Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પંચમદા ની આજે ૨૮ મી પૂણ્યતીથીએ ખાસ વંદના

રાહુલ દેવ બર્મનની ટેન્ડેમ કલા એટલી સક્ષમ હતી કે ભલભલા સંમોહિત થઇ જાય

રાજકોટ : જાન્યુઆરી ૪, ૧૯૯૪ ના રોજ મ્યુઝીશિયન ઓફ મીલેનીયમ એવા પંચમ દા એ વિદાય લીધી. વિદાયના ત્રણ દાયકા પછી પણ જેમનું નામ અમર રહ્યું છે અને એમના ચાહકોની સંખ્યા ઉતરોત્તર વધતી જાય છે એવા પંચમ દાની આજે પુણ્યતિથી છે.

જોવાની વાત એ છે નવી પેઢીને પણ પંચમ દા ના મૂળ ગીતો એટલા જ સંમોહિત અને મંત્રમુગ્ધ કરે છે. આજે વાત કરવી છે એમના એક વિશેષ પાસાની અને એ છે ટેન્ડેમ (Tandem) એટલે કે મેલ અને ફીમેલ બંને વોઈસમાં ફિલ્મમાં રજૂ થયેલ ગીતો. અથવા એકથી વધુ વખત અલગ અલગ વર્ઝનમાં બનેલ ગીતો. એ તો જાણીતી વાત છે કે ગીત સંગીતનો ફાળો ફિલ્મની સફળતામાં નાનો-સૂનો નથી. એ સાથે જ ફિલ્મની સીચ્યુએશનને અનૂરૂપ ગીત અને સંગીત પણ હોવા જોઈએ. પંચમદાનું સંગીત, એમની તરજો અને ગીતો ફિલ્મને કેટલા અનુરૂપ હતા અને એમાં પંચમદાની કેવી સૂક્ષ્મ દ્રષ્ટિ હતી એના કેટલાક ઉદાહરણો જોઈએ.

સૌપ્રથમ લઈએ ફિલ્મ મેહબુબાનું અમર ગીત 'મેરે નૈના સાવન ભાદો'. આ ગીતના કુલ ચાર વર્ઝન છે. એ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. કારણ કે સંગીત રસિકોની જાણમાં માત્ર ત્રણ ગીતો જ છે. સૌપ્રથમ વાત કરીએ કિશોર દાના સ્વરમાં રજૂ થયેલ ગીતની. આ ગીતની સીચ્યુએશન આધુનિક છે. રાજેશ ખન્નાનો પુનર્જન્મ થયો છે એટલે આ ગીતમાં આધુનિક વાદ્યોનો ઉપયોગ થયો છે. અને કોઈ ઈફેકટ આપવામાં આવી નથી. બીજું વર્ઝન લતાજીના સ્વરમાં છે જે એક હોન્ટીંગ મેલોડી છે. પંચમદા એ સિચ્યુએશનને અનુરૂપ એમાં એવાં એકોઝ અને રીવર્બ ઇફેકટ મૂકેલ છે અને વાદ્યો પણ બદલાય છે. હજુ એક વર્ઝન એટલે પૂર્વ જન્મમાં ગવાયેલ ગીત. એ સમયગાળો એવો કે ત્યારે ગિટાર કે ડ્રમ્સ તો હોય નહી. એટલે જ પંચમ દા ની ખૂબી જુઓ કે ત્યાં તેમણે સંતૂર, સારંગી અને  સિતારનો ઉપયોગ કરેલ છે. અરે રીધમ માટે એ સમયે પ્રચલિત એવા પખાવજનો ઉપયોગ કરેલ છે.

જાણકારો પાસે 'મેરે નૈના સાવન ભાદો'નું હજુ એક વર્ઝન  છે. એ ગીતમાં પંચમદા એ સરોદનો ઉપયોગ કર્યો છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે પંચમ દા સરસ રીતે સરોદ વગાડી પણ શકતા. પરંતુ સીચ્યુએશન અને સભામાં રજૂ થતું હોવાથી કોઠાના વાદ્ય તરીકે એ સમયે પ્રચલિત સારંગી સાથે સોંગ રેકોર્ડ થયું છે ને એક સંગીતકારની નાજુક સમજની વાત!

