Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગાંધીગ્રામ જીવંતિકાનગરમાં અરવિંદ વાઢેરે પત્‍નિ અને પાટલાસાસુને હથોડીના ઘા ફટકારી માથા રંગી નાંખ્‍યા

ઉષાબેને કહ્યું-મારા બહેન હકુબેનનું ઓપરેશન થયું હોઇ આરામ કરવા જામનગરથી આવ્‍યા હતાં: ગત સાંજે ભાઇ પણ ખબર કાઢવા આવીને જમવા રોકાયા હોઇ તે પતિને ન ગમતાં સાંજે ઝઘડો થયો હતો, સવારે ઓચીંતા હથોડીના ઘા કર્યા

રાજકોટ તા. ૪: ગાંધીગ્રામના જીવંતીકાનગરમાં રહેતાં મોચી શખ્‍સે વહેલી સવારે ઘરમાં ભરઉંઘમાં રહેલી પોતાની પત્‍નિ અને પાટલાસાસુ પર હથોડીથી હુમલો કરી બંનેના માથા રંગી નાંખતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે. બિમાર પાટલા સાસુ રોકાવા આવ્‍યા હોઇ અને ગઇકાલે સાળો પણ આવીને જમી ગયો હોઇ તે બાબતે પત્‍નિ સાથે ચડભડ થતાં તેણે આ હુમલો કર્યાનું કહેવાયું હતું.

જાણવા મળ્‍યા મુજબ જીવંતીકાનગર શેરી નં. ૬માં રહેતાંઉષાબેન અરવિંદભાઇ વાઢેર (મોચી) (ઉ.વ.૪૫) તથા જામનગર  રહેતાં તેમના બહેન હકુબેન બચુભાઇ પરમાર (ઉ.વ.૬૦) સવારે લોહીલુહાણ માથા સાથે સિવિલ હોસ્‍પિટલમાં પડોશીઓ મારફત પહોંચતા બંનેને દાખલ કરવામાં આવ્‍યા હતાં. પ્રાથમિક પુછતાછમાં ઉષાબેને પોતાના અને પોતાના બહેન પર પતિ અરવિંદ વાઢેરે હથોડીથી હુમલો કર્યાનું જણાવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી. કે. ક્રિીયન અને સંદિપભાઇએ હોસ્‍પિટલે પહોંચી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

ઉષાબેને જણાવ્‍યું હતું કે તેમના લગ્ન પંદર વર્ષ પહેલા અરવિંદ વાઢેર સાથે થયા છે. અરવિંદ વાઢેર અગાઉ સતરેક વર્ષ આફ્રિકા રહી ચુક્‍યા છે. હાલમાં મારા બહેન હકુબને પરમાર કે જે જામનગર લીમડા લાઇનમાં રહે છે તેમનું અમદાવાદ ખાતે હૃદયનું ઓપરેશન કરાવાયું હોઇ બે ત્રણ દિવસથી તેઓ મારા ઘરે આરામ કરવા આવ્‍યા છે. ગઇકાલે ભાઇ કાનજી બચુભાઇ પરમાર પણ ખબર કાઢવા આવ્‍યા હોઇ અને સાંજે પરોઠા શાક જમ્‍યા હોઇ તે બાબતે પતિ અરવિંદ વાઢેરને ન ગમતાં ચડભડ થઇ હતી. આ કારણે ખાર રાખી આજે વહેલી સવારે પતિએ જાગીને હું તથા મારા બહેન હકુબેન ભરઉંઘમાં હતાં ત્‍યારે માથામાં હથોડીના ઘા ફટકારી દીધા હતાં. દેકારો થતાં તે ભાગી ગયો હતો અને પડોશીઓએ અમને હોસ્‍પિટલમાં પહોંચાડયા હતાં. 

(1:38 pm IST)