Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ભગવતીપરા બદ્રીપાર્કમાં પ્રિન્ટીંગ પ્રેસના સંચાલક વ્હોરા યુવાને ૨૦ લાખનું દેણું થતાં ઝેર પી લીધું

એકાદ વર્ષ દરમિયાન ધંધાના કામે અલગ અલગ લોકો પાસેથી ઉછીની અને વ્યાજે રકમ લીધી હતીઃ કોઇ ધમકી આપતું હતું કે કેમ? તે અંગે તપાસ

રાજકોટ તા. ૪: ભગવતીપરા મેઇન રોડ પર બદ્રી પાર્કમાં રહેતાં અને વિજય પ્લોટમાં પ્રિન્ટીંગ પ્રેસ ધરાવતાં દાઉદી વ્હોરા યુવાને વીસેક લાખનું દેણું થઇ જતાં અને વ્યાજ ચડત થઇ જતાં કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બદ્રી પાર્કમાં રહેતાં બુહરાન શબ્બીરભાઇ ભારમલ (ઉ.વ.૩૬) નામના યુવાને આજે સવારે પાંચેક વાગ્યે ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બુરહાન ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો તથા અપરિણિત છે. તેના પરિવારજનોના કહેવા મુજબ બુરહાનને વિજય પ્લોટમાં સૈફી આર્ટ નામે પ્રિન્ટીંગ પ્રેસ છે. ત્યાં બેસી કામ કરે છે. એકાદ વર્ષ દરમિયાન તેણે ધંધાના કામે અલગ અલગ લોકો પાસેથી ઉછીના અને વ્યાજે નાણા લીધા હતાં. આ કારણે વીસેક લાખનું દેણું થઇ જતાં અને વ્યાજ ચડત થઇ જતાં કંટાળી જઇ આ પગલુ ભર્યાની શકયતા છે.

બુરહાનને વ્યાજની ઉઘરાણી માટે કોઇ ધાકધમકી આપતું હતું કે કેમ? તેણે કોની પાસેથી કેટલી રકમ લીધી છે? તે અંગે પરિવારજનો અજાણ છે. બુરહાન ભાનમાં આવ્યે પોલીસ વિશેષ નિવેદન નોંધશે.

(12:47 pm IST)