Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ઓનલાઇન ફાર્મસી સામે ‘ગલીથી દિલ્લી' સુધી વેપારીઓ આંદોલન કરશેઃ જગન્‍નાથ શીંદે

કેમીસ્‍ટસ એસો.ના રાષ્‍ટ્રીય પ્રમુખની ગર્જના : સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-કેમીસ્‍ટસ-ડ્રગીસ્‍ટસ એસો. દ્વારા રાજકોટ ખાતે મહાસંમેલન યોજાયું: રાષ્‍ટ્રીય કક્ષાના હોદેદારો-સ્‍પીકર્સ હાજર રહ્યા : ‘ઓનલાઇન ફાર્મસી અને ઓફલાઇન હોલસેલ ચેઇન' હાલના સૌથી મોટા પડકારોઃ સ્‍વબળે સંગઠીત થઇને હોલસેલર્સ પોતાની ડીસ્‍ટ્રીબ્‍યુશન કંપની ઉભી કરેઃ વ્રજનાથ જાગોસ્‍ટે : ઓનલાઇન ફાર્મસી સામે સતત ત્રણ વર્ષ લડત આપવામાં આવે તો તેના ઉઠમણાં થઇ જાયઃ મયૂરસિંહ જાડેજા અને અનિમેષ દેસાઇ : ફાર્મા એકઝીબીશન તથા ડીરેકટરી-મોબાઇલ એપ લોન્‍ચીંગ પણ યોજાયું

તસ્‍વીરમાં એઆઇઓસીડીના પ્રમુખ જે. એસ. શીંદેનું સ્‍વાગત કરતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસો.ના પ્રમુખ મયૂરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષભાઇ દેસાઇ નજરે પડે છે. સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાંથી મોટી સંખ્‍યામાં હાજર રહેલ દવાના વેપારીઓ, ડીરેકટરીનું વિમોચન કરતા મહાનુભાવો અને માર્ગદર્શન આપતા જે. એસ. શીંદે તથા જસવંતભાઇ પટેલ નજરે પડે છે.

રાજકોટ,તા. ૪ : સમગ્ર દેશમાં હાલમાં ઓનલાઇન ફાર્મસીનો પ્રભાવ વધતો જાય છે. ત્‍યારે દેશમાં અંદાજે સાડા પાંચ લાખ દવાના ધંધાર્થીઓ (રીટેલર્સ-હોલસેલર્સ)ના સંગઠન ઓલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટ્‍સ (એઆઇઓસીડી)ના રાષ્‍ટ્રીય પ્રમુખ શ્રી જગન્‍નાથ શીંદેએ રાજકોટ ખાતે ગર્જના કરતા જણાવ્‍યુ હતું. ઓનલાઇન ફાર્મસી સામે ‘ગલીથી દિલ્‍હી'સુધી દવાના વેપારીઓનું આંદોલન સતત ચાલુ રહેશે. સાથે-સાથે ઓનલાઇન ફાર્મસી, ઓફલાઇન ફાર્મસી અને ઓફલાઇન હોલસેલ ચેઇન પણ દવાનો વેપારીઓ સામે સૌથી મોટા પડકારો છે જેઓ કરોડોના બિઝનેસ ખેંચી જાય છે. નેટમેડ, ફાર્મઇઝી, વનએમજી, ફલીપ- કાર્ડ વિગેરે ગણી શકાય.

