Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ગોડાઉનમાંથી મળેલા રેશનીંગના ઘઉ-ચોખા મેંદરડાની વેદ ટ્રેડિંગ અને ફેરીયાઓ પાસેથી લીધાનું અલ્‍તાફનું કથન

કોઠારીયા રોડ પરસાણા સોસાયટીમાં ગત ૨૮મીએ પુરઠા તંત્રએ દરોડો પાડી ૫.૧૧ લાખનો જથ્‍થો પકડયો હતો : ઘઉ-ચોખાના નમુના લઇ ગાંધીનગર મોકલાયા હોઇ ફૂડ રિસર્ચ લેબનો રિપોર્ટ આવતાં મામલતદાર કે.એલ. ચાવડાની ફરિયાદ પરથી ગોડાઉન સંચાલક અલ્‍તાફ ચોૈહાણ સહિતના વિરૂધ્‍ધ ભક્‍તિનગર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો

રાજકોટ તા. ૪: શહેરના કોઠારીયા રોડ પરના ૫૦ ફુટ રોડના છેડે પરસાણા સોસાયટી-૮માં બંધ શેરીમાં આવેલા ગોડાઉનમાંથી રેશનીંગના ઘઉ, ચોખાનો રૂા. ૫,૧૧,૦૦૦નો જથ્‍થો મળી આવતાં આ મામલે મામલતદારે ગોડાઉન સંચાલક તપાસમાં ખુલે તેની સામે આવશ્‍યક ચીજવસ્‍તુ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં ગોડાઉન સંચાલકે પોતે આ ઘઉં ચોખાનો જથ્‍થો મેંદરડાના વેદ ટ્રેડીંગમાંથી અને રિક્ષાઓ મારફત ફેરી કરતાં ફેરીયાઓ પાસેથી લાવ્‍યાનું કબુલ્‍યું હતું. આ અનાજના નમુના લઇ ગાંધીનગર મોકલાયા હતાં. ફૂડ રીસર્ચ લેબોરેટરીના અભિપ્રાયમાં આ ઘઉ, ચોખા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા દ્વારા ગુજરાત સરકારને અપાયેલા એટલે કે રેશનીંગના હોવાનું ખુલતાં ગુનો દાખલ થયો છે.

આ બારામાં ભક્‍તિનગર પોલીસે મામલતદાર પૂર્વ વિભાગ અને એક્‍ઝીક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ કેતનભાઇ લાખાભાઇ ચાવડા (ઉ.૪૧)ની ફરિયાદ પરથી ગોડાઉન સંચાલક મહેશ્વરી સોસાયટી-૨ભવાની ચોકમાં રહેતાં અલ્‍તાફ ગફારભાઇ ચોૈહાણ અને તપાસમાં ખુલે તેના વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ આરંભી છે. મામલતદાર કેતનભાઇ ચાવડાએ એફઆઇઆરમાં જણાવ્‍યું છે કે તા. ૨૮/૬ના રોજ પરસાણાનગર-૮ સુતા હનુમાનવાળી શેરીમાં અલ્‍તાફ ચોૈહાણના ગોડાઉનમાં ઘઉં ચોખાનો જથ્‍થો પડયો છે તેવી માહિતી મળતાં જીલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણ, નાયબ જીલ્લા પુરવઠા મેનેજર પ્રકાશભાઇ સખીયા, પુરવઠા નિરીક્ષક કિરીટસિંહ ઝાલા, અમિતભાઇ પરમાર, નાયબ મામલતદાર પુરવઠા વિભાગ રાજેન્‍દ્રભાઇ રાઠોડ, હેડક્‍લાર્ક નિલેષભાઇ ધ્રુવ સહિતના ત્‍યાં પહોંચ્‍યા હતાં અને રેડ કરી હતી.

આ કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી ઘઉના ૧૭૨ કટ્ટા  ૫૦ કિલોના ૮૬૦૦ કિ.ગ્રા તથા ચોખાના ૪૫ કટ્ટા ૫૦ કિલોના કુલ વજન ૨૨૮૦૦ કિ.ગ્રા. મળી આવ્‍યા હતાં. આ જથ્‍થો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા દ્વારા ગુજરાત સરકારને પુરો પાડવામાં આવ્‍યો હતો એ જ ઘઉ અને ચોખાનો જથ્‍થો હોવાનું જણાઇ આવ્‍યું હતું. જેથી કુલ ૧,૪૬,૨૦૦ના ઘઉં અને ૩,૬૪,૮૦૦ના ચોખા મળી રૂા. ૫,૧૧,૦૦૦નો પુરવઠો જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સીઝ કરાયો હતો.

ગોડાઉન માલિક અલ્‍તાફની પ્રાથમિક પુછતાછ થતાં તેણે આ જથ્‍થો મેંદરડાના વેદ ટ્રેડિંગમાંથી તથા શહેર અને તાલુકામાં રિક્ષા, છકડા જેવા વાહનોમાં ફેરી કરતાં ફેરીયાઓ પાસેથી મેળવ્‍યાનું કબુલ્‍યું હતું. તેમજ આ ઘઉ, ચોખાના કોઇ બીલ તેણે રજુ કર્યા નહોતાં. સીઝ કરેલો જથ્‍થો જંકશન પ્‍લોટના સરકારી ગોડાઉનમા઼ રાખી તેમાંથી નમુના મેળવી ગાંધીનગર કચેરીમાં મોકલવામાં આવ્‍યા હતાં. ત્‍યારબાદ ફૂડ રીસર્ચ લેબોરેટરી તરફથી પૃથક્કરણ અભિપ્રયામાં આ જથ્‍થો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા દ્વારા ગુજરાત સરકારને અપાયેલો જથ્‍થો જ  હોવાનું જણાવાયું હતું.

આ અભિપ્રાયને આધારે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં એએસઆઇ એચ. એસ. દાફડા, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

(12:11 pm IST)