Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

અરસપરસ પ્રેમ ભાવના ફેલાવો, ધૃણાથી દૂર રહો, આ દેશ આજે પણ પ્રેમ ઇચ્‍છી રહ્યો છેઃ શીબ્‍લીમીંયા

ઉત્તર પ્રદેશના કિછૌછા શરીફની દરગાહના સુન્‍ની ધર્મગુરૂની ‘અકિલા' સાથે વાતચીત : પૂરાણી વાતો, ગુરૂના આદેશો, ધર્મ આધારિત જીવન સૌએ છોડી દેતા આજે ઝઘડાઓ થઇ રહ્યા છેઃ લોકો સુફી-સંતોને છોડી પોતે ગુરૂ બની ગયા છે

રાજકોટ તા. ૪: ભારત આપણા સૌનો પોતાનો જ દેશ છે અને અહીં અનેક સંસ્‍કૃતિઓનો સમન્‍વય છે ત્‍યારે આ દેશના દરેક દેશવાસીઓએ અરસ પરસ પ્રેમભાવના રાખવી જોઇએ, અને ધૃણા-નફરતોથી સૌએ દૂર રહેવું જોઇએ આજે પણ આ દેશ પ્રેમ ભાવના જ ઇચ્‍છે છે, તેમ આજે રાજકોટ પધારેલા સુન્‍ની મુસ્‍લિમ સંપ્રદાયના ધર્મગુરૂ હઝરત પીર અબુબકર શિબ્‍લીમીંયાએ જણાવ્‍યું હતું.

સૌ ભારતવાસીઓને આપસમાં પ્રેમ ભાવના રાખવા અને તેના સિવાય આ જગતમાં કશું ન હોવાનું સ્‍પષ્‍ટ કહી ‘અકિલા' કાર્યાલયે પધારેલા હઝરત પીર શીબ્‍લી મીંયાએ વધુમાં કહ્યું હતું કે, સૌએ પ્રેમભરી જિંદગી પસાર કરવી જોઇએ, સૌએ હળી મળીને રહેવું જોઇએ અને આપણો ભારત દેશ આજે પણ પ્રેમ જ માંગી રહ્યો છે.

એક સમય હતો કે, ભારત દેશને આઝાદ કરાયો ત્‍યારે પણ સૌએ સાથે મળીને અંગ્રેજોને કાઢી મૂકયા છે એ વખતે મુસ્‍લિમ સમાજના ઉલેમાઓએ પણ બલિદાન આપ્‍યું હતું આજે પણ જયારે જરૂર પડે તો દરેક ધર્મના લોકોએ જ બલિદાન આપવું પડશે.

એક સવાલના ઉતરમાં પીર શીબ્‍લી મીંયાએ કહ્યું કે, આજે દેશના જે નેતાઓ છે તેઓએ પણ સૌને સમભાવ દૃષ્‍ટીથી જોવા જોઇએ, સૌ શાંતિથી રહી શકે એ જ નિતી હોવી જોઇએ.

અગાઉના જમાનામાં કોઇ ઝઘડા ન હતા અને લોકો પોતાના ગુરૂના આદેશો માનતા હતા આજે સૌ ગુરૂ બની ગયા છે. ભારત દેશ ગંગા-જમનાની સંસ્‍કૃતિનો સમન્‍વય છે ત્‍યારે આજે સૌએ પોતાના મહાપુરૂષોના આદર્શોને છોડી દેતા ભારત સહિત વિશ્‍વભરમાં પヘીમી સંસ્‍કૃતિ પ્રભાવિત થઇ ગઇ છે.

ભારત દેશમાં તમોને સુફી-સંતો જોવા મળે છે પણ આપણે તેઓના વિચારોને છોડી દઇ પોતાના વિચારોને અપનાવી લીધા છે જેનું એ પરિણામ છે વિશ્‍વના ઘણા દેશોમાં યુદ્ધ પણ ચાલે છે.

અગાઉ લોકો ધર્મ આધારિત જીવન જીવતા હતા પરંતુ આજે લોકો ધર્મને પોતાની રીતે ચલાવી રહ્યા છે અને એ કારણે પણ સૌ વિખેરાતા જાય છે તેમ સ્‍પષ્‍ટ પીર શીબ્‍લી મીંયાએ કહ્યું હતું.