એઆઇઓસીડી દ્વારા ઓનલાઇન ફાર્મસી સામે કોર્ટમાં પણ લડત ચાલી રહી હોવાનું જે.એસ.શીંદેએ જણાવ્‍યું હતું. ઓનલાઇન ફાર્મસીને લડત આપવા માટે ઓર્ગેનાઇઝડ ડીસ્‍ટ્રીબ્‍યુશન સિસ્‍ટમ (અમુક હોલસેલર્સ સાથે મળીને કંપની શરૂ કરે) ઉપર પર ભાર આપવામાં આવ્‍યો હતો. સ્‍વબળે સંગઠીત થઇને આવી ડીસ્‍ટ્રીબ્‍યુશન કંપનીઓ કઇ રીતે ઉભી કરવી ? તેનું બંધારણ શું હોવું જોઇએ ? વિગેરે ઉપયોગી ટેકિનકલ માહિતી એઆઇઓસીડીના વેસ્‍ટ ઝોનના જોઇન્‍ટ સેક્રેટરી વ્રજનાથ જાગોસ્‍ટેએ આપી હતી.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ તેજાબી પ્રવચનમાં જણાવ્‍યુ હતું કે ઓનલાઇન ફાર્મસી સામે સતત ત્રણ વર્ષ સુધી જાગૃત થઇને જુસ્‍સા સાથે જો સંગઠિત થઇને લડત આપવામાં આવે તો ઓનલાઇન ફાર્મસીના ઉઠમણાં થતા વાર ન લાગે, બદલતા સમયમાં દવાના વેપારીઓ માટે આગામી ત્રણ વર્ષ ખૂબ મહત્‍વના હોવાનું જણાવ્‍યુ હતું. સંમેલનમાં સ્‍વાગત પ્રવચન સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટ્‍સ એસો.ના મંત્રી અનિમેષભાઇ દેસાઇએ કયું હતુ અને દવાના વેપાર સંદર્ભ પીપીટી દ્વારા વિસ્‍તૃત અને ઉપયોગી પ્રેઝન્‍ટેશન પણ કર્યું હતું. અનિમેષભાઇ દેસાઇના પીપીટીને સમગ્ર ભારતમાં ઉપયોગમાં લેવાનાર હોવાનું જગન્‍નાથ શીંદેએ જણાવ્‍યુ હતું. ફેડરેશન ઓફ ગુજરાત સ્‍ટેટ કેમીસ્‍ટસ  એન્‍ડ ડ્રગીસ્‍ટ્‍સ એસો.ના પ્રમુખશ્રી જસવંતભાઇ પટેલ અને મંત્રીશ્રી કિરીટભાઇ પલાણે પણ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટ્‍સ એસો. દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ દવાના વેપારીઓના સંમેલનમાં વિવિધ શહેરોમાંથી ૧૧૦૦ જેટલા ડેલીગેટ્‍સ હાજર રહયા હતા. ઉપસ્‍થિત મહાનુભાવોના વરદ્‌ હસ્‍તે સૌરાષ્‍ટ્ર કચ્‍છના તમામા ૩૩૦૦ જેટલા સભ્‍યોનો ડેટા, સૌરાષ્‍ટ્ર- કચ્‍છમાં ઉપયોગમાં આવતી મોટાભાગની પ્રોડકટસની કન્‍ટેઇન્‍સ, નામ, એમઆરપી, સ્‍ટોકીસ્‍ટસ સહીતની વિસ્‍તૃત માહિતી સાથે ડીરેકટરી અને ઓનલાઇન-મોબાઇલ પોકેટ એપ્‍લીકેશનનું પણ વિમોચન કરવામાં આવ્‍યુ હતું. ઓફલાઇન મોડમાં પણ વિસ્‍તૃત માહિતી સાથેની બુક આપવામાં આવી હતી.

હાલમાં સમગ્ર દેશમાં જેનરીક દવાઓનું ચલણ સતત વધી રહ્યુ છે. ત્‍યારે લેટેસ્‍ટ જેનરીક પ્રોડકટસ, સર્જીકલ અને ઓટીસી પ્રોડકટસ પણ વિવિધ કંપનીઓના સ્‍ટોલ્‍સ દ્વારા ફાર્મા એકઝીબીશનમાં મુકવામાં આવી હતી કે જેથી વેપારીઓ માહિતગાર થઇ શકે. સંમેલનની સફળતા બદલ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટ્‍સ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષભાઇ દેસાઇએ અંતમાં સૌનો આભાર માન્‍યો હતો. (૫.)

ઓનલાઇન ફાર્મસીને કારણે યુવાનો નશાકારક દવાઓ વધુ લેવા માંડયા

ઓનલાઇન ફાર્મસીને કારણે મહાનુભાવોએ કહ્યું હતું કે સરકારના નિયમ મુજબ નાર્કોટીક ડ્રગ અને રીસ્‍ટ્રીકટેડ ડ્રગ કહી શકાય તેવી દવાઓ પણ ઘણાં કિસ્‍સામાં ડોકટર્સના જુના પ્રિસ્‍ક્રીપ્‍શન ઉપર વારંવાર મેળવી શકાય છે. તેવા કિસ્‍સાઓ પણ ધ્‍યાનમાં આવ્‍યા છે. જેને કારણે ઘણાં યુવાનો સહેલાઇથી નશીલી દવાઓનો સંગ્રહ કરીને નશો કરવા માંડતા હોવાનું સામે આવ્‍યું છે. ઘણાં કિસ્‍સામાં તો ગર્ભપાતની દવાઓ પણ ઓનલાઇન મળી રહેતી હોવાનું સાંભળવા મળે છે.

(10:54 am IST)