Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

શિવ મારા પ્રેરક : કષ્ટનું ઝેર પી સંગીતનું અમૃત વહેંચુ છું : કૈલાશ ખેર

કૈલાશ ખેર 'અકિલા'ની મુલાકાતે : ગીત - સંગીતની પડદા પાછળની વાતો વાગોળી : કયારેક એવું થાય છે કે જે દાણો માટીમાં ભળી જાય છે, એક દિવસ એ જ ઊગી નીકળે : છે : કયારેક આપણાથી જીવનમાં એવી ભૂલ થઈ જાય છે કે જેમાં ઘણું શીખવાનું હોય છે

ભગવાન શંકરની જેમ દુનિયામાં રહેલા ઝેરને પીવો પણ સમાજમાં અમૃત વહેંચો. શિવની પ્રેરણાથી હું એજ કરતો આવ્યો છો અને એજ કરું છું. આ શબ્દો છે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એક અલગજ ઓળખ ઉભી કરનાર ભારતના પ્રખ્યાત સુફિ, પોપ ગાયક પદ્મશ્રી કૈલાશ ખેરના. રાજકોટની ઉડતી મુલાકાતે આવેલા કૈલાશ ખેર ખાસ અકિલાના મહેમાન બન્યા હતા અને અકિલાના મોભિ શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળવા તેઓ આવ્યા હતા.

ખુબજ પ્રતિભાવન અને આધ્યાત્મ તથા સંગીતને આત્મસાત કરનાર કૈલાશ ખેર સંગીતની સાથે જ્ઞાનનો પણ અઢળક ખજાનો છે. ખુબજ સાલસ, નિખાલસ સ્વભાવ ધરાવતા કૈલાશ ખેરએ અકિલાના આંગણે દિલ ખોલી વાતો કરી હતી. તેમણે કહ્યું કે, કયારેક એવું થાય છે કે જે દાણો માટીમાં ભળી જાય છે, એક દિવસ એ જ ઊગી નીકળે છે. કયારેક મારા ઈશ્વર એ દાણો આપણી પાસે નખાવતા હોય છે. કયારેક આવી પરીક્ષાઓ આવે છે જીવનમાં. મોટા મોટા રાજાઓને પણ પરીક્ષાઓ આવે છે. કયારેક આપણાથી જીવનમાં એવી ભૂલ થઈ જાય છે કે જેમાં ઘણું શીખવાનું હોય છે આપણને એમાંથી ઘણું શીખવા મળે છે. આપણને એવું લાગતું હોય છે કે અહીં આપણને નુકસાન થશે પણ નહીં અહીં ઘણું શીખવા મળે છે.

કૈલાશ નામ શિવનું જ એક નામ છે અને કૈલાશ ખેર નાનપણ થીજ પરમ શિવભકત રહ્યા છે. ભગવાન શિવનો આપની ઉપર ખૂબ જ પ્રભાવ રહ્યો છે તેઓ પણ નટરાજનું જ એક રૃપ ગણાય છે અને તેમની સાથે પણ સંગીત જોડાયેલું છે. આપના ઉપર ભગવાન શિવનો ખૂબ પ્રભાવ છે એ વિશે આપ શું કહેશો? કૈલાશ ખેરએ જણાવ્યું હતું કે, જયારથી હું જન્મ્યો ત્યારથી મારી એવી કેટલીક વિલક્ષણ બાબતો હતી. કેટલાક પરિવારોમાં તે સરપ્રાઈઝ અને વિસ્મય બની જાય છે, કુતુહુલ બની જાય છે.

'જબ ભી મેરે ખ્વાબો મેં હોતા હું,

સબકો લગતા હૈ સોતા હું.

હોતા હું સબસે જો મેં જુદા,

તો ઉસકી પનાહો મેં હોતા હું.

ઔર દુનિયા મે જો ભી અલગ હૈ

લગતા વો સબ કો ગલત હૈ.

