Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જાગનાથ પ્લોટના તબિબના ઘરમાંથી લાખો ઉસેડયા પછી બંને તસ્કરોએ કોઠારીયા સોલવન્ટમાં ભાગ પાડયો'તો

રીઢા તસ્કર ઇકબાલ ઉર્ફે ડાડોને પ્ર.નગર પોલીસે દબોચ્યાઃ બીજા સાગ્રીત હિરેનની શોધઃ પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ કોન્સ. મહાવીરસિંહ અને અશોકભાઇની બાતમીઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૪: જાગનાથ પ્લોટમાં આવેલા રાજદર્શન એપાર્ટમેન્ટમાં આઠ દિવસ પહેલા પીડીયુ મેડીકલ કોલેજના લેકચરર તરીકે ફરજ બજાવતા ડો. સેજુલભાઇ કાંતીલાલ અંટાળા (ઉ.વ.૪૮) ના ફલેટમાં પાઉન્ડ તથા દાગીના મળી ૧૮ લાખની ચોરીનો પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલી જુનાગઢના રીઢા ચોરને પકડી લઇ તેના સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ડો. સેજુલ અંટાળાએ ફરિયાદ નોંધાવી હતી વિદેશથી આવેલા તેમના માતા-પિતાના પાસપોર્ટ, વિદેશી ચલણ પાઉન્ડ, તેમજ સોનાના દાગીના તથા રોકડ સહિતની મતા ચોરાઇ ગઇ હતી તેમના માતા-પિતા અને બેંગ્લોરથી આવેલા ભાઇ ૧૮મીએ ધોરાજી જુના મકાને ગયા હતા અને ડોકટર તથા તેમના પત્ની, દિકરીઓ સસરાને ત્યાં અમરેલી ગયા હતા બાદ તા. ર૭/૧રના રોજ તેઓ અમરેલી હતા ત્યારે તેમને કામવાળા બહેન મારફત ચોરી ગયાની ખબર પડી હતી ઘરે આવી ચેક કરતા ચોરી થયાની ખબર પડતા પોલીસને જાણ કરી હતી.

દરમ્યાન ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પ્ર.નગર મથકના પીઆઇ. એલ. એલ. ચાવડા, પી.એસ.આઇ. કે. ડી. પટેલ, સંજયભાઇ દવે તથા જનકભાઇ સહિતની ટીમે દોડધામ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે શખ્સો એકટીવા લઇને જતા દેખાયા હતા. બંને પાસે એક બેગ પણ જોવા મળી હતી.

પોલીસે માલવીયા ચોકથી ગોંડલ ચોકડી સુધીના દુકાન, મકાનો તેમજ આઇ-વે પ્રોજેકટના સીસીટીવી કેમેરા ચેક રતા બંને કોઠારિયા સોલવન્ટ સીતારામ સોસાયટી સુધી જતા જોવા મળ્યા હતા. દરમ્યાન પી.એસ.આઇ. કે. ડી. પટેલ, કોન્સ. મહાવીરસિંહ જાડેજા અને કોન્સ. અશોકભાઇ હુંબલને બાતમી મળતા કોઠારિયા સોલવન્ટ સીતારામ સોસાયટી શેરી નં. ર માં ભાડાની ઓરડીમાં રહેતા આરોપી ડાડા ઉર્ફે ઇકબાલ મામદભાઇ ઉર્ફે મહંમદભાઇ ઠેબા (ઉ.વ.૪૬) (રહે. મૂળ સાંબલપુર મેઇન રોડ જુનાગઢ, હાલ કોઠારિયા સોલવન્ટ સીતારામ સોસાયટી શેરી નં. ર માં ભાડે) ને પકડી લઇ તેની પૂછપરછ કરતા તેણે તેની સાથે રહેતો હિરેન ઉર્ફે નિતીન સાથે મળી તબીબનાં ઘરમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે તેની પાસેથી ૧.પ૦ લાખ રોકડ, ૧૬૮૦ પાઉન્ડ, સોના અને ચાંદીના દાગીના, ચાર કેમેરા, મોબાઇલ ફોન, ૧૦ લગ-અલગ ડીઝાઇનવાળી ઘડીયાળ, બ્લુટુથ સ્પીકર મળી રૂ. પ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને સાગરીત હિરેન ઉર્ફે નિતીનની શોધખોળ આદરી છે. આરોપી ડાડો ઉર્ફે ઇકબાલ મામદભાઇ ઉર્ફે મહંમદભાઇ ઠેબા ગુનાહીત ઇતિહાસ ધરાવે છે તે અગાઉ જુનાગઢ એ ડીવીઝન, બી ડીવીઝન, સી ડીવીઝન, તાલુકા તથા જેતપુર તાલુકા, વિરપુર, કેશોદ, વંથલી, ઉપલેટા, પોલીસ મથકમાં લૂંટ, ઘરફોડ ચોરી સહિત ર૧ ગુના પકડાઇ ચુકયા છે રાજકોટમાં તબીબના ઘરમાં ચોરી કર્યા બાદ ડાડો અને હિરેન બંને ચોરાઉ મતા ભરેલો થેલો લઇને સીતારામ સોસાયટીમાં ઘરે જઇને બંનેએ રોકડ અને દાગીનાના ભાગ પાડયા હતા બાદ ડાડો જુનાગઢ જતો રહ્યો હતો. બાદ તે પરત રાજકોટ આવ્યો હતો. તેણે છ મહિના પહેલા એક ટુવ્હીલર જાગનાથ પ્લોટમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી, પોલીસે તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(3:48 pm IST)