Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મ.ન.પા. સરકારી કચેરીઓ-મોબાઈલ ટાવરના વેરા વસુલવામાં ઢિલી-ઢફ અને પ્રજાના આંગણે ધોકા પછાડે છે

રેલ્વે, ઈન્કમટેક્ષ, શહેર પોલીસ, જીએસટી, બીએસએનએલ, પીડબલ્યુડી જેવી સરકારી કચેરીઓ અને મોબાઈલ ટાવરોનો ૧૦૦ કરોડ જેટલો મિલ્કત વેરો બાકી અને શહેરના ૨.૭૫ લાખ મકાનધણીને માંગણા નોટીસો અપાઈ રહી છે

રાજકોટ, તા. ૪ :. મ.ન.પા. દ્વારા વેરા વસુલાત માટે ઝૂંબેશાત્મક કાર્યવાહી થાય છે. સામાન્ય નાગરીકોના નળ કનેકશન, મિલ્કત જપ્તી, હરરાજી સહિતની કાર્યવાહીઓ થાય છે તેની સામે સરકારી કચેરીઓ અને મોબાઈલ ટાવરના વેરાની વસુલાતમાં અસહ્ય ઢિલી નીતિ રાખવામાં આવી રહ્યાનું ફલીત થઈ રહ્યુ છે કેમ કે આજની તારીખે આ વેરાનું બાકી લેણુ ૧૦૦ કરોડ જેટલુ પહોંચ્યુ છે.

આ અંગે વેરા વસુલાત વિભાગમાંથી પ્રાપ્ત સત્તાવાર આંકડાઓ મુજબ રેલ્વે પાસે ૧૫ કરોડ, બીએસએનએલ પાસે ૧.૮૬ કરોડ, જીએસટી કચેરી પાસે ૩૪ લાખ, શહેર પોલીસ પાસે ૬.૧૦ કરોડ, ઈન્કમટેક્ષ પાસે ૨૪ લાખ અને પીડબલ્યુડી કચેરી પાસે ૬.૮ કરોડ જ્યારે મોબાઈલ ટાવરોનો ૩૫.૬૯ કરોડ આ બધુ મળી અંદાજે ૧૦૦ કરોડનું બાકી લેણુ છે. જે વસુલવા માટે તંત્ર દ્વારા કોઈ ખાસ ઝૂંબેશાત્મક કામગીરી થતી નથી.

અને બીજી તરફ શહેરના સામાન્ય નાગરીકોનો ૫ થી ૧૦ હજાર જેટલો મામૂલી રકમનો વેરો વસુલવા નળ કનેકશન કપાત, મિલ્કત જમીન, હરરાજી, મિલ્કત સીલ જેવી કામગીરી કરવામાં આવે છે. તંત્રની આ જપ્તી સામે લોકોમાં કચવાટ ફેલાયો છે.

કેમ કે મહામારી, લોકડાઉન, મોંઘવારી વગેરેથી પ્રજા ત્રસ્ત છે ત્યારે તંત્ર દ્વારા ૨.૭૫ લાખ મકાન ધારકોને માંગણા નોટીસો મોકલવા તજવીજ હાથ ધરી છે.

અત્રે એ ખાસ નોંધનીય છે કે, મોબાઈલ ટાવરનો વેરા દર પણ ઘટાડી દેવાયો છે છતા વેરો ભરવામાં આવતો નથી અને બીજી તરફ શહેરના ૨.૧૭ લાખ નાગરીકોએ પ્રમાણિકતાપૂર્વક ૧૨૨ કરોડનો વેરો આજ સુધીમાં ભરપાઈ કર્યો છે.

(4:06 pm IST)