Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ગુજરાતની નારી અસુરક્ષિત - પીડિત અને શોષિત : અમિત ચાવડા

નારી સુરક્ષાના નામે રાજકિય તાયફાઓ કરનારાને ખુલ્લા પાડતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ : રાજકોટમાં જ છાસવારે મહિલાઓની હત્યા - છેડતી - બળાત્કારના બનાવો બને છે છતાં ભાજપ સરકાર સબ સલામતના જુઠ્ઠાણા ફેલાવે છે : સરકારની સહાયના નામે અબળાઓને ધક્કા ખવડાવી માનસિક - શારીરિક ત્રાસ અપાઇ રહ્યો છે : હવે હદ થઇ જનતા જાગે : અશોક ડાંગરનો આક્રોશ : જામનગરમાં મેડીકલ ક્ષેત્રે નોકરીની લાલચ આપી દિકરી ઉપર બળાત્કાર થયો ત્યારે 'સરકાર કયાં હતી ?'

કોંગ્રેસ પ્રજા સાથે અડિખમ ઉભી છે : 'સુશાસન સપ્તાહ'ના ઉત્સવો યોજી ગુજરાતની પ્રજાને ગુમરાહ કરતી હોવા બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી અને ભાજપ સરકારની નબળાઇને કારણે પ્રજા જે મુશ્કેલી સહન કરી રહી છે તેનો પર્દાફાશ કર્યો હતો તે વખતની તસ્વીરમાં અમિતભાઇ ચાવડા સાથે શહેર પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, પ્રદેશ અગ્રણી ડો. હેમાંગ વસાવડા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, અર્જુનભાઇ ખાટરિયા, જશવંતસિંહ ભટ્ટી, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા, અતુલ રાજાણી, પ્રવિણસિંહ રાઠોડ, અશોકસિંહ વાઘેલા વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)

રાજકોટ તા. ૩ : આજે રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ શહેર કોંગ્રેસ દ્વારા લીમડા ચોકની હોટલ જયસન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલ 'સુશાસન સપ્તાહ' રાજકિય તાયફાઓ સમાન ગણાવી અને હકીકતમાં ગુજરાતની નારી આ સરકારના શાસનમાં અસુરક્ષિત - પીડિત અને શોષિત હોવાના આક્ષેપો દાખલા દલીલો સાથે કર્યા હતા અને 'નારી સુરક્ષાના નામે' પ્રજાને ભોળવવાના આ રાજકિય ખેલને ખુલ્લો પાડવા વિપક્ષ આવા પ્રજાહિતના મુદ્દે સતત લડત આપશે તેમ જાહેર કર્યું હતું.

આ તકે શ્રી અમિતભાઇ ચાવડાએ ગુજરાત સરકાર પર આક્ષેપોની ઝડી વરસાવતા જણાવેલ કે, ગુજરાતમાં મહિલાઓ ઉપર હુમલા, બળાત્કાર અને મહિલાઓની હત્યાના બનાવો વધ્યા છે.  દિકરીઓને નોકરીની લાલચ આપીને બળાત્કાર કરાયાની ઘટનાઓ નોંધાઇ રહી છે. મહિલાઓને અપાતી વિવિધ સહાયની જાહેરાતો માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપો સાથે પ્રદેશ પ્રમુખે જાહેર કર્યું હતું કે, સરકારની યોજનાઓની લોન, આર્થિક સહાય મેળવવા માટે બહેનોને સરકારી કચેરીના ધક્કાઓ થઇ રહ્યા છે. સરકારી બાબુઓના તોછડા વર્તન જેવા માનસિક - શારિરીક ત્રાસનોભોગ બહેનો થઇ રહી છે. 

આ બધુ જ ગુજરાતની બહેનો મુંગા મોઢે સહન કરી રહી છે છતાં રાજકિય ઉત્સવોમાં વ્યસ્ત રહેતી આ સરકારને બહેનોની પીડા દુર કરવામાં જરા પણ રસ નથી અને આવા મહામારીના કપરા સમયમાં પણ સ્વપ્રસિધ્ધી માટે રાજકિય તાયફાઓ યોજી પ્રજાને ગુમરાહ કરી રહેલ છે તેમ પ્રદેશ પ્રમુખે આ તકે જણાવેલ.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરે આ તકે આક્રોશ વ્યકત કરતા જણાવેલ કે, રાજકોટ - જામનગર જેવા સૌરાષ્ટ્રના શહેરોમાં બહેનો પર બળાત્કાર, લુંટ, હત્યાના બનાવો બન્યા છે.