આ દુનિયામાં જે અલગ હોય છે બીજા કરતા કંઇક ડિફરન્ટ હોય છે તે લોકોને રાઝ આવતું નથી એટલે કે જચતું નથી.  કેમ? કારણ જો મારી ઉંમર ઓછી હોય અને હું કોઈ મોટા ને ટોકું અથવા વઢું કે, આમ ન કર, તેમ ન કર ત્યારે એ મોટા લોકો થોડી વાર તો એવું વિચારશે કે કેટલો નાદાન છે પણ પછી જે વ્યકિતને કટુતા લાગશે અથવા મારા શબ્દોથી દુઃખ થશે તેને એવું લાગશે કે આ બાળક અથવા વ્યકિત અસંસ્કારી છે. હવે તમે તમારામાં છો એટલે કે તમે બાળક રૃપમાં હો કે વૃદ્ઘના રૃપમાં હોવ પણ તમે તમારામાં મસ્ત છો. તમે એક અરીસો શો જેમાં તમે જાતને જોઈ શકો છો. જો આવું કોઈ બાળક હોય તો તેના માટે મુશ્કેલીઓ ઘણી વાર ઉભી એટલા માટે થાય છે કે સમાજમાં તેની જગ્યા હમણાં હોતી નથી. આજે પણ આપણે આવી વિકસિત માનસિકતા થી વ્યાપ્ત નથી. કોઈ આપણી આલોચના કરે અને ખરેખર કહીકતમાં કરે તો આપણા અહંકારને ઠેસ પહોંચે છે. આપણે વાતો સંસ્કારો અને વેલ્યુની કરીએ છીએ પણ સારા સંસ્કાર મેળવવા માટે અનેક જન્મો લાગે છે. જેમ કે આપણને સાચું ઓર્ગેનિક મેળવવા અનેક જન્મો લાગે છે. જે રીતે માટી જ ઓર્ગેનિક નથી તો તમે શું ઓર્ગેનિક ઓર્ગેનિક કરો છો.? ઓર્ગેનિક કયાંથી મળવાનું? આવું જ ઉદાહરણ મારું છે. જયારે હું બાળક હતો ત્યારે કોઈની પકડમાં આવતો નહતો. હું કંઇ પણ નીડરતાથી જોતો, સમજતો અને મારી ચાલ પણ એવી જ હતી. એટલે ૧૨ થી ૧૩ વર્ષની ઉંમરે મેં ઘર છોડી દીધું. જયારે કૈલાશજી ૧૨ થી ૧૩ વર્ષના હતા, ત્યારે તે સંગીતનું સારું શિક્ષણ મેળવવા માટે તેમના પરિવારના સભ્યો સાથે લડીને દિલ્હી આવ્યા હતા. અહીં આવીને તેમણે સંગીતનું શિક્ષણ લેવાનું શરૃ કર્યું પરંતુ સાથે મળીને પૈસા કમાવવા માટે નાનું કામ કરવાનું શરૃ કર્યું. આ સાથે તે વિદેશી લોકોને સંગીત શીખવીને કમાણી કરતા હતા.

 એક પંકિત ગાઇને કૈલાશજી જણાવે છે, 'ઉસને લિયા જોગીયા બાણા હર ઘર ઘર કી અલખ જગાના'... એટલે આપણે ત્યાં જે અનાથ થઈ જાય છે તેને સામાન્ય રીતે ક્રિશ્ચન મિશનરી લોકો ઉછેરતા હોય છે પણ મારી એમાં પણ અલગ ચાલ હતી. કારણ મને એક આશ્રમમાં જગ્યા મળી પરમાર્થ આશ્રમ જે ઋષિકેશમાં આવેલો છે. ત્યાં હું મોટો થયો. મને નાનપણથી જ ભગવાન શિવની ધૂન લાગી હતી કારણ મારા પિતાજી યજ્ઞ કરતા, હું બ્રાહ્મણ પરિવાર માંથી છું એટલે ભગવાન શિવ તરફ ખૂબ જ મોહિત રહેતો હતો. કારણ શું હતું તે મને નાનો હતો ત્યાં સુધી ખબર જ ન હતી પણ જયારે મેં ઘર છોડ્યું ત્યારે ખબર પડી કે હજી આપણે ઘણું ઝેર પીવાનું છે અને બહાર અમૃત વહેંચવાનું છે. આ મારી જવાબદારી છે અને આના માટે જ શિવે મને બનાવ્યો છે. પહેલા મારે કષ્ટ સહન કરવાના છે, કષ્ટમાં જ જીવવાનું છે અને કષ્ટના ઝેર પીવાના છે. પરંતુ ઝેરને મારે બહાર આપવાનું નથી. બહાર તો માત્ર અમૃત જ વેચવાનું છે. ભગવાન શિવે મને આ પ્રેરણા આપી છે. ઋષિકેશ ગયા અને થોડા દિવસ ત્યાં રહ્યા. ત્યાં તેઓ ઋષિ-મુનિઓ માટે ગીતો ગાતો. કૈલાશજીનું ગીત સાંભળીને, મોટા મોટા સંત પ્રસન્ન થતા હતા, આનાથી કૈલાશજીનો ખોવાયેલો વિશ્વાસ પાછો આવ્યો અને તેઓ મુંબઈ ગયા.