બીજું ટેન્ડેમ સોંગ એટલે ચાહકોનું અત્યંત પ્રિય અને 'રેઇન એન્ધેમ' તરીકે ઓળખાતું ફિલ્મ મંઝિલનું  'રીમઝીમ ગીરે સાવન'. આ ગીત કિશોર દાના સ્વરમાં અમિતાભ બચ્ચન પર અને લતાજીના સ્વરમાં મૌસમી ચેટરજી અને અમિતાભ પર ફીલ્માવેલ છે. કિશોર દાનું વર્ઝન અમિતાભ ઇન્ડોર-એક દીવાનખંડમાં  ગાય છે. એટલે પંચમ દા એ એકોઝ ઈફેકટ આપેલ છે . સ્વાભાવિક રીતે દ્યરમાં ગીત ગવાય તેના થોડા પડદ્યા પડે જ. વળી અમિતાભ સાધારણ પરિવારથી આવે છે એટલે અહી પણ જાઝ કે આધુનિક વાદ્યોનો ઉપયોગ થયો નથી.

જયારે લતાજીના સ્વર વાળું 'રીમઝીમ ગીરે સાવન' આઊટ ડોર ફિલ્માવેલ છે. મૌસમી ચેટર્જી ફિલ્મમાં શ્રીમંત પરિવારમાંથી છે એટલે જાઝ અને આધુનિક વાદ્યોનો ઉપયોગ થયો છે અને રીવર્બ કે એકોઝ ગાયબ છે.

ત્રીજું આવું જ ગીત એટલે ફિલ્મ જુર્માનાનું કર્ણપ્રિય ગીત 'સાવન કે જુલે પડે'. ચાહકોને ખ્યાલ જ હશે કે આ ગીતના પણ બે વર્ઝન છે. પ્રથમ ગીતમાં નાયિકા રાખી શાસ્ત્રીય સંગીતની જાણકાર નથી એટલે લતાજી પાસે સરળ રીતે અને વચ્ચે પ્રમાણમાં ઓછા આરોહ અવરોહ સાથે ગવરાવવામાં આવ્યું છે. આ ગીત આઊટડોર હોવાથી પ્રમાણમાં સંગીત વાદ્યો પણ ઓછા ઉપયોગમાં લેવાયા છે. બીજા ગીતમાં ગીત શરૂ જ આલાપથી થાય છે અને એમાં લતાજી પાસે કલાસિકલ ટચ સાથે ગવડાવવામાં આવ્યું છે. કારણ કે હવે નાયિકા શાસ્ત્રીય સંગીતમાં નિપુણ થઇ ગઈ છે. લતાજીની મુરકીઓ પર વારી જવાશે. વળી ફિલ્મમાં આ ગીત રેકોર્ડીંગ સ્ટુડીઓમાં ફિલ્માવવામાં આવ્યું છે એટલે આખા ગીતમાં સંગીત વાદ્યો તેને અનુરૂપ પણ અદ્બુત રીતે પ્રયોજાયા છે.

આવા ઉદાહરણો પરથી પંચમ દા કેટલા જીનીયસ હતા એનો ખયાલ આવે છે અને સાથે એક ગીત બનાવવામાં કેટલો સમય ફાળવતા, કેટલું વિચારતા અને ઝીણું કાંતતા એનો પુરાવો મળે છે. આવા, પોતાના સંગીત થકી અમર રહેનાર પંચમદાને અને એમની સૂરીલી ચેતનાને વંદન. (૧૬.૨)

આલેખન :- પ્રા.રુચિર પંડયા,

મો.૯૭૨૬૯ ૬૮૪૩૮

  (સહયોગ : અજય શેઠ, મુંબઈ)

(3:02 pm IST)