Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ઓરકેસ્ટ્રામાં કામ કરતા કાસમ ઢોલીએ ગાયીકા યુવતિની જિંદગીનો સૂરતાલ ગોટે ચડાવ્યોઃ સગાઇ તોડાવવા ઘાંઘો થયો

પોતાની સાથે ધરાર સંબંધ રાખવાનું કહી મરી જવાની ધમકી દીધીઃ એક સગાઇ અગાઉ તોડાવી, હવે બીજી સગાઇ જ્યાં નક્કી થઇ એ યુવાનને બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી મેસેજ કરી યુવતિનો પરિવાર ખરાબ છે તેવું કહી અભદ્ર મેસેજ પણ મોકલ્યા : જાખખંભાળીયાના ઢોલીડાએ ધરાર સંબંધ રાખવા માટે ખુબ ઢોલ પીટ્યો...યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાયદાના તાલે રંગ્યો : ત્રણ વર્ષ પહેલા કાસમ પોતાની જ્ઞાતિમાં પરણી ગયો, પિતા બની ગયો જેથી ગાયીકાએ સંબંધ રાખવાની ના પાડીઃ પણ કાસમ જીદે ચડ્યો...અંતે લોકઅપમાં પહોંચ્યો

રાજકોટ તા. ૪ : શહેરમાં રહેતી અને ગાયીકા તરીકે કામ કરતી યુવતિને અગાઉ ઓરકેસ્ટ્રામાં ઢોલ વગાગડવાનું કામ કરતાં જામખંભાળીયાના શખ્સે પોતાના લગ્ન થઇ ગયા હોવા છતાં પોતાની સાથે ધરાર સંબંધ રાખવાનું કહી જો સંબંધ નહિ રાખે તો પોતે મરી જશે તેવી ધમકી ઉચ્ચારી તેમજ ગાયીકાની એક સગાઇ પણ તોડાવી નાંખી અને હવે બીજી સગાઇ નક્કી થઇ હોઇ એ યુવાનને પણ બોગસ ઇન્સ્ટાગ્રામ આઇડીમાંથી ખરાબ મેસેજ કરી હેરાન કરવાનું ચાલુ કરતાં ઢોલી સામે પોલીસે ગુનો નોંધી કાયદાનો તાલ સમજાવ્યો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે અગાઉ ઓરકેસ્ટ્રામાં સિંગર (ગાયીકા) તરીકે કામ કરતી યુવતિની ફરિયાદ પરથી દેવભૂમિ દ્વારકા તાબેના જામખંભાળીયામાં રહેતાં પરિણીત શખ્સ કાસમ ઇકબાલભાઇ ખુંભીયા (ઉ.વ.૨૯) સામે આઇપીસી ૩૫૪-ડી, એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું છુટક સિંગર તરીકે કામ કરુ છું. પાંચેક વર્ષ પહેલા હું ઓરકેસ્ટ્રામાં ગીતો ગાવા જતી હતી ત્યારે તેમાં ઢોલી તરીકે સાથે કામ કરતાં કાસમ ખુંભીયા સાથે ઓળખાણ થઇ હતી. કાસમના ત્રણેક વર્ષ પહેલા તેની જ્ઞાતિમાં લગ્ન થઇ ગયા છે. તેને એક દિકરો પણ છે. તેના લગ્ન થઇ ગયા પછી મેં તેને કહેલું કે હવે મારે તારી સાથે સંબંધ રાખવો નથી. પણ કાસમે પોતે મરી જશે એવી ધમકીઓ આપી ધરાર સંબંધ રાખવા કહ્યું હતું. હું ના પાડતી હતી છતાં તે મને વારંવાર ફોન કરતો હતો અને ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપથી મેસેજ પણ કરતો હતો.

સાડા ત્રણેક મહિના પહેલા કાસમ ઢોલી મારા ઘરે આવ્યો ત્યારે મારા માતા પણ હાજર હતાં. ત્યારે કાસમે મારા માતાને કહેલું કે હું અને તમારી દિકરી એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા છે. જેથી મારા મમ્મીએ તેને કહેલુ કે તારા લગ્ન થઇ ગયા હોઇ હવે તારી સાથે મારી દિકરીના લગ્ન થઇ શકે નહિ. તેને સમજાવતાં તે જતો રહ્યો હતો. એ પછી મારા માતાએ મારો ફોન લઇ લીધો હતો. જેથી કાસમ ઢોલી મારા મમ્મીના ફોનમાં મેસેજ કરી મને મળવાનું કહેતો હતો.

મારા મમ્મીએ તેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. છતાં તેણે ફોન કરી કહેલું કે એક વખત મુલાકાત કરાવો. જેથી મારા માતાએ માધાપર ચોકડીએ કાસમ ઢોલી સાથે મુલાકાત કરી હતી અને મને ભુલી જવા સમજાવ્યો હતો. છતાં તે એકવાર મળવાની જીદ કરતો હોઇ હું પણ તેને માધાપર ચોકડીએ મળી હતી અને હવે બધુ ભુલી જવા સમજાવ્યો હતો.

પરંતુ કાસમે હું તેને નહિ ભુલુ અને તારા લગ્ન બીજે કયાંય થવા નહિ દઉં તેવી ધમકી આપી હતી અને જતો રહ્યો હતો. એ પછી મારી સગાઇ નક્કી થઇ ગઇ હતી. પરંતુ કાસમે બીજાના ઇન્સ્ટાગ્રામ આઇડીમાંથી મારી જેની સાથે સગાઇ નક્કી થઇ હતી એ યુવાનને મેસેજ કરી તારી સગાઇ જેની સાથે નક્કી થઇ છે એનો પરિવાર સારો નથી તેવા મેસેજ કર્યા હતાં. તેમજ બીજુ ખરાબ લખાણ પણ. કાસમે ઇન્સ્ટાગ્રામમાં પ્રિયા પટેલના નામે બોગસ આઇડી ઉભુ કરી તેમાંથી આ મેસેજ મોકલ્યો હતો.

એ પછી કાસમે મારા ભાભીને વ્હોટ્સએપમાં ધમકી ભર્યો મેસેજ મોકલ્યો હતો. કાસમે દોઢ વર્ષ પહેલા મારી સગાઇ થઇ હતી એ પણ તોડાવી નાંખી હતી. હવે બીજી સગાઇ પણ તોડાવવા હેરાન કરતો હોઇ અભદ્ર ભાષામાં મેસેજ કરતો હોઇ કંટાળીને તેના વિરૂધ્ધ ફરિયાદ કરી છે. તેમ યુવતિએ જણાવતાં પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએઅસાઇ એ. બી. વોરા સહિતે ગુનો નોંધી કાસમ ઢોલીને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે.

(11:38 am IST)