રાજકોટના કરણપરા વિસ્તારમાં તાજેતરમાં જ એક બહેનને પોલીસે માર માર્યાની ઘટના બની હતી. તેવી જ રીતે એક સપ્તાહ પહેલા જ ધોળા દિવસે ઘરમાં ઘુસીને સરાજાહેર મહિલાીન હત્યા થઇ. જામનગરમાં મેડીકલ ક્ષેત્રે નોકરીની લાલચમાં એક દિકરી ઉપર બળાત્કારની ઘટનાથી ચકચાર મચી હતી. આવા અનેક બનાવો સૌરાષ્ટ્રના નગરોમાં બન્યા છે છતાં આ સરકાર 'સબ સલામત' હોવાના જુઠ્ઠાણાઓ ફેલાવીને લોકોને ગુમરાહ કરી રહી છે ત્યારે હવે લોકોને જાગૃત કરવા વિપક્ષ પ્રજાના આવા મુદ્દે લડત આપી ભાજપ સરકારના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરતી રહેશે. તેમ અંતમાં અશોક ડાંગરે આ તકે જણાવેલ.

કોરોનાથી રાજ્યમાં ૨ લાખ મોત છતાં સરકારે આંકડાઓ છુપાવી પ્રજાને ભરમાવી

ઓકસીજન વગર તડપીને લોકો મર્યા છતાં રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર ધૃતરાષ્ટ્ર નીતિથી કામ કરે છે : ચાવડાના આક્ષેપો

રાજકોટ : કોરોનામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ લગાવતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એવરેજ એક ગામમાં કોરોનાથી ૧૦ મોત નિપજયા છે. તમામ ગામ,શહેરોના આંકડા મેળવીએ તો ૨ લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાથી મોત થયા તેના કરતા વધુ લોકોના મોત સરકારની વ્યવસ્થા, અણઆવડત, વિચિત્ર નીતિઓથી થયા છે. લોકોને ઓકિસજન, બેડ અને ઇન્જેકશન નહીં મળવાના લીધે જીવ ગુમાવવો પડ્યો હોવાના અનેક દાખલાઓ સામે આવી ચુકયા છે. ગુજરાતનું કોઈ ગામ કે શહેર એવું નહોતું કે જયાં ઓકિસજન તેમજ બેડ માટે લાઇન ન હોય, છતાં સરકાર ખોટું બોલે છે. કેન્દ્ર સરકારના રિમોટ કંટ્રોલ અને ધૂતરાષ્ટ્ર નીતિથી કામ કરતી આ સરકારને મોત અને પ્રજાની પીડા દેખાતી ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીને ષડયંત્ર રચી હટાવનારાઓના મોઢે નારી શકિતની વાત નથી શોભતી : અમિત ચાવડાના આકરા પ્રહારો

મહિલા પોલીસ સ્ટેશનની સંખ્યા વધારો : ખાસ મહિલા અદાલતની જરૂર : શાસકો નલિયાકાંડ - હોસ્પિટલમાં યૌન શોષણ જેવી ઘટનાઓમાં કંઇ કરી શકયા નથી તેની પાસે નારી સન્માનની શું અપેક્ષા રાખવી : ગુજરાતમાં લિંગ ભેદને કારણે વર્ષે ૯ હજારથી વધુ બાળકીઓની હત્યા થઇ રહી છે

રાજકોટ : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે અહીં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલી નારી દિવસની ઉજવણી મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. અને કહ્યું હતું કે, રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રીને ષડયંત્ર કરી હટાવનાર આ શાસકો નારી શકિતની વાતો કરે છે ! મહિલાઓને સાચા અર્થમાં ઝડપથી ન્યાય મળે તે માટે મહિલા પોલીસ મથકની સંખ્યા વધારવાની સલાહ પણ આપી હતી અને ખાસ મહિલા અદાલત બનાવવા જણાવેલ.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં ખૂબ ખરાબ સમય ચાલી રહ્યો છે. મોંઘવારી,ભ્રષ્ટાચાર સહિતની બાબતથી પ્રજા હેરાન છે. જેના માટે રાજય સરકાર જવાબદાર છે. પણ ભાજપ દ્વારા સરકારની નિષ્ફળતા છુપાવવા માટે સફળતાનાં નામે ઉજવણી કરવામાં આવી રહી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં બેટી બચાવોની વાત વચ્ચે જેન્ડર રેશિયો વધ્યો છે. રાજયમાં દિવસેને દિવસે રેપ-છેડતીના બનાવો વધે છે અને સરકાર નારી સન્માનની વાત કરે છે. લિંગ ભેદના કારણે ગુજરાતમાં દર વર્ષે ૯ હજારથી વધુ બાળકીઓની હત્યા થાય છે. જે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જ મહિલા યૌન શોષણ બાબતે મજાક કરી રહ્યા છે, તે સરકાર નારી સન્માનની વાત કરે છે. ગુજરાતમાં ૪૦ ટકાથી વધુ મહિલાઓ કુપોષણનો ભોગ બનતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

(3:09 pm IST)