Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પગરખા ઉપરનો GST પને બદલે ૧ર ટકા કરવાના નિર્ણય સામે નવા ગામની ફૂટવેર બજાર સજ્જડ બંધ

કલેકટરને આવેદન : હજારો કારીગર-વેપારીઓ બેરોજગાર બની જશે

પગરખા ઉપર પ ને બદલે ૧ર ટકા GST કરવાના નિર્ણય સામે આજે નવાગામ ફૂટવેર બજારના સેંકડો વેપારીઓએ સજ્જ બંધ પાડી-ઉગ્ર સુત્રોચ્‍ચાર સાથે આવેદન પાઠવ્‍યું હતું, તસ્‍વીરમાં નવાગામની ફૂટવેર બજાર સજ્જડ બંધ છે તથા આવેદન દેવા આવેલ વેપારીઓ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. ૪ :  કેન્‍દ્રિય GST કાઉન્‍સીલ કમિટીએ પગરખા ઉપર પને બદલે ૧ર ટકા જીએસટીના કરેલા નિર્ણય સામે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરના હજારો ફૂટવેર વેપારીઓમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો છે, અને ૧ર ટકા જીએસટીના વિરોધમાં આજે રાજકોટ નવાગામ તથા અન્‍ય મુખ્‍ય બજારના પગરખાના વેપારીઓએ સજ્જડ બંધ પાળી વિરોધ વ્‍યકત કરી કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું, સૌરાષ્‍ટ્રભરમાં નાના-મોટા વેપારીઓએ બંધ પાળ્‍યો હતો ,અત્રે એ નોંધનીય છે કે એકલા રાજકોટમાં જ પગરખાનું રોજનું ૮ થી ૧૦ કરોડનું જથ્‍થાબંધ અને છુટક ટર્નઓવર છે.
દરમિયાન સૌરાષ્‍ટ્ર ફુટવેર એસો.ના ઉમટી પડેલા વેપારીઓએ કલેકટરને આવેદન પાઠવી પગરખા પર જીએસટીના વધારાનો વિરોધ વ્‍યકત કરી યોગ્‍ય કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેરાયું હતું કે પગરખામાં જીએસટી પ ટકા માંથી ૧ર ટકા થવાથી નાના, મધ્‍યમ અને ખેડૂત વર્ગને મોંઘવારીનો માર ઘણો જ વધારે સહન કરવો પડશે. ૮પ% વર્ગ મજુર માણસ, ખેડૂત વર્ગ, મધ્‍યમ વર્ગ ૧૦૦૦ રૂપિયાની કિંમતથી નીચેના પગરખા પહેરે છે. જેમાં જીએસટી વધવાથી પગરખા ઘણા મોંઘા થઇ જશે. હાલમાં કાચો માલ સામાનમાં ર૦% થી રપ% નો ભાવ વધારો થઇ ગયેલ છે. અને વધારામાં પ ટકા થી ૧ર ટકા જીએસટીના વધારાથી ઘણા જ પગરખા મોંઘા થઇ જશે.
વધુમાં જણાવેલ કે પગરખા બનાવવા  વાળો કારીગર વર્ગ ખુબ જ ગરીબ છે. જીએસટીના વધારાથી નાના કારીગરને ખુબ જ અસર થાય છે. અને બેરોજગારી ઘણી જ વધી જશે. જીએસટીના વધારાથી નાના વેપારીને પોતાનો ધંધો બંધ કરવાની નોબત આવશે અને તેનાથી વેપારી અને કામ કરતા માણસો બેરોજગાર થશે.
અમારા બધા વેપારીઓ તરફથી વિનંતી છે કે પગરખા પરનો જીએસટી પટકા યથાવત રાખશો.

 

(3:48 pm IST)