Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રૈયા ચોકડીથી કે.કે.વી. ચોક સુધીના ૬ સ્‍થળોથી છાપરા-રેલીંગના દબાણો હટાવાયા : ૪૭ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરાઇ

૧૫૦ ફુટ રીંગ રોડ પર પાર્કિંગ -માર્જીંનમાં થયેલા દબાણો દૂર કરતુ મ.ન.પા તંત્રઃ ૨ રેંકડી, કેબીન તથા ૮૦ બોર્ડ-બેનર જપ્‍ત

રાજકોટ તા. ૪ : મહાનગરપાલિકા દ્વારા  શહેરને સ્‍માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અન્‍વયે આજે  રૈયા ચોકડીથી કે.કે.વી. ચોક સુધીમાં ૬  સ્‍થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાનાં દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરી ૪૭ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરવામાં આવ્‍યુ હતુ.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા પ્રમાણે શહેરમાં  ‘વન વીક, વન રોડ  અન્‍વયે આજે ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડીથી કે.કે.વી. રોડ સુધીનાં કોમ્‍પલેક્ષો, દુકાનો વગેરે સ્‍થળોએ માર્જીન તથા પાર્કિંગમાં થયેલ દબાણો દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્‍યુ હતુ. જેમાં પર્લ પ્‍લાઝા, એલીગ્‍ન્‍સ કોમ્‍પલેક્ષ, ગોલ્‍ડન પ્‍લાઝા, ક્રિષ્‍ના કોમ્‍પલેક્ષ, ઓસ્‍કાર કોમ્‍પલેક્ષ સહિતનાં ૬ સ્‍થળોએથી પાર્કિંગ- રોડને નડતરરૂપ છાપરા, રેલીંગનાં દબાણો દુર કરી ૪૭ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.
બોર્ડ-બેનર રેંકડી -કેબીન જપ્‍ત
૧૫૦ ફુટ રીંગ રોડ પરથી દબાણ હટાવ શાખાએ રસ્‍તા પર નડતરરૂપ ૨ રેંકડી-કેબીન જપ્‍ત કર્યા હતા. તેમજ રાજકીય પક્ષો અને સંસ્‍થાના ૮૦ બોર્ડ-બેનર જપ્‍ત કરવામાં આવ્‍યા હતા.

 

(3:10 pm IST)