Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જયોતી સીએનસીના કેશ ક્રેડીટ એકાઉન્‍ટમાંથી રૂપીયા હડપવાના કાવત્રાનો પર્દાફાશઃ જંગલેશ્વરનો સમીર પકડાયો

હિન્‍દીભાષી અરૂણકુમારના કહેવાથી સમીર જયોતિ સીએનસી કંપનીનો બોગસ લેટર, સિક્કા તથા કંપનીના ડાયરેકટરોની ખોટી સહી સાથેના લેટરપેડ અને અરજી લઇ બેંકમાં રજીસ્‍ટર મોબાઇલ નંબર ચેન્‍જ કરવા કરવા ગયો'ને પકડાઇ ગયોઃ મુખ્‍ય સુત્રધાર અરૂણકુમારની શોધ

 

રાજકોટ, તા., ૪: મેટોડા જીઆઇડીસીમાં આવેલ સુવિખ્‍યાત જયોતી સીએનસી ઓટોમેશન લી. કંપનીના રાજકોટ સ્‍થિત બેંકના કેશ ક્રેડીટ એકાઉન્‍ટમાંથી રૂપીયા હડપવાના કાવત્રાનો બેંકના સ્‍ટાફ અને કંપનીના ડાયરેકટરની સજાગતાથી પર્દાફાશ થયો છે. કેશ ક્રેડીટ એકાઉન્‍ટમાં મોબાઇલ નંબર ચેન્‍જ કરવા આવેલ જંગલેશ્વરના શખ્‍સને કંપનીના બોગસ લેટરપેડ, સિક્કા તથા કંપનીના ડાયરેકટરોની બોગસ સહી સાથેની અરજી સાથે દબોચી લેવાયો હતો.  જયારે મુખ્‍ય સુત્રધાર હિન્‍દીભાષી શખ્‍સની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જયોતી સીએનસી  ઓટોમેશન લી.ના ડાયરેકટર વિક્રમસિંહ રઘુવીરસિંહ રાણા (રહે. કિશન કનૈયા એપાર્ટમેન્‍ટ-ર, ફલેટ નં. ૬૦૧,ઇન્‍દીરા સર્કલ પાસે, રાજકોટ)એ  સમીર સલીમભાઇ ચાનીયા (રહે. અંકુર સોસાયટી, શેરી નં. ૪, જંગલેશ્વર-રાજકોટ) તથા અરૂણકુમાર  મો.નં. ૯૬૬૭૩ ૪ર૩૧ર સામે ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ કંપનીનું કેશ ક્રેડીટનું એકાઉન્‍ટ યુનીયન બેંક ઓફ ઇન્‍ડીયા, ઢેબર રોડ બ્રાન્‍ચમાં આવેલ હોય ગત તા.૧ના રોજ બેંક દ્વારા કંપનીના ફાયન્‍સીયલ ઓફીસરને ફોન દ્વારા જાણ કરાઇ હતી કે,  તમારી કંપનીના કેશ ક્રેડીટ એકાઉન્‍ટમાં રજીસ્‍ટર મોબાઇલ નંબર બદલવા માટે બેંકને તમારા લેટરપેડ ઉપર અરજી આવેલ છે તેમાં નવો મોબાઇલ નંબર ૯૬૬૭૩ ૪ર૩૧ર રજીસ્‍ટર કરવા માટે જણાવેલ છે. ફાયન્‍સીયલ ઓફીસરે આ અંગે મને વાત કરતા આવી અમે કોઇ અરજી બેંકને આપેલ ન હોય કંપનીના સેક્રેટરી મૌલીકભાઇ ગાંધીને બેંકની મુલાકાત કરવાનું જણાવતા તેઓ બેંકના મેનેજરને મળી કંપનીના રજીસ્‍ટર મોબાઇલ બદલવાની જે અરજી હતી તે અરજી અને તેની સાથેના ડોકયુમેન્‍ટ જોઇ દસ્‍તાવેજોમાં વિસંગતતા જણાતા અમો ફરીયાદીને જાણ કરી હતી. ત્‍યારે પણ અમો ફરીયાદીએ સેક્રેટરીને કહેલ કે આપણે આવી કોઇ અરજી કરેલ નથી.

ત્‍યાર બાદ તા.૩ ના રોજ બેંક દ્વારા જાણ કરાયેલ કે તમારા એકાઉન્‍ટ નંબરમાં મોબાઇલ નંબર ચેન્‍જ કરવાની એપ્‍લીકેશન કરનાર વ્‍યકિત બેંકે આવેલ છે.  જેથી અમો બેંકે ગયેલ અને ત્‍યાં જઇ ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસની મદદથી મોબાઇલ નંબર ચેન્‍જ કરવાની એપ્‍લીકેશન આપનાર સમીર સલીમભાઇ ચાનીયાને દબોચી લીધો હતો અને તેની પાસેથી અરજી તથા ડોકયુમેન્‍ટ ચકાસતા ડોકયુમેન્‍ટમાં જયોતી સીએનસી ઓટોમેશન લી.નો બોગસ લેટરપેડ હતો. આ લેટરપેડમાં ડાયરેકટરના ૩ સિક્કા મારેલ છે તેમાં એક સિક્કાની નીચે કંપનીના ડાયરેકટર એસ.એલ.જાડેજાની ગુજરાતીમાં સહી કરેલ છે તે ખોટી હતી તથા પી.જી.જાડેજા  કે જે બીજા ડાયરેકટર છે અને અમો ફરીયાદીના કઝીન ભાઇ છે તેની સહી પણ ખોટી હતી તથા અમો ફરીયાદીની સહી પણ ખોટી હતી અને તેની નીચે કમલેશ સોલંકીની સહી પણ ખોટી હતી. તેમજ જીએસટી રજીસ્‍ટ્રેશનના સર્ટીફીકેટના ૩ પેઇજ ઉપર પણ કંપનીના ડાયરેકટરોના ખોટા સહી અને સિક્કા છે. આધારકાર્ડ તથા પાનકાર્ડની નકલમાં પણ આજ રીતે ખોટી સહીઓ કરેલ હોવાનું જાણવા મળેલ હતું.

પકડાયેલ સમીરને બોગસ લેટરપેડ ઉપર જણાવેલ મોબાઇલ નંબર બાબતે પુછતા તે અરૂણકુમાર હોવાનું જણાવેલ અને અરૂણકુમારના કહેવાથી પોતે બેંકમાં બે દિવસ અગાઉ સ્‍ટેટમેન્‍ટ લેવા તેમજ મોબાઇલ નંબર ચેન્‍જ કરવાની એપ્‍લીકેશન આપવા ગયેલ હતો. સમીરે અરૂણકુમાર સાથે મળી બંન્નેએ અગાઉથી પુર્વયોજીત કાવત્રુ રચી અમારી કંપનીની બેંકની શાખામાં જઇ કંપનીના ક્રેડીટ એકાઉન્‍ટની વિગત અમારી મંજુરી વગર મેળવી એકાઉન્‍ટમાં મોટી ક્રેડીટ પડેલ હોવાનું જાણી છેતરપીંડીના ઇરાદાથી અમારી કંપનીના એકાઉન્‍ટના રજીસ્‍ટર મોબાઇલ નંબર બદલવાની અરજી આપી અને આ  અરજીમાં કંપનીના બોગસ લેટરપેડ, ડાયરેકટરના ખોટા સિક્કા તથા સહીઓ કરી અમારી કંપની સાથે છેતરપીંડીનો પ્રયાસ કરેલ છે.

આ ફરીયાદ અન્‍વયે ભકિતનગર પોલીસે પકડાયેલ સમીર તથા મુખ્‍ય સુત્રધાર અરૂણકુમાર સામે આઇપીસી ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭ર તથા ૧ર૦ (બી) મુજબ ગુન્‍હો દાખલ કર્યો હતો. પકડાયેલ સમીરે પોલીસ પુછતાછમાં એવી કબુલાત આપી હતી કે, મુખ્‍ય સુત્રધાર અરૂણકુમાર કે જે હિન્‍દીભાષી છે તેને પોતે જોયે ઓળખે છે. અઠવાડીયા પુર્વે પાનની દુકાને અરૂણકુમાર ભેગો થતા પોતે ફાયનાન્‍સર હોવાની ઓળખ આપી તેની સાથે નોકરીમાં રાખ્‍યો હતો. તેણે જે અરજી આપી હતી તે બેંકમાં દેવા ગયો હતો. પોલીસે મુખ્‍ય સુત્રધાર અરૂણકુમારની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ ભકિતનગરના પીએસઆઇ એચ.એન. રાયજાદા ચલાવી રહયા છે. (૪.૧૨)

 

 

 

(4:41 pm IST)