Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

દશામાંના નામે ધુણવાના ઢોંગ કરનારાઓથી સાવધાન રહેજો : વિજ્ઞાન જાથાની અપીલ

રાજકોટ તા. ૪ : આપણા દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ માસની એકમથી દશમ સુધી દેવી દશામાંના વ્રત કરવામાં આવે છે. આ વર્ષે તા. ૯ ઓગષ્ટથી ૧૭ મી સુધી દશામાનું વ્રત થશે. દશામાના વ્રત ધાર્મિક અનુસરણ પ્રમાણે વિધિ-વિધાન સાથે થાય તો તેનો કદી પણ વિરોધ હોય શકે નહીં, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામાંના વ્રત દરમિયાન અમુક લેભાગુઓ, ભુવા ભારાડી, ભૂઇમાં, તકસાધુઓ, ચમત્કારીકો શ્રધ્ધાના માહોલમાં યુકિત પ્રયુકિત, ચમત્કારો કરી છેતરપીંડી કરે છે તેનો વર્ષોના અનુભવના આધાર ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ કરે છે. આ દિવસોમાં ધુણતી ઢોંગી ભુઇમાઓથી સાવધાન રહેવા જાથાએ અપીલ કરી છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યુ છે કે સોમવારથી દશામાંના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. દેશમાં શ્રધ્ધાપૂર્વક ઉત્સવ ઉજવવો એ સૌ નાગરિકનો અબાધિત અધિકાર છે. વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ ધ્યાને લઇ સ્થાપન કરે પૂર્ણાહુતિ સમયે ટોળા ભેગા ન કરવા એ સૌના હીતની વાત બની રહેશે. સાદગીથી પોત પોતાના ઘરોમાં જ ભાવપૂર્વક દશામાના વ્રતની ઉજવણી થાય તે જરૂરી છે. ૧૭ મી ઓગષ્ટના જાગરણના દિવસે મુર્તિના વિસર્જન સ્થળે પૂજન અર્ચન કરેલ દશામાંની મૂર્તિની અવદશા થતી જોવા મળે છે. ત્યારે આમાં ફેરફાર કરવો જરૂરી છે. પીવાના પાણીમાં કદી મૂર્તિ વિસર્જન ન કરવું જોઇએે. કોરોના સામેના નિયમોનું ચુસ્ત પાલન થવુ પણ જરૂરી છે. તમામ ધાર્મિક સ્થાનોની શકિત કોરોના કારણે ગાયબ થઇ ગઇ છે. ત્યારે માનવીએ તર્કને પ્રાધાન્ય આપી ભાવિ પેઢીને ખાતર અતિશ્રધ્ધાથી મુકત થવુ પડશે. તેમ જાથાના જયંત પંડયાએ જણાવેલ છે.

રાજયમાં રવિવારથી વ્રતની શરૂઆત થતી હોય રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, રાજપીપળા, હિંમતનગર, છોટાઉદેપુર, મોડાસા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લા તાલુકા મથકોએ વિજ્ઞાન જાથા દ્વારા કાર્યવાહક કમીટી બનાવવામાં અવી છે. તેને વડી કચેરી તપસ કરીને સ્થળ ઉપર ઢોંગીઓ પાસે મોકલવામાં આવશે. ધાર્મિક વ્રતમાં કોઇપણ પ્રકારનો જાથા વિક્ષેપ કરતું નથી, શ્રધ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવે છે. રાજયમાં દશામાના વ્રત દરમિયાન ધૂણીને ઢોંગ કરતી ભ્રામક પ્રચાર કરનારા વિષે માહીતી હોય તો મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જાથાના કાર્યાલય મંત્રી અંકલેશ ગોહીલની યાદીમાં જણાવાયુ છે.

(11:38 am IST)