Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાજકોટ: શાપરમાં શ્રમિક પરિવારની 4 વર્ષની બાળકી ઉપર તેના જ પાડોશી 15 વર્ષના સગીરે દુષ્કર્મ આચર્યું: બાળકીને ટીવી જોવાના બહાને તેની ઓરડીમાં બોલાવી સગીર આરોપીએ બાળકીને હવસનો શિકાર બનાવી

4 વર્ષની આ બાળકી રોતી રહી અને સગીરે તેની હવસ સંતોષી બાળકીને તેના ઘરે મૂકીને ફરાર થઈ ગયો

રાજકોટ: રાજકોટમાં શાપરમાં શ્રમિક પરિવારની 4 વર્ષની બાળકી ઉપર તેના જ પાડોશી 15 વર્ષના સગીરે દુષ્કર્મ આચર્યું છે. માતા-પિતા કારખાનામાં મજૂરી કામે ગયા હતા ત્યારે બાળકીને ટીવી જોવાના બહાને તેની ઓરડીમાં બોલાવી સગીર આરોપીએ બાળકીને હવસનો શિકાર બનાવી હતી. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી સગીરને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમા આવેલ કારખાના વિસ્તારમા મજૂરી કામ કરતા એક પરપ્રાંતીય પરિવારની 4 વર્ષની માસુમ બાળકી પર સગીર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. આ માસુમનાં માતાપિતા મજૂરી કામ માટે શાપરના એક કારખાનામાં ગયા હતા. દરમિયાન નજીકમાં જ રહેતા સગીર વયના આરોપીએ બાળકીને કારખાનાની અંદર આવેલી એક ઓરડીમાં ટીવી જોવાના બહાને બોલાવી હતી. જ્યાં સગીરે ટીવી જોઇ રહેલી માસુમને હવસનો શિકાર બનાવી હતી. 4 વર્ષની આ બાળકી રોતી રહી હતી. અને સગીરે તેની હવસ સંતોષી બાળકીને તેના ઘરે મૂકીને ફરાર થઈ ગયો હતો.
બાદમાં માતા-પિતા ઘરે આવતા બાળકીએ રડતા રડતા આ હકીકત જણાવતા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. જો કે બનાવને પગલે માસૂમને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પોલીસ પણ દોડી આવી હતી. બાળકીના પિતાએ માંગ કરી છે કે, 'આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. જેથી કરી અન્ય કોઈ આ રીતે માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર કરતા પહેલા વિચાર કરે.' હાલ શાપર પોલીસે સગીર આરોપીની અટકાયત કરી છે. અને તેનો મેડિકલ ચેકઅપ કરાવવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે.

(5:04 pm IST)