Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજકોટના સસ્‍તા અનાજના સંખ્‍યાબંધ દુકાનદારોએ વડાપ્રધાન સહાય યોજનાનો માલ બારોબાર-કાળાબજારમાં વેચી માર્યો

મફત આપવાનો થતો જથ્‍થાનું માત્ર ૨૦ ટકા દુકાનદારોએ વિતરણ કર્યુઃ બાકીનાએ રોકડી કરી લીધી : પુરવઠાને જાણ કરાઇ છતા પગલા નથી લીધાઃ કરોડોનો જથ્‍થો સગેવગે થઇ જતા ખળભળાટ : ૧૦ ટન જેટલા માલનું કોઇ પગેરૂ નથીઃ સ્‍ટાફના અભાવે પુરવઠા તંત્ર મુક પ્રેક્ષક બની તાલ જોઇ રહયું છે!!

રાજકોટ, તા., ૪: રાજકોટ જીલ્લા પુરવઠા તંત્ર સમક્ષ રાજકોટના ૪ ઢગલાબંધ કહી શકાય એવા સસ્‍તા અનાજ દુકાનદારોનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્‍યા છે. પુરવઠા સમક્ષ આ કરોડોનું કૌભાંડ બહાર આવવા છતા કોઇ તપાસ થઇ નથી. સ્‍ટાફનો અભાવનું બહાનુ ધરી પુરવઠા તંત્ર મુક પ્રેક્ષક બની જોઇ રહયું છે.
આ કહેવાતા કૌભાંડની વિગતો મુજબ પીએમ સહાયનો  મફત આપવાનો જથ્‍થો સરકારની સીધી સુચના બાદ ૧૫ તારીખ બાદ વિતરણ થાય છે. ત્રણ મહિને પણ આપવાનો હતો. પરંતુ મફત આપવાનો થતો આ જથ્‍થો રાજકોટના કુલ રરપ સસ્‍તા અનાજના દુકાનારોમાંથી ર૦ થી રપ દુકાનદારોએ ગરીબોને આપ્‍યો અને બાકીનાએ આ જથ્‍થો બારોબાર-કાળા બજારમાં વેચી માર્યાનું ખુલ્‍યું છે. પુરવઠા સમક્ષ કાર્ડ હોલ્‍ડરોની પણ માલ નહી મળ્‍યાની ફરીયાદો આવ્‍યાની ભારે ચર્ચા છે.
વિગતો મુજબ મફત આપવાના થતા જથ્‍થાનું માત્ર ર૦ ટકા  દુકાનદારોએ વિતરણ કર્યાનું ખુલ્‍યું છે. બાકીનાએ રોકડી કરી લીધાની ચર્ચા છે. કરોડોનો ૧૦ ટન જેટલો જથ્‍થો સગે વગે થઇ જતા ખળભળાટ મચી ગયો છે.
સસ્‍તા અનાજના એક દુકાનદારે અકિલાને જણાવેલ કે,  મફત આપવાનો માલ ૧૫ તારીખ પછી આપવાની સુચના છે. એવુ બન્‍યુ હોય કે જેમણે કૌભાંડ કર્યાની ચર્ચા છે. તે વેપારીઓએ ઓફલાઇન બીલ આપ્‍યા હોય અથવા તો એડવાન્‍સ અંગુઠા લઇ લીધા હોય, પરંતુ માલ નથી આવ્‍યો તેવા બહાના કાર્ડ હોલ્‍ડરોને રજુ કરી માલ બારોબાર વેચી નાંખ્‍યો હોય, હાલ તો આ કહેવાતું કૌભાંડ પુરવઠામાં જ ચર્ચાએ ચડયું છે. આ બાબતે ડીએસઓ શ્રી પ્રશાંત માંગુડાને ફોન કરતા તેમનો ફોન બપોરે ૧ સુધી સતત નો-રીપ્‍લાય થતો હોય અન્‍ય સતાવાર વિગતો કોઇ પ્રાપ્‍ય બની નથી.


 

(3:48 pm IST)