Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સેનેટની ચૂંટણીમાં મતદારોને NOTAનો વિકલ્પ આપવા માંગ

સેનેટર રાહુલ મહેતાએ કુલપતિને પત્ર લખી માંગ કરી

રાજકોટ, તા. ૪ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યોનું જતન થાય અને પારદર્શીતા જળવાઈ રહે તે માટે મતદારોને 'નોટા'નો વિકલ્પ આપવા કુલપતિ નીતિનભાઈ પેથાણીને પત્ર લખીને જાગૃત સેનેટ મેમ્બર રાહુલ મહેતાએ માંગ કરી છે.

સેનેટર રાહુલ મહેતાએ એક યાદીમાં જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આગામી સેનેટ ઈલેકશનમાં હાલ અગાઉ મુજબની જ મતદાનની વ્યવસ્થા રહેલી છે.

સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન અનુસાર None of the above (NOTA) પ્રયોગ વર્ષ ૨૦૧૩માં સૌ પ્રથમ કરવામાં આવેલ. NOTA એ મતદારોનો એવોે અબાધિત અધિકાર છે જે ઉમેદવારો પ્રત્યે અસંમતિ દર્શાવે છે. મહાવિશ્વ વિદ્યાલયોમાં જ્યારે સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને પ્રમાણિક લોકોની સત્તા મંડળમાં જરૂરીયાત છે, ત્યારે 'નોટા'નો પ્રયોગ એક અનિવાર્ય આવશ્યકતા છે. 'નોટા'ના પ્રયોગથી હાલના વિવાદોમાંથી ઉપર આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક નવો ચીલો ચાતરીને સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર માટે પથદર્શક બની શકે. યુનિવર્સિટીની પ્રગતિ માટે, લોકશાહી મૂલ્યોના જતન માટે, પારદર્શિતા માટે, શિક્ષણમાં જ્ઞાન, ચારિત્ર્ય અને એકતાનો માર્ગ મજબૂત કરવા માટે નોટાનો મતદારોને અધિકારએ આજના સમયની માંગ છે.

(3:59 pm IST)