Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

મુંજકામાં વિશાલ વછરાજાની અને તેના પિતા ભરતભાઇ પર પડોશીઓ છરીથી તૂટી પડ્યા

બંને સારવારમાં: વિશાલને એક વર્ષ પહેલા પડોશી યુવતિ સાથે બોલવાના સંબંધ હોઇ તે અંગેનું મનદુઃખ કારણભુતઃ વાલજીભાઇ અને તેના પુત્રો સામે ગુનો દાખલ

રાજકોટ તા. ૪: મુંજકા સ્લમ કવાર્ટરમાં રહેતાં બ્રાહ્મણ યુવાન અને તેના પિતા પર સાંજે આઠેક વાગ્યે ઘર નજીક રહેતાં પરિવારે હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બ્રાહ્મણ યુવાનને એક વર્ષ પહેલા પડોશી યુવતિ સાથે બોલવાના સંબંધ હતાં. પરંતુ એ પછી બંનેએ બોલવાનું બંધ કરી દીધું હતું. હજુ પણ બંને વચ્ચે કંઇક છે એવી શંકા કરી યુવતિના ભાઇઓ અને પિતાએ હુમલો કર્યો હતો.

સ્લમ કવાર્ટરમાં રહેતાં કારખાનામાં મજૂરી કરતાં વિશાલ ભરતભાઇ વછરાજાની (ઉ.વ.૨૪)ને સાંજે ઘર પાસે હતો ત્યારે પડોશી વાલજીભાઇ અને તેના બે પુત્રો હિરેન તથા અર્જુને આવી ઝઘડો કરી છરીથી હુમલો કરી વાંસા-સાથળમાં ઇજા કરી દીધી હતી. દેકારો થતાં વિશાલના પિતા ભરતભાઇ શશીકાંતભાઇ વછરાજાની (ઉ.વ.૬૪) દિકરાને બચાવવા દોડી આવતાં તેને પણ છરીના ઘા ઝીંકી દેવાતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને રવિભાઇએ  યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

પીએસઆઇ એચ. જે. બરવાડીયા અને મેહુલસિંહે હોસ્પિટલે પહોંચી વિશાલની ફરિયાદ પરથી પડોશી વાલજીભાઇ અને તેના બે પુત્ર સામે આઇપીસી ૩૨૬ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી. વિશાલે પોલીસને કહ્યું હતું કે એક વર્ષ અગાઉ તેને પડોશી યુવતિ સાથે બોલવાના સંબંધ હતાં. પરંતુ ત્યારે જ પરિવારજનોને ખબર પડી જતાં બંનેએ બોલવાનું બંધ કરી દીધું હતું. આ બાબતનો ખાર રાખી યુવતિના પિતા-ભાઇઓએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓને પકડી લેવા તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)