Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

અસ્‍થિર મગજના વૃધ્‍ધાનું કાઉન્‍સેલિંગ કરી પરિવાર સાથે પુનઃ મિલન કરાવતી અભયમ ટીમ

પરિવારજનો પોલીસમાં ફરિયાદ કરવાના હતા ત્‍યાં ૧૮૧ની ટીમ પહોંચી ગઇ : એસટી બસ સ્‍ટેશન પાસે ગુમસૂમ બેઠા હતા : આંખમાં ઇજા હતી

રાજકોટ તા. ૩ : વૃઘ્‍ધાવસ્‍થામાં લોકોનો સ્‍વભાવ બાળક જેવો જિદ્દી બનતો જાય છે. ત્‍યારે તેમને સમજાવવાનું કાર્ય પરિવારજનો માટે પણ અઘરૂ સાબિત થાય  છે. એવામાં જો વૃધ્‍ધા અસ્‍થિર મગજના હોય તો તેમને મનાવી તેમની પાસે જાણકારી મેળવવી વધુ કઠિન બને છે. આવા અનેક કઠિનતાભર્યા કાર્યો કરનાર ૧૮૧ અભયમ ટીમે વૃઘ્‍ધાનું કાઉન્‍સેલિંગ કરી પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું  હતું. અને આશીર્વાદ મેળવ્‍યા હતા.

તા. ૩૦ ઓગસ્‍ટના રોજ રાજકોટ બસ સ્‍ટેશન રોડ પાસે ગુમસુમ બેઠેલા એક વૃધ્‍ધાને જોઈ તે વિસ્‍તારના રહેવાસીઓએ વૃઘ્‍ધાનો પરિચય મેળવવાનો દરેક સંભવિત પ્રયાસ કર્યો. પરંતુ વૃધ્‍ધાએ કોઇ  પ્રત્‍યુત્તર ન આપતાં રહેવાસીઓએ ૧૮૧ ની અભયમ ટીમનો સંપર્ક કર્યો, જે સંદભે થોડા જ સમયમાં વૃઘ્‍ધા પાસે પહોંચેલી રેસકોર્ષની અભયમ ટીમના કોન્‍સ્‍ટેબલ રીનાબહેને જણાવ્‍યું હતું કે, વૃધ્‍ધાની એક આંખમાં ઇજા થયેલી હતી. વૃધ્‍ધા માત્ર માથું હલાવી સાંકેતિક ભાષામાં હા અને ના એમ બે જ રીતે જવાબ આપી શકતા હતા. આ ઉપરાંત, તેમની માનસિક સ્‍થિતિ પણ સામાન્‍ય ન હતી. જેથી કાઉન્‍સેલર જીનલ વણકર દ્વારા વૃઘ્‍ધાનું કાઉન્‍સેલિંગ કરવામાં આવ્‍યું હતું. લાંબા સમય સુધી વાતચીત દ્વારા  આશ્વાસન આપ્‍યા બાદ અંતે વૃઘ્‍ધાએ તેમના રહેઠાણનો વિસ્‍તાર જણાવ્‍યો હતો. જયાં પહોંચી અન્‍ય વિસ્‍તારજનો સાથે વૃઘ્‍ધાના રહેઠાણ  સંદર્ભે  વાતચીત કરી એક સજજન વૃધ્‍ધ નાગરિકે બતાવેલ એડ્રેસ જઈ વૃઘ્‍ધાને તેના પરિવારજનોને  સોંપવામાં આવી હતી. 

વૃઘ્‍ધાના પરિવારજનો પણ વૃધ્‍ધાની શોધ સવારથી કરતા હતા અને એફ. આઈ. આર. લખાવવા પણ જવાના હતા. પરંતુ ૧૮૧ અભયમની ટીમ દ્વારા ગુમ થયેલા વૃધ્‍ધાનો પતો મળવાથી પરિવારજનોને હાશકારો થતો હતો.

(4:15 pm IST)