કૈલાશ ખેરને સંગીત જાણે વારસામાં મળ્યું છે. તેમના પિતા પંડિત મેહર સિંહ ખેર એક પૂજારી હતા અને ઘણીવાર ઘરના કાર્યક્રમોમાં પરંપરાગત લોકગીતો ગાતા હતા. કૈલાશ ખેરે બાળપણમાં જ પિતા પાસેથી સંગીતના પાઠ લીધા હતા. પરંતુ તેઓ કયારેય બોલિવૂડના ગીતો ગાતા કે સાંભળતા ન હતા, પરંતુ સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ પૂરતો હતો.

અકિલાના મોંઘેરા મહેમાન બનેલા કૈલાશ ખેરએ જણાવ્યું કે, હું જયારે ૧૨ કે ૧૩ વર્ષનો હતો ત્યારે મેં ઘર છોડ્યું. હું મૂળ દિલ્હીનો છું અને જયારે મેં ઘર છોડ્યું ત્યારે ૨૧ વર્ષ નો થયો ત્યાં સુધીમાં લગભગ દસથી બાર ઘર બદલ્યા.  હવે જયારે તમારી પાસે પોતાનું ઘર ન હોય ત્યારે તમે સમાજમાં રહીને સમાજને ખૂબ સારી રીતે અનુભવી શકો છો. અને આ સ્થિતિમાં મેં અનેક નોકરીઓ પણ કરી. હું વધુ ભણી ન શકયો. આવી પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું, પૈસા કેવી રીતે કમાવવા, બે ટંકનું ભોજન કઈ રીતે ભેગું કરવું, વગેરે જેવી આ ભાગદોડમાં મારે ખૂબ જ ઝેર પીવું પડ્યું છે. ઝેર એટલે કેવું? ઘણીવાર એવું પણ બન્યું છે કે જયારે તમે તમારા પિતાની છાયામાં હો ત્યારે લોકો તમને અલગ દૃષ્ટિથી જુએ છે અને જયારે તમે ઘર છોડીને જાવ છો ત્યારે તેજ લોકો તમને કંઈક જૂદી જ નજરે જુએ છે. આ જે સંબંધોનું ઝેર, તમારા અનાદરનું ઝેર, તમારા પરિશ્રમ પછી પણ તમારી સાથે કોઈ છેતરપિંડી કરે તેનું ઝેર, તમારા વિચારો પર કોઈ કઠુરાઘાત કરે તેનું ઝેર વગેરે.. કયારે એવું પણ થયું કે જો આ દુનિયામાં ફિટ થવું હોય તો આપણે ખુબ જ ખોટું કરવું પડશે, જૂઠું બોલવું પડશે ત્યારે ઈશ્વર ને કહ્યું કે તમે આવી જ દુનિયામાં શા માટે જન્મ દીધો જયાં મારે ખોટા કામ કરવા પડશે. મારા દાતા તમે આ ભયાનક દુનિયામાં જન્મ આપી દીધો. એ વિચાર આવ્યો ત્યારે મેં ગંગાજી માં આત્મહત્યા કરવા ડૂબકી પણ લગાવી દીધી હતી પણ એ વખતે એવું થયું કે માં ગંગા એ પણ મને પુનર્જન્મ આપી દીધો. ભગવાન શિવ વિશે આપે કહ્યું તો હું એટલું જ કહીશ કે ભગવાન શિવ મારા પ્રેરક છે એટલે હું માનું છું કે ઝેર પીવો પણ બહાર ન વહેંચો, બહાર અમૃત વહેંચો. સહન કરતા શીખો કારણ મારા ભોલેનાથે પણ ઝેર પીધું અને આખી દુનિયાને બચાવી લીધી હતી.

