Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કોરોનાને કારણે ધંધામાં મંદી આવી, દેણું થઇ જતાં ગણેશનગરના પટેલ કારખાનેદારની આત્મહત્યા

કેતનભાઇ બોદરે સોરઠીયાવાડી પટેલનગરના કારખાનામાં ઝેર પી લીધું: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૪: કોઠારીયા ચોકડી પાસે જુના ગણેશનગરમાં રહેતાં કારખાનેદાર પટેલ યુવાને છેલ્લા એક દોઢ વર્ષમાં કોરોનાને કારણે ધંધામાં મંદી આવી ગઇ હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં અને દેણું થઇ જતાં કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ જુના ગણેશનગરમાં રહેતાં કેતનભાઇ કેશુભાઇ બોદર (ઉ.વ.૩૦) નામના યુવાને સોરઠીયા વાડી-૧૧ના ખુણે પટેલનગરમાં આવેલા પોતાના હીના ટાઇમ્સ નામના કારખાનામાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિાયન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર કેતનભાઇ એક બહેનથી નાનો હતો. તેના ચાર વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતાં. તેના પિતા કેશુભાઇ પણ તેની સાથે કારખાનામાં બેસ છે. સ્વજનોના કહેવા મુજબ છેલ્લા દોઢેક વર્ષમાં કોરોનાને કારણે ધંધામાં મંદી આવી ગઇ હોઇ અને દેણું થઇ ગયું હોઇ જેથી કંટાળીને આ પગલુ ભર્યુ હતું.

(12:45 pm IST)