ઉત્તર પ્રદેશના કિછૌછા શરીફ નામના ગામે આવેલ જગ વિખ્‍યાત દરગાહના ગાદિપતિ તરીકે જાણીતા અને પુરા ભારતમાં ફરી રહેલા પીર શબ્‍લી મીંયાએ ટીવી ડીમેટમાં જનારા લોકો સામે શખ્‍સ ધૃણા વ્‍યકત કરી આવા લોકોએ પ્રેમ ભરી વાતો કરવી જોઇએ અને નફરત ભરી વાતો નહિં કરવા પણ સંદેશો આપ્‍યો હતો.

વધુમાં પીર શબ્‍લી મીંયાએ આ મુલાકાતમાં જણાવ્‍યું હતું કે, ઇસ્‍લામને આતંકવાદ સાથે કશો સબંધ નથી. ઇસ્‍લામ ધર્મ આતંકવાદનો સખ્‍ત વિરોધી છે. અને આ આતંકવાદને ઇસ્‍લામ ધર્મમાં કોઇ સ્‍થાન નથી.કોઇપણ ધર્મનો વ્‍યકિત હોય જો તે અત્‍યાચાર ગુજારે છે તો તેને તેના ધર્મ સાથે જોડવો જોઇએ નહીં તેને તેના કર્મ અને સ્‍વભાવ મુજબ સજા કરવી જોઇએ કારણ કે આતંકવાદીઓને પોતાનો ધર્મ હોય છે જે ધર્મને આતંકવાદ સાથે સબંધ હોય તો તે ધર્મ નથી અને જે ધર્મ હશે તેમાં આતંકવાદ નથી.પોતે રાજકીય બાબતોથી સદંતર દૂર હોવાનું અને દૂર રહેતા હોવાનું અને પોતે એક સુફી પરિવારના સભ્‍ય હોવાનું સ્‍પષ્‍ટ જણાવી ઇસ્‍લામ ધર્મએ કયારેય કોઇને કષ્‍ટ આપવાનું લખ્‍યું નથી તેમ કહેલ અને અંતમાં પણ સૌને પ્રેમ આપો, પ્રેમ ભાવના ફેલાવો, બે દિલોને, બે માનવીઓને પ્રેમથી જોડો એજ આ જગતમાં જરૂરી હોવાનું કહેલ.રાજકોટના સદર વિસ્‍તારમાં આવેલ ખાટકીવાસમાં આગામી ઇદે મીલાદના પર્વ અંતર્ગત આજે રાત્રે યોજાયેલ એક કાર્યક્રમમાં વાઅઝ કરવા પધારેલા પીર શબ્‍લી મીંયાએ મોઢું જોઇને વર્તાવ ન કરી સૌને માન આપવું જોઇએ તે વાત ઉપર ભાર મુકતા કહ્યું કે, આજે દેશમાં ૩૦ ટકા મુસ્‍લિમો છે અને સૌ શાંતિથી રહે છે, સદભાવના સાથે રહે છે, આગામી ઇદે મીલાદનું ઝુલુસ પણ તેની સાક્ષી પૂરે છે અને તે દ્વારા જ પૂરા વિશ્‍વમાં પણ પ્રેમભાવના અને સંદભાવનાનો સંદેશ ફેલાઇ રહ્યો છે.

 સૂફીવાદને વ્‍યકત કરતા હઝરત પીર શીબ્‍લીમીંયા

રાજકોટ તા. ૪: અહીં પધારેલા હઝરત પીર સૈયદ અબુબકર શીબ્‍લીમીંયા મૂળ ઉત્તર પ્રદેશના કિછૌછા શરીફના રહી છે. જયાં પોતાના વડવા સૈયદીના સરકાર મરહુમ જહાંગીર અશરફ સિમ્‍નાની (રહે.) ની દરગાહ આવેલી છે. અને ત્‍યાંના વંશજ અને શૈખુલ ઇસ્‍લામ તરીકે જગવિખ્‍યાત હઝરત પીર સૈયદ મદની બાવાના તેઓ દૌહિત્ર છે. હાલમાં તેઓ લખનૌ સ્‍થાયી થયેલા છે અને સર્વત્ર પોતાના વાઅઝ દ્વારા સુફિવાદને વ્‍યકત કરી રહ્યા છે.

(4:01 pm IST)