Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રાજકોટ જિલ્લાના ૪ તાલુકાના ૩ હજારથી વધુ કારખાનાના ૪૭ હજારથી વધુ શ્રમિકોનો કોરોના ટેસ્ટ : ૨૭ પોઝીટીવ

ઔદ્યોગિક એકમોમાં ધન્વંતરી રથની સરાહનીય કામગીરી

રાજકોટ,તા.૪: કોરોના વાયરસના ચેપથી બચવા સતર્કતા એ જ સમજદારી છે. કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો જણાય કે તુરંત જરૂરી સારવાર શરૂ કરી શકાય તો સંક્રમણને આગળ વધતું રોકી શકાય છે. જેના પગલે જિલ્લાના નાગરીકોની આરોગ્ય અને સુખાકારીને ધ્યાને લઈ રાજકોટ જિલ્લામાં રાજય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.

હાલ રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કોરોનાના સંક્ર્મણને ખાળવા માટે ધન્વંતરી રથ દ્વારા શ્રમિકોનું પ્રાથમિક હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, અને તેમાંથી શંકાસ્પદ જણાતાં શ્રમિકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફિર કરવામાં આવે છે. જે અંતર્ગત તા.૦૨-૦૯-૨૦૨૦ સુધીમાં રાજકોટ, ગોંડલ, લોધીકા અને કોટડાસાંગાણી તાલુકામાં આવેલ ૩૪૦૭ કારખાનાઓમાં કામ કરતા ૪૭,૭૮૨ જેટલા શ્રમિકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જેમાં ૬૦ વર્ષથી ઉપરના ૪૧૪ શ્રમિકો, ૦ થી ૬ વર્ષના ૨,૮૨૭ બાળકો, તાવના ૧૮૦ દર્દીઓ, શરદીના ૨૩૫ દર્દીઓ, શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા ૭ દર્દીઓ, બ્લડ પ્રેશરના ૧૦૨ દર્દીઓ, ડાયાબિટીસના ૧૦૪ દર્દીઓ, અસ્થમાનો ૧ દર્દી અને હૃદયરોગના ૨ દર્દીઓની પ્રાથમિક તપાસ કરાઈ હતી. જે પૈકી ૫૭૨ જેટલા દર્દીઓ શંકાસ્પદ જણાતાં તેમના સેમ્પલ મેળવતા ૨૭ જેટલા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમને રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારાઙ્ગ ખાસ કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં આવતા વિસ્તારમાં આયુર્વેદીક ડોકટર, હોમીયોપેથી ડોકટર અને ફીમેલ હેલ્થ વર્કરના સમાવેશ સાથેની ટીમો પણ કાર્યરત છે. જેના દ્વારા કુટુંબોને હોમીયોપેથી દવાઓ અને આયુર્વેદીક ઉકાળાના વિતરણ સાથે કોરોના મહામારીમાં બચાવ અર્થે સલામતી એજ સાવચેતી બાબતે સાવચેતીના લેવાના થતાં પગલાંઓથી અવગત કરાયા હતા.

(2:53 pm IST)