Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રૂા. ૪૦ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરીયાદ : આરોપીને હાજર થવા સમન્‍સ

રાજકોટ,તા. ૪ : રૂા. ૪૦ લાખનો ચેક રીટર્ન થતાં મુંબઇના મિત્ર સામે મિત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના મવડી કણકોટ રોડ ઉપર આવેલ શ્‍યામલ ઉપવન એપાર્ટમેન્‍ટમાં રહેતા છગનભાઇ મોહનભાઇ ગમઢાએ દોઢ વર્ષ પહેલા તેમના મિત્ર અને ઓળખીતા અને મુંબઇ મુકામે રહેતા હિતેશ ગીરીશભાઇ બંગાળી રહે. ફલેટ નં. ૧૭૦૨ અનંત છાંયા એપાર્ટમેન્‍ટ, આર.બી.મહેતા માર્ગ, વિક્રાંત સર્કલ પાસે, ઘાટકોપર ઇસ્‍ટ, મુંબઇ વાળાને મિત્રતા અને ઓળખાણના નાતે ઉછીના પેટે રોકડા રૂા. ૪૦,૦૦,૦૦૦. મદદ માટે આપેલા હતા જે રકમ છગનભાઇ ગમઢાએ પરત માંગતા હિતેશ ગીરીશભાઇ બંગાળીએ તેમના ખાતા વાળી એ.યુ.સ્‍મોલ ફાયનાન્‍સ બેંક લી, સુરત બ્રાંચનો ચેક આપેલ હતો. જે ચેક ફરીયાદીએ તેમની સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેંક, મવડી રોડ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતાં સદરહું ચેક અપુરતા ભંડોળને કારણે બિન ચુકતે પરત ફરેલ છે.

આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતાં આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતાં આ કામના મુંબઇના આરોપીએ કોઇ જવાબ આપેલો નહીં તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી.ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રાજકોટની સ્‍પેશ્‍યલ નેગોશીયેબલ કોર્ટમાં મુંબઇના આરોપી સામે કેસ દાખલ  કરતાં આરોપી હિતેશ ગીરીશભાઇ બંગાળીને સમન્‍સ ઇસ્‍યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(3:38 pm IST)