Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પુરવઠાનું કેરોસીન હવે કંડલાને બદલે વડોદરા ડેપો પરથી આવશેઃ કેરોસીન ડીલરોમાં દેકારોઃ રજૂઆતો

પરીવહન ખર્ચ વધી જવાની રજૂઆતઃ પુરવઠાએ હાથ ઉંચા કર્યા...કહયું IOCને રજૂઆત કરો...

રાજકોટ તા. ૪ :.. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશને આ વખતથી રાજકોટ શહેર - જીલ્લા માટે ફાળવાતા પુરવઠાના કેરોસીનનું પરીવહન દુર કરી નાંખતા અને ફેરવી નાખતા રાજકોટના એક ડઝન કેરોસીન ડીલરો ઉગ્ર રજૂઆતો સાથે પુરવઠા કચેરીએ દોડી આવ્યા હતા, અને પરીવહન ખર્ચ વધી જવાની અને પડયા ઉપર પાટૂ સમાન આ નિર્ણય હોવાની ઉગ્ર રજૂઆતો કરી હતી.

અત્રે એ નોંધનીય છે કે ઓઇલ કંપની દ્વારા દર મહિને મોકલાતા કેરોસીનના ટાંકા કંડલાથી લીફટીંગ થઇ કંડલાથી ડાયરેકટ રાજકોટ આવતા, આ વખતથી વડોદરાથી હવે કેરોસીન આવશે તેવુ જાહેર કરાતા દેકારો મચી ગયો છે, કંડલા અહીંથી ર૦૦ થી રપ૦ કિ. મી. થાય ત્યારે વડોદરા રાજકોટથી ૩પ૦ કિ. મી. થી વધુ થતુ હોય આખો પરીવહન દર વધી જવાની કેરોસીન ડીલરોએ દહેશત વ્યકત કરી હતી.

દરમિયાન પુરવઠા તંત્રે આ બાબતે હાથ ઉંચા કરી દિધા છે, કેરોસીન ડીલરોને જણાવેલ કે આ પ્રશ્ન ગંભીર છે, પરંતુ કંપની અને ડીલરો વચ્ચેનો છે, ડીલરોએ આઇસીઓ કંપનીને રજૂઆતો કરવી જોઇએ, આમાં રાજયના પુરવઠા ખાતાનો કોઇ આદેશ નથી.

(4:09 pm IST)