Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજકોટ ચેમ્બરમાં ચૂંટણીના ઢોલ વાગ્યા : ૧૩ ફેબ્રુઆરીએ મતદાન

રાજકોટ શહેરના વેપાર અને ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી દાયકાઓ જુની સંસ્થાના હોદ્દેદારોની ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાનની ટર્મ પુરી થઇ : કુલ ૧૮૦૨ મતદારો : ૧૦મીએ વર્તમાન બોડીની અંતિમ કારોબારી મળશે બાદમાં કારભાર ચુંટણી સમિતિને સોંપી દેવાશે : ચુંટણી કમિટિ ચુંટણી કાર્યક્રમ જાહેર કરશે

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪ : સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરના વેપાર અને ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી દાયકાઓ જુની સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્તમાન હોદ્દેદારોની ૩ વર્ષની ટર્મ પુરી થતાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આ માટે ૧૩ ફેબ્રુઆરીએ મતદાન થશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા ૩ વર્ષની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની કામગીરીની માહિતી આપવા તથા ચુંટણીની તારીખ જાહેર કરવા બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદને સંબોધન કરતા પ્રમુખ વી પી વૈષ્ણવે જણાવ્યું હતું કે, બંધારણ અનુસાર વર્તમાન હોદ્દેદારોની ૩ વર્ષની ટર્મ પુરી થતી હોય કારોબારીએ ૧૩ ફેબ્રુઆરીએ નવી કારોબારીના સભ્યો માટે ચુંટણી યોજવાનો નિર્ણય કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, ચેમ્બરમાં કુલ ૧૮૦૨ જેટલા મતદારો છે અને ચુંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં થાય એ માટે પૂર્વ પ્રમુખ હિતેશભાઇ બગડાઇના ચેરમેન પદ હેઠળ એક ચુંટણી સમિતિની નિમણુંક કરવામાં આવી છે જેના સભ્યોમાં એડવોકેટ વારોતરીયા અને જાણીતા શેર બ્રોકર સુનિલભાઇ શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કમિટિમાં બે આમંત્રિત સભ્યોની પણ નિમણુંક કરવામાં આવી છે. જેમાં સહકારી અગ્રણી પુરૂષોત્તમભાઇ પીપરીયા અને રામભાઇ બચ્છાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટિને વર્તમાન કારોબારી ૧૦મીએ કાર્યભાર સોંપી દેશે અને તે પછી ચુંટણી સમિતિ ચુંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરશે.

ચેરમેન વી પી વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે, ચુંટણી સમિતિના નેજા હેઠળ ચેમ્બરની ચુંટણી લોકશાહી ઢબે અને મુકત અને ન્યાયી વાતાવરણમાં થશે. મતદાન માટેનું સ્થળ પણ આવતા સપ્તાહે નક્કી થઇ જશે. તેમણે ઉમેર્યું હતું કે, હાલ ૨૫૦૦ સભ્યો છે તેમાંથી ૧૮૦૨ સભ્યોને મતાધિકાર છે. જ્ઞાતિવાદ અને કોઇ પણ પ્રકારના વાદવિવાદથી દુર રહીને માત્ર કાર્યક્ષમતાના આધારે આ ચુંટણી યોજવામાં આવશે. સૌને સાથે રાખી સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને ધ્યાને રાખી અમો ચુંટણીના મેદાનમાં ઉતરશું. તેમણે જણાવ્યું હતું કે, અમારી ઇચ્છા છે કે ચુંટણી સમરસ થાય પરંતુ જો કોઇને ચુંટણી લડવી હોય તો તે માટેના દ્વાર ખુલ્લા છે.

આ પત્રકાર પરિષદમાં ચેમ્બરના અન્ય હોદ્દેદારો તથા કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા.

ચુંટણી સમિતિમાં કોણ ?

ચેરમેન : હિતેશભાઇ બગડાઇ

એડવોકેટ : વારોતરીયા

સુનિલભાઇ શાહ

આમંત્રિતો

સહકારી અગ્રણી

પુરૂષોત્તમભાઇ પીપરીયા

રામભાઇ બચ્છા

(3:26 pm IST)