Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

શ્રીજી પાર્કમાં યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ ૬૨ હજારના દારૂ સાથે પ્રશાંત પકડાયો

દરજી શખ્સના ઘરમાંથી ૭૨ બોટલ મળીઃ અલ્પેશ પટેલનું નામ ખુલ્યું: પીએસઆઇ બી. જી. ડાંગર, એએસઆઇ ડી. વી. બાલાસરા અને રવિભાઇ ગઢવીની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૪: રૈયા રોડ પર શ્રીજી પાર્ક મેઇન રોડ પર શ્રીજી પાર્ક-૧માં હીરાભાઇ મેરાભાઇ વાળાના મકાનમાં રહેતાં અલ્પેશ પટેલના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી પરથી યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી રૂ. ૬૨ હજારના ૭૨ બોટલ દારૂ સાથે શ્રીજી પાર્કમાં જ ભરતભાઇ બાંભવાના મકાનમાં ભાડેથી રહેતાં પ્રશાંત હસમુખભાઇ ચાવડા (ઉ.વ.૨૯) નામના દરજી શખ્સને પકડી લીધો છે. અલ્પેશ ઘરમાં હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસે મેકડોવેલ્સ નંબર વન, બ્લેક ડોગ, જોનીવોકર રેડ લેબલ, પાસપોર્ટ, બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાંડની બોટલો જપ્ત કરી છે. પોલીસે દરોડો પાડતાં અલ્પેશ મળ્યો નથી. તેના ઘરમાં મિત્ર પ્રશાંત ચાવડા હાજર હોઇ તેની ધરપકડ કરવામાં આવી છે. તેના કહેવા મુજબ આ દારૂ અલ્પેશે ઉતાર્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ યુનિવર્સિટી પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ બી. જી. ડાંગર, એએસઆઇ ડી. વી. બાલાસરા, હેડકોન્સ. જુવાનસિંહ, મહેન્દ્રસિંહ, કોન્સ. મહિપાલસિંહ જાડેજા, રવિભાઇ ગઢવી, દિપકભાઇ ચોૈહાણ, હરદેવસિંહ જાડેજા, સંજયભાઇ મેતા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે પીએસઆઇ ડાંગર, એએસઆઇ બાલાસરા અને રવિભાઇ ગઢવીની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

(1:07 pm IST)