારણે સતત ત્રાસ ગુજારતો હતો તેવો આક્ષેપ કરાયો છે. આપઘાતના દિવસે સવારે અને આગલી રાતે પણ તેણીને  પતિએ બેફામ મારકુટ કરી હોવાનું જણાવાયું હતું.

આ બનાવમાં આજીડેમ પોલીસે માલિયાસણ રહેતાં નાનજીભાઇ ઉકાભાઇ ચાવડા (ઉ.વ.૭૦)ની ફરિયાદ પરથી તેના જમાઇ અમિત ઉર્ફ દશો કરસનભાઇ વાઘેલા અને વેવાણ મણીબેન કરસનભાઇ વાઘેલા (રહે. બંને આજીડેમ ચોકડી લક્કીરાજ પાર્ટી પ્લોટ પાછળ શ્યામકિરણ સોસાયટી) વિરૃધ્ધ આઇપીસી ૪૯૮ (ક), ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

નાનજીભાઇના દિકરી જમુનાબેન અમિત વાઘેલા (ઉ.૪૦)એ તા. ૩૦ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેણી પતિ અને સાસુ દ્વારા ગુજારવામાં આવતાં ત્રાસને કારણે મરવા મજબૂર થયાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. નાનજીભાઇએ જણાવ્યું હતું કે જમુનાના લગ્ન ત્રીસ વર્ષ પહેલા અમિત ઉર્ફ દશા સાથે થયા હતાં. તેણીને સંતાનમાં બે પુત્ર વિશાલ અને રાકેશ છે. મારી દિકરી જમુનાને લગ્ન જીવન દરમિયાન પતિ અમિત પરાણે ભઠ્ઠી ખાતામાં કામ કરવા મોકલતો હતો. સાસુ મણીબેન પણ તને તારા બાપે કંઇ કામ શીખવાડ્યું નથી તેમ કહી સતત મેણાટોણા મારતાં હતાં. માતાની ચઢામણીને કારણે પતિ અમિત શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. મારકુટ કરતો હોઇ મારી દિકરી ત્રણ ચાર વખત રિસામણે આવી હતી. પણ બાદમાં સમાધાન કરીને તેણીને તેડી જવામાં આવી હતી.

પરંતુ ત્રાસ ફરીથી ચાલુ થઇ જતો હતો. ગત સાતમ આઠમના તહેવાર વખતે જ દિકરીએ વાત કરી હતી કે મારા સાસુના કહેવાથી મારો પતિ મને ખુબ મારકુટ કરે છે અને હવે મારાથી સહન થતું નથી, હવે આ લોકો મને મારી નાખશે કાં તો એવો ત્રાસ આપશે કે હું મરી જવા મજબુર થઇ જઇશ. આવી વાત મારી દિકરીએ મને જે તે વખતે કરી હતી.

એ પછી તા.૨૯/૧૧ના રાતે સાડા નવેક વાગ્યે મારી દિકરી જમનાએ ફોન કરી કહેલું કે અમિતે અત્યારે પણ મને ખુબ મારકુટ કરી છે. એ પછી બીજા દિવસે ૩૦/૧૧/૨૨ના સવારે અગિયારેક આસપાસ મારી દિકરીએ ફોન કરી કહેલું કે પતિએ મારા સાસુની ચઢામણીને કારણે મને અત્યારે ફરીથી માર માર્યો છે. ત્યારબાદ બપોરે ત્રણેક વાગ્યે મારી દિકરી જમુનાના દિકરા વિશાલનો ફોન આવ્યો હતો અને મમ્મી મૃત્યુ પામી છે તેવી વાત કરી હતી. આમ મારી દિકરીએ તેના પતિ અને સાસુના ત્રાસને લીધે આપઘાત કરી લીધો હતો. તેમ વધુમાં નાનજીભાઇએ જણાવતાં પી.આઇ. કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ગઢવીએ ગુનો નો઼ધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:26 pm IST)