Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

પૂ.નમ્રમુનિ મ.સા.ના સાનિધ્‍યે મહાતપસ્‍વી આત્‍માઓનો તપોત્‍સવ

કચ્‍છના પુનડી ગામમાં

રાજકોટ,તા. ૪ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરનારા પૂજય શ્રી પરમ સ્‍વમિત્રાજી મહાસતીજીએ ગુરુકૃપાએ લઘુ સર્વતોભદ્ર મહાતપ નિર્વિઘ્‍ને પરીપૂર્ણ કરતા, તેમજ રાજકોટ નિવાસી પાયલબેન અજમેરાએ લઘુસિંહનિષ્‍ક્રિડીત મહાતપની નિર્વિઘ્‍ને પૂર્ણાહુતિ કરતા, બંને તપસ્‍વી આત્‍માઓના પારણા અવસરે તપોત્‍સવનું આયોજન કચ્‍છ, ગામ પુનડીના SPM આરોગ્‍યધામ ખાતે કરવામાં આવ્‍યું છે.

ચાર વર્ષ પહેલા રાજકોટમાં પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરીને ટૂંકા દીક્ષા પર્યાયમાં એક માસક્ષમણ તપની આરાધના સાથે ૭૫ ઉપવાસ સાથેની લઘુ સર્વતોભદ્ર મહાતપ આરાધના કરનારા પૂજય શ્રી પરમ સ્‍વમિત્રાજી મહાસતીજીના પારણા અવસરે તા. ૮ શનિવાર સવારે ૮:૩૦ કલાકે તપોત્‍સવ યોજાશે. એ સાથે જ છેલ્લા છ મહિનાથી ૧૮૭ દિવસના સમયગાળામાં માત્ર ૩૩ પારણા સાથે ૧૫૪ દિવસના ઉપવાસની ઉગ્રાતિઉગ્ર આરાધના કરનારા પાયલબેન અજમેરાના પારણા અવસરે તા. ૭ને શુક્રવાર સવારે ૮:૩૦ કલાકે તપોત્‍સવ આયોજિત કરવામાં આવ્‍યો છે.બે દિવસીય આ તપોત્‍સવમાં તપ ધર્મ અને તપસ્‍વી આત્‍માઓની અનુમોદના કરતા તપસ્‍વી સન્‍માન શોભા યાત્રા તેમજ સાંજી સ્‍તવના અનેરા સ્‍વરૂપે યોજાશે.

તપસ્‍વી આત્‍માઓની અનુમોદના કરવા આ અવસરે કચ્‍છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોથી બહોળી સંખ્‍યામાં ભાવિકો પુનડી પધારીને અનુમોદનાના ભાવમાં ભીંજાશે. દાન, શીલ, તપ અને ભાવ ધર્મની ઉછળતી લહેરો સાથે સમગ્ર કચ્‍છ, સમગ્ર ભારત તેમજ વિદેશમાં પણ ગુંજી રહેલી કચ્‍છ કલ્‍યાણકારી ચાતુર્માસની યશસ્‍વી મહિમાને આગળ વધારતા બે દિવસીય તપોત્‍સવના અવસરે પધારવા ધર્મપ્રેમી ભાવિકોને SPM પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

(3:44 pm IST)