Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જમીન રક્ષણ અને ગુંડા વિરોધી કાયદો આવકાર્ય : જિલ્લા ભાજપ

રાજકોટ, તા. ૪ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ, ધર્મસ્થાનો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવનાર ભૂમાફિયા તત્વોને ભરી પીવા માટે નવો એકટ ખરડો પસાર કરવાના નિર્ણયને રાજકોટ જીલ્લા ભાજપા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, જીલ્લા અધ્યક્ષ ડી.કે. સખીયા, જીલ્લા મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરાએ આવકારી જણાવ્યું હતું કે ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે જેને કારણે ગુજરાતમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને કૃષિક્ષેત્રમાં ખૂબ વિકાસ થયો છે. ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા રાજયની શહેરી વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં જમીનોની માંગ ખૂબજ વધી છે. સાથો સાથ જમીનોના ભાવમાં પણ વધારો થયો છે જેનાથી શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને ઔદ્યોગિક વિસ્તારોની જમીનો પચાવી પાડવા ભૂમિાફિયાઓ સક્રિય બન્યા છે. ભૂમાફિયાઓને ભરી પીવા સરકાર નવો કાયદો લાવીને કાયદેસરની જમીનના માલિકોનું રક્ષણ કરશે.

જુગારના અડ્ડાઓ ચલાવનાર તેમજ જુગાર રમનાર ઉપરાંત દારૂની ભઠ્ઠી ચલાવનાર, દારૂ વેચનાર, દારૂ પીનારાઓ પ્રથમવાર પકડાશે તો પણ તેઓને પાસાના કાયદા હેઠળ સખ્તમાં સખ્ત સજા કરવાનો નિર્ણય કરીને અસામાજીક તત્વોને ભરી પીવા રાજય સરકાર કટિબદ્ધ બની છે તે બદલ મુખ્યમંત્રી અભિનંદનને પાત્ર છે.

(2:51 pm IST)