Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ઘરફોડ, વાહન ચોરી અને જુગાર સહિતના ૧૭ ગુનામાં સામેલ રીઢો ચોર પ્રદીપ ઉર્ફે પદીયો પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે કોઠારીયા ચોકડી પાસેથી દબોચ્યોઃ દાગીના અને ચોરાઉ બાઇક સહિત પ૬ હજારની મત્તા કબજે

રાજકોટ તા. ૪ :.. શહેરના અલગ - અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી અને જૂગાર સહિતના ૧૭ ગુનામાં સામેલ રીઢા તસ્કરને ક્રાઇમ બ્રાંચની ટીમે કોઠારીયા ચોકડી રણુજા મંદિર પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ - અલગ વિસ્તારમાં ઘરફોડ તથા વાહનની થતી ચોરી અટકાવવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા, એ. એસ. આઇ. જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ, સ્નેહઇલભાઇ, તથા કુલદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે એએસઆઇ જયેશભાઇ, ચેતનસિંહ તથા કુલદીપસિંહને બાતમી મળતા કોઠારીયા ચોકડી, રણુજા મંદિર પાસેથી રીઢો તસ્કર પ્રદીપ ઉર્ફે પદીયો કાળુભાઇ પઢારીયા (ઉ.વ.ર૧) (રહે. ગુલાબનગર મફતીયાપરા) ને પકડી લઇ તલાસી લેતા તેની પાસેથી ચોરાઉ ચાંદીના સાંકળા, સોનાનો દાણો મળી આવતા તેની પુછપરછ કરતા તેણે થોડા સમય પહેલા તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ચોરી કર્યાની અને પોતાની પાસે રહેલુ જી.જે.-૩-ડીસી-૬૧૩૮ નંબરનું બાઇક પણ ચોરી કર્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરી હતી, પ્રદીપ ઉર્ફે પદીયો અગાઉ ૧૩ ઘરફોડ ચોરી, ત્રણ વાહન ચોરી અને એક જૂગારના મળી કુલ ૧૭ ગુનામાં પકડાઇ ચૂકયો છે. અને બે વખત પાસાની પણ હવા ખાઇ ચૂકયો છે. 

(4:02 pm IST)