આજે સૂફી સંગીતમાં બહુ ઓછા લોકો છે મિલાવટી સંગીતમાં લોકો વધુ ધ્યાન આપે છે તો આપને શું લાગે છે સૂફી સંગીતનો દોર ફરી આવશે? કૈલાશ ખેરએ જણાવ્યું હતું કે, હું સંગીત પહેલા આધ્યાત્મમાં હતો અને આધ્યાત્મમાંથી સંગીતમાં આવ્યો છું. એટલે જો તમે આધ્યાત્મને પકડી રાખ્યો તો ન જાણે કેટલું સંગીત આવશે ને જશે પણ આધ્યાત્મમાંથી જે સંગીત આવશે તે અજર રહેશે, અમર રહેશે. એટલે આધ્યાત્મને પકડીને રાખો. સુફી સંગીતમાં હવે ભારતનો એ સુંદર દોર ફરી આવી ગયો છે. તમે ૨૦ વર્ષ પહેલા એવી કલ્પના કરી હતી કે ભારતની રાજનીતિ કાજનીતિમાં બદલી જશે હવે કાજનીતિમાં બદલાઈ ગઈ છે. તો આ કેવી રીતે થયું ? એટલે 'સકલ પદાર્થ હે જગ માહીં' એટલે જ તમે જુઓ છો કે અકર્મિ લોકો હવે દેશમાંથી દૂર થતાં જાય છે. ધીમે ધીમે આવા અવાંછિત લોકો દેશમાંથી દૂર થઇ રહ્યા છે. તમે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જુઓ. તેઓ કોઈ અન્ય દુનિયામાંથી તો આવતા નથી, અહીં જનમ્યાં અને મોટા થયા છે. પણ તેઓ કેવા અચાનક નીખર્યા છે. એટલે જે લોકો ઝેર પીવે છે અને જેના પર મહાદેવની પરમ કૃપા હોય છે તે લોકો સમાજ અને લોકોનું કલ્યાણ કરવા માટે એજ પથ પર આગળ વધી પથગામી બને છે.

તમારી દ્રષ્ટિએ આજના સંગીત ની વ્યાખ્યા શું હોવી જોઈએ? સંગીત થી આગળ વધી હું કહેવા માંગીશ કે સંગીત એ આપણા જીવનનો એક ભાગ છે. પણ મૂળ રીતે મનુષ્ય તેના જીવનમાં કેવું હોવું જોઈએ તે હું કહું તો, જો આપણા સંસ્કાર પોષિત હોય પણ તેમાંય કહેવાથી કંઈ થતું નથી માત્ર કર્મ કરવાથી જ થાય છે. આપણે જેને સંસાર કહીએ છીએ કે આજની જનરેશનને

 

ભોજન અને ભજન જેનું બદલાય છે તે દેખાઇ આવે છે : કૈલાશ ખેર

પદ્મશ્રી કૈલાશ ખેરએ ખુબ સુંદર વાત કહી કે,  તમારા ભજન અને ભોજન ને સંભાળો. જે પ્રકારે તમે પૂજા પદ્ઘતિ કરો છો, જે તમારી આસ્થાઓનો માર્ગ છે તેને ન છોડો અને તમારા ભોજનથી પણ ન બદલો. જયારથી બર્ગર અને પીઝા ને અપનાવ્યા છે ત્યારથી તમે જુઓ છો કે લોકોમાં નવા નવા રોગ આવતા જાય છે. આટલા ખૂબ જ સુંદર દેશ ભારત માનવ પાગલપન કયાંથી આવી ગયું તે ખ્યાલ નથી. પહેલા સો વર્ષ સુધી લોકો જીવતા, મહેનત કરતા, પગ પર ચાલીને જતા, ખૂબ જ પરિશ્રમ કરતા, તડકામાં રીતસર તપતા, પોતાના શરીરને એવી રીતે તપાવતા જાણે મકાઈ શેકાતી હોય તો પણ કોઈ જ મુશ્કેલી આવતી ન હતી. પહેલા હજાર વર્ષ પહેલા આ ભારત હતું પણ અચાનક આવું કયાંથી આવી ગયું તે સમજાતું નથી. ભોજન અને ભજન જેનું બદલાય છે તેનું દેખાઈ આવે છે કે આનું ભોજન બદલાયું એટલે ભજન પણ બદલાયું.

 

 

બિઝનેસમાં ખોટ બાદ આત્મહત્યા કરવા માગતા હતા કૈલાશ ખેર..!

'તેરી દીવાની' અને 'સૈયાં' જેવા ગીતો અને આધ્યાત્મિક સંગીત ગાઈને યુવાનોના દિલો પર રાજ કરનાર કૈલાશ ખેર આજે જયાં છે ત્યાં પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરી છે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના વતની, કૈલાશજીનું મન બાળપણથી જ સંગીતમાં મગ્ન હતું. તેમણે નાની ઉંમરે સંગીતમાં નિપુણતા મેળવી હતી. વર્ષ ૧૯૯૯ કૈલાશ ખેર માટે સૌથી મુશ્કેલ વર્ષોમાંનું એક હતું. આ એ સમય હતો જયારે તેમનું જીવન અંધકારમાં ડૂબી ગયું હતું અને આશાનું કોઈ કિરણ નહોતું. કૈલાશજીએ તેના મિત્ર સાથે આ વર્ષે હેન્ડીક્રાફટ એકસપોર્ટ બિઝનેસ શરૃ કર્યો. આમાં કૈલાશ અને તેના મિત્રને ભારે નુકસાન થયું હતું. ડિપ્રેશનને કારણે તેઓ ઋષિકેશ રહેવા ગયા હતા. જયાં ગંગામાં ડૂબકી લગાવી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પણ રામ રાખે તેને કોણ ચાખે.. તેમ કૈલાશજીને માતા ગંગાએજ બચાવી નવો જન્મ આપ્યો અને તેઓ સંગીતની રાહ પર ચાલી નીકળ્યા.

