Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સેન્ટ મેરિઝ સ્કૂલના ઉમેશ વાળાની રાજયના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

 રાજકોટઃ સેન્ટ મેરિઝ સ્કૂલના શિક્ષક ઉમેશભાઈ વાળાની રાજયના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૦ માટે પસંદગી થઈ છે.શિક્ષણ અને વિદ્યાર્થીઓને સમર્પિત ઉમેશભાઈની ગત વર્ષે પણ સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વહીલ્સ દ્વારા માધ્યમિક વિભાગમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ હતી.એ એવોર્ડ બદલ મળેલ રૂ.૨૦૦૦૦ની રકમ તથા આ વર્ષે રાજય સરકાર તરફથી પારિતોષિક રૂપે મળેલ રૂ.૫૦૦૦૦ તેમણે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વાપરવાનો નીર્ધાર વ્યકત કર્યો છે.તેમનું શિક્ષણ પ્રત્યેની સમર્પણ એટલું ગાઢ છે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમણે એક પણ રજા નથી લીધી.

 તેમની વિદ્વતાનો લાભ રાજય પાઠય પુસ્તક મંડળે પણ લીધો છે.ધો.૯ અને ૧૦ના સામાજિક વિજ્ઞાન વિષયની સમીક્ષા તેમણે લખી છે.ઉમેશભાઈએ શિક્ષણ ખરા અર્થમાં રસપ્રદ બની રહે એ માટે દ્રશ્ય અને શ્રાવ્ય મધ્યમોનો ઉપયોગ કરી એક નવો ચીલો પાડ્યો હતો. શ્રી વાળા દર વર્ષે ૧૫ દિવસ કચ્છના જોગડ ગામે રહી અગારીયાના બાળકોને શિક્ષણ આપે છે. રાજકોટના ઝૂંપડપટ્ટીના બાળકો પણ યોગ્ય શિક્ષણ મેળવે તે માટે તેઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉમેશભાઈ ખૂબ સારા ઉદદ્યોષક છે અને રાજકોટ આકાશવાણી તથા દુરદર્શનકેન્દ્ર સાથે સંકળાયેલા છે. દર વર્ષે પરીક્ષા ઉપર પરીક્ષાનો ભય દૂર કરવા માટે તેમના દ્વારા યોજાતા 'એન્જોય એકઝામ' અને 'કોશીશ કરને વાલો કી કભી હાર નહીં હોતી' સેમિનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરક બની રહ્યા છે.દૂરદર્શન કેન્દ્રના માધ્યમથી તેઓ ગુજરાત ઇકોલોજીકલ કમિશન દ્વારા આયોજીત  'પરિસરના પગથારે' કાર્યક્રમ સાથે પણ જોડાયેલા છે.બહુમુખી પ્રતિભા ધરાવતા આદર્શ શિક્ષક ઉમેશ વાળા ને રાજયનો આ ગૌરવવંતો પારિતોષિક એનાયત થતાં તેમની ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(11:28 am IST)