Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

'વહાલુડીના વિવાહઃ પિતાની છત્રછાયા ગુમાવેલ દિકરીના લગ્નનો અવસરઃ ૩૧મી સુધી ફોર્મ વિતરણ

રાજકોટ, તા.૪: દેશ વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત દીકરાનુંઘર વૃદ્વાશ્રમ સતત ચોથા વર્ષે વહાલુડીના વિવાહ-૪ યોજવા જઇ રહી છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ ગરીબ પરીવારની ૨૨ દીકરીઓને સતત ચોથા વર્ષે પરણાવવાનો દીકરાનું ઘર દ્વારા સંકલ્પ કરાયો છે.

જેમાં ચાલુ સાલ કોરોનાની પરિસ્થિતિમાં જે દીકરીએ માતા-પિતા અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ હશે તેવી દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ઉપરાંત ગુજરાતનાં કોઇપણ ખૂણેથી દેશની રક્ષા કાજે શહિદ થયેલ જવાનની દીકરીને તેમની ઇચ્છા અને પરંપરા મુજબ પરણાવવાનો સંકલ્પ પણ કરાયો છે.

આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. ૨૦ જુલાઇથી ફોર્મ વિતરણ પણ શરૂ કરી દેવામાં આવેલ છે અને હજુ ૩૧ ઓગષ્ટ સુધી નિરાધાર દીકરીઓ માટે ૩૦૫, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપરથી સાંજે ૪ થી ૭ ફોર્મ મળી શકશે.

દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહમાં લગભગ તમામ સ્તરેથી વ્યાપક સમર્થન મળે છે. આ વહાલુડીના વિવાહમાં દીકરાનું ઘરના ટ્રસ્ટીઓ સર્વ શ્રી પ્રતાપભાઇ પટેલ, શિવલાલભાઇ આદ્રોજા, ડો.નિદત બારોટ, મૌલેશભાઇ ઉકાણી, વલ્લભભાઇ સતાણી સહિતના શહેર શ્રેષ્ઠીઓ માર્ગદર્શન પુરૂ પાડી રહયા છે. વહાલુડીના વિવાહમાં કરીયાવરરૂપી ભેટ અથવા અન્ય રીતે સહયોગી બનવા મુકેશ દોશી ૯૮૨૫૦૭૭૭૨૫, સુનીલ વોરા ૯૮૨૫૨ ૧૭૩૨૦, નલીન તન્ના ૯૮૨૫૭ ૬૫૦૫૫ અને અનુપમ દોશી ૯૪૨૮૨ ૩૩૭૯૬ના સંપર્ક કરવા અપીલ કરાઇ છે.

(3:09 pm IST)