 

 

 

'અકિલા'થી

ખુબજ પ્રભાવિત થયા કૈલાશ ખેર

રવિવારે અકિલાના મહેમાન બનેલા કૈલાશ ખેર અકિલાથી ખુબજ પ્રભાવિત થયા હતા. પહેલાં જે મશીનમાં અકિલા પ્રસિધ્ધ થતું તે મશીનને જોઇ આશ્વર્યમાં પડી ગયા હતા. અને તે અંગે પૃચ્છા કરી વિગતો મેળવી હતી. વધુમાં અકિલાના એકદમ પારિવારિક કોન્ફરન્સ રૃમને જોઇ ખુબજ વખાણ્યું હતું અને કહ્યું હતું કે, 'કિરીટજી આપને બડે દિલસે બનાયા હૈ. યહ કોઇ ઓફિસ નહીં અપને ઘર જૈસા લગતા હૈ.' તેમણે શ્રી કિરીટભાઇ ગણાત્રા પાસેથી અકિલા કયારે શરૃ થયું તેની વિગતો પણ

 

મેળવી પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી.

 

 

કૈલાશ ખેરની વિશેષતા : અલગ પ્રકારનું લોકેટ અને બંને હાથોમાં ઘડિયાળ..!

પદ્મશ્રી કૈલાશ ખેર ખૂબ જ આનંદિત સ્વભાવના છે. સતત ઈશ્વરની ભકિત અને આધ્યાત્મમાં લીન રહે છે. તેમની એક વિશેષતા છે કે તેઓ ગળામાં એક અલગ જ પ્રકારનું લોકેટ ધારણ કરે છે. આ વિશે પૂછતાં કૈલાશજીએ જણાવ્યું હતું કે, યમનની રાજકુમારીએ મને આ અદભૂત ઓશન બ્લ્યુ કલરનું અલગ જ પ્રકારનું લોકેટ આપેલું તેમણે મને આપેલું ત્યારથી મેં આ ધારણ કર્યું છે. હું તો માટી નો માણસ છું અને માટીને જ ધારણ કરું છું એટલે માટીમાંથી બનાવેલા અલગ પથ્થર પણ મેં પહેરી લીધો છે.

કૈલાશ ખેર ની એક બીજી વિશેષતા એ પણ છે કે તેઓ બંને હાથમાં ઘડિયાળ પહેરે છે. આ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે એક ઘડિયાળ જે મને સતત મારા સમયની અને અત્યારના સમયની તથા આવનારા સમયની યાદ અપાવે છે. જયારે બીજી ઘડિયાળ હું એટલા માટે પહેરું છુ કે હું થોડો આરોગ્ય સભાન રહું છું. જયારે પણ હું ચાલુ ત્યારે મારા હાર્ટ બીટ, હું કેટલું ચાલ્યું અને અમુક વિષેશતાઓ ડિજિટલ તેમાં જોઈ શકાય છે એટલા માટે હું સતત બંને હાથમાં ઘડિયાળ પહેરી રાખું છું.

 

 

આ દુનિયામાં જે અલગ હોય છે બીજા કરતા કંઇક ડિફરન્ટ હોય છે તે લોકોને જચતું નથી : આપણે વાતો સંસ્કારો અને વેલ્યુની કરીએ છીએ પણ સારા

 

 

સંસ્કાર મેળવવા માટે અનેક જન્મો લાગે છે : અંગ્રેજીનો જે વર્લ્ડ ટફ છે તપ પરથી જ બન્યો છે : તમે એટલા તપો કે તમારી સુગંધ જ તમને સંસારમાં લઈ આવે

 

આ દુનિયામાં જે અલગ હોય છે બીજા કરતા કંઇક ડિફરન્ટ હોય છે તે લોકોને જચતું નથી : આપણે વાતો સંસ્કારો અને વેલ્યુની કરીએ છીએ પણ સારા

સંસ્કાર મેળવવા માટે અનેક જન્મો લાગે છે : અંગ્રેજીનો જે વર્લ્ડ ટફ છે તપ પરથી જ બન્યો છે : તમે એટલા તપો કે તમારી સુગંધ જ તમને સંસારમાં લઈ આવે

(3:47 pm IST)