Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કલેકટરનો મોટો નિર્ણય : હવે ઓકિસજન વગરની ખાનગી કોવિડ હોસ્પિટલને મંજુરી નહીં

અત્યાર સુધીમાં જેને અપાઇ છે તે ચાલુ રહેશે હવે પછી કોઇ ખાનગી કોવિડ ચાલુ થશે તો ઓકિસજન બેડ ફરજીયાત

રાજકોટ,તા. ૪: શહેરમાં કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને તાત્કાલિક ઓકિસજનની જરૂર પડતી હોય હવે પછી કોઇ પણ ખાનગી કોવિડ બેડની સુવિધા વગર મંજુરી નહીં આપવાનો મોટો નિર્ણય કલેકટર રેમ્યા મોહને કર્યો છે.

આ અંગે સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ શહેરમાં હવે પછી ઓકિસજનની સુવિધા વગરની હોસ્પિટલને મંજુરી નહીં અપાય. કેમ કે ઓકિસજન વગરની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓને ગમે  તે ઘડીએ ઓકિસજનની જરૂર પડે છે. ત્યારે જો હોસ્પિટલમાં ઓકિસજન બેડ ન હોય તો દર્દીનો જીવ જોખમમાં મુકાય છે.

આથી હવે પછી જે કોઇ ખાનગી કોવિડ હોસ્પિટલ શરૂ થશે ત્યાં ઓકિસજન બેડ હશે તો જ તેને મજુરી અપાશે.

નોંધનીય છે કે હાલમાં ૪૧ જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલો કાર્યરત છે.જેમાં ૮ થી ૧૦ જેટલી હોસ્પિટલોમાં ઓકિસજન બેડ નથી પરંતુ તે બંધ નહીં કરવામાં આવે કેમ કે તેના દર્દીઓ માટે ઇમરજન્સી ઓકિસજન સપ્લાયની વ્યવસ્થાઓ છે. પરંતુ હવે પછી ઓકિસજન વગરની ખાનગી કોવિડને મંજુરી નહીં અપાય તેવું ભારપૂર્વક કલેકટરશ્રીએ જાહેર કર્યું હતું.

(3:33 